૩૪૬ - દિવાળીના દિવસે ભૂજ પધાર્યા
એક દિવસ એ હરિભક્તોએ દંડવત્ કર્યા, ત્યારે પોતે ઊઠીને બબ્બે વાર મળ્યા ને કહ્યું જે, ‘મહારાજ તથા મોટાની દયાએ તમે સહુ અક્ષરધામમાં જ છો, એમ જાણી સદાય આનંદમાં રહેવું. પણ ક્યારેય મોટાને ખતરાવવા નહિ, તે શું? તો ધર્મનિયમમાં ખબડદાર રહેવું.’ આ રીતે વાતો કરી સુખ આપતા ને વારે વારે બોલાવી મળતા, પ્રસાદીના હાર પહેરાવતા. તાણ કરી જમાડતા, સમાચાર પૂછતા, રાત્રે પણ ઘણી વાર સૂતા સૂતા વાતો કરે; એમ થોડા દિવસ બહુ જ સુખ આપીને કહ્યું જે, ‘તમે હવે ગામડામાં થઈને ભૂજ જજો.’ –એમ રજા આપી પોતે કાળીતલાવડી સુધી વળાવવા આવ્યા. પછી એ હરિભક્તો ગામડે થઈ ભૂજ દિવાળીને દિવસે પહોંચ્યા; ત્યારે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી કહે, ‘તમે તો ઘણા દિવસ બાપાશ્રી પાસે રહી સુખ લીધાં, પણ તેમને અહીં કેમ તેડી ન આવ્યા? હવે અહીંથી જાઓ ને બાપાશ્રીને લઈ આવો.’ એમ કહી ન્હાનાલાલભાઈ પાસે ઘોડી મગાવી, ચતુરભાઈને મોકલ્યા; તે વૃષપુરના પાધરમાં પહોંચ્યા, ત્યાં તો બાપાશ્રી પણ પોતાની ઘોડીએ બેસી ભૂજ આવવા નીકળેલા, તે ભેળા થયા પછી ઘોડી પાછી મોકલી. ચતુરભાઈ જે ઘોડી લાવ્યા હતા, તે પર બેસી, ધીરે ધીરે તેમની સાથે મહારાજના પ્રતાપની વાતો કરતા. જ્યારે ભૂજ થોડુક છેટું રહ્યું ત્યારે ચતુરભાઈને બાપાશ્રી કહે, ‘તમે હવે આ ઘોડીએ બેસીને આગળ જાઓ ને બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પાસે વધામણી ખાઓ.’ એમ રમૂજ કરી.
આ રીતે આજ્ઞા થવાથી મુક્તરાજ ચતુરભાઈ પ્રથમ ભૂજ આવ્યા ને પોતે પાછળથી પધાર્યા. જ્યારે મંદિરમાં પહોંચ્યા ત્યારે સંત-હરિભક્તો દર્શન કરી ઘણા રાજી થયા ને રાત્રે કથાવાર્તા પ્રસંગે સૌને ઘણો જ આનંદ થયો. બીજે દિવસ અન્નકૂટ વખતે પણ મહારાજનાં દર્શન સાથે આ અનાદિ મુક્તરાજનાં દર્શન થતાં સૌ ઘણા રાજી થયા. તે દિવસ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને રાજી કરવા બાપાશ્રીએ આસને સૂતા સૂતા રાત્રે ઘણીવાર વાતો કરી. પછી સવારે નહાઈ પૂજા કરી, માલણીઆદના હરિભક્તો ચતુરભાઈ આદિને દેશમાં જવાની રજા આપી ને પોતે ત્યાં ચાર દિવસ રહી સંત-હરિભક્તોને રાજી કરી વૃષપુર પધાર્યા.