૬૨૦ - સેવા કરનારાઓને મોક્ષનું વરદાન

0:000:00

એક દિવસ ધર્મશાળાનું કામ કરનારા જાદવજીભાઈ, ખોડાભાઈ, હરજીભાઈ તથા તેમના ભાઈઓ વગેરેને પોતાની પાસે બેસારી બાપાશ્રી કહેવા લાગ્યા જે, ‘તમે આજ સુધી સહુ હોંશભર્યા સેવા કરતા હતા ને આ કામમાં ચૂનો પણ તમારો નાખ્યો છે, તેમાં તમો સર્વેને એમ છે જે, અમારા ઉપર બાપા રાજી થાય, પણ હું તમારાં હેત, મહિમા ને સેવાથી ઘણો રાજી થયો છું. આ સ્થાનમાં અખંડ કથાવાર્તા ને સમૈયા-ઉત્સવ થાય છે, તેથી અહીં જે દર્શન કરવા આવે તેને અમે મોક્ષનો વર આપ્યો છે. એવે ઠેકાણે તમે સેવા કરી, તેથી તમારો તો આત્યંતિક મોક્ષ થઈ ગયો એમ જાણજો. તમારું પૂરું કરવાનું અમારે માથે.’ એવાં વચનો કહી પ્રસન્નતા જણાવી જમાડ્યા; પછી એ હરિભક્તોએ પણ બાપાશ્રીને ફૂલના હાર પહેરાવી કુંકુમના ચાંદલા કર્યા, પછી દંડવત્ કરી મળ્યા ને પ્રાર્થના કરી જે, ‘બાપા! સદાય અમારા પર આવા ને આવા રાજી રહેજો, અમે તો આપના બાળક છીએ; આપ અક્ષરધામમાંથી જીવોને મહારાજના સુખમાં લઈ જવા આવ્યા છો, તે તમે ક્યાં ને અમે ક્યાં! અમારી તો આપને એટલી જ પ્રાર્થના છે કે, અમારા વાંકગુના સામું જોશો મા.’ ત્યારે બાપાશ્રી કહે, ‘આજથી તમારા બધાય વાંકગુના માફ.’ આમ એ ધર્મશાળાની સેવાથી બાપાશ્રી તેમના પર ઘણા રાજી થયા. પછી એ સર્વે બાપાશ્રીને મળીને પોતાને ગામ ગયા.