૩૧૯ - આજ્ઞા પાળવામાં સુખ
એક દિવસ રાત્રે બાપાશ્રી મંદિરની ઓશરીમાં સૂતેલા ને ટાઢ વધુ જણાતી હતી, તેથી પુરાણી કેશવપ્રિયદાસજી એક ગોદડું ઓઢાડવા લાવ્યા ત્યારે પોતે બેઠા થઈ ગયા ને કહ્યું જે, ‘પુરાણી! ગોદડું ન ખપે!’ ત્યારે પુરાણી કહે, ‘બાપા! ટાઢ વધુ છે.’ ત્યારે પોતે કહેવા લાગ્યા જે, ‘પુરાણી! આટલી ટાઢમાં શું? આગળનું વિચારોને! આપણા મોટા મોટા સંતો શું કરતા! ઉનાળે ઊની રેતીમાં સૂતા, શિયાળે પાણીમાં બેસતા ને ચોમાસે વરસાદની ધારાઓ ખમતા ને વનમાં જઈ મહારાજને અખંડ સંભારી સુખિયા રેહેતા. એ ટાણે આવાં મોટાં મંદિર ને હવેલા ક્યાં હતાં? આજ તો જ્યાં જાઓ ત્યાં ખમા! ખમા! થાય છે, માટે આજ્ઞા સામું જોતા રહેવું. દેહ છે તેને છેક પાડી ન નાખવો, તેમ પંપોળી પંપોળીને એનું ધાર્યું પણ ન કરવું. જો એનું ગમતું કરવા માંડે તો એ ભગવાન ભજવા દે એવો નથી.’ એમ કહીંને એમ ને એમ સૂઈ રહ્યા ને સવારે નાહી, પૂજા કરી સભામાં આવ્યા, ત્યારે પણ આ વાત સહુને કરી મહારાજના વચનમાં ખબડદાર રહેવાની બહુ ભલામણ કરી.
આમ પ્રસંગે પ્રસંગે સંતોને હિતનાં વચનો કહી રાજી કરતા. એક દિવસ એમ કહેવા લાગ્યા જે, ‘સંતો! આવતી પૂનમનું ગ્રહણ થવાનું છે, તે દિવસ તમે રામપુર ગંગાજીએ જશો કે ભૂજ જશો? ગ્રહણ તો તીર્થમાં થાય એ સારું.’ ત્યારે પુરાણી આદિ સંતો એમ બોલ્યા જે, ‘અમે તો આપની પાસે બધાં તીર્થ જાણીએ છીએ.' એ વચન સાંભળી પોતે વાત કરી જે, ‘કુંભારિયાવાળા મિસ્ત્રી હરજીભાઈને અમારી સાથે ઘણું હેત થઈ ગયું હતું, તેથી ઘેરથી મહિનો, બે મહિના રહેવાનું નક્કી કરીને આવ્યા હોય, પણ હું કહું જે, ‘તમારે ઘેર તમને ગોવામલભાઈ સંભારે છે તે જાઓ.’ એ ટાણે તુરત પૂજા લઈ તૈયાર થઈ જાય, માટે રાજીપામાં સુખ બહુ છે.’ આ વાતથી સંતો સમજી ગયા ને પ્રાર્થના કરી જે, ‘અમે પણ આપના રાજીપામાં સુખ માન્યું છે, માટે જેમ આજ્ઞા કરો તેમ કરીએ.’ ત્યારે પોતે રાજી થઈને બોલ્યા જે, ‘તમે હવે અહીંથી દહીંસરા થઈને રામપુર જાઓ ને ત્યાં ગ્રહણ કરી નારાયણપુર થઈને અહીં આવીને દેશમાં જજો.’ પછી એ વચન માથે ચડાવી સંતો બીજે દિવસ તૈયાર થયા. તેથી પોતે ઘણા રાજી થયા ને ચંદન, પુષ્પથી પૂજા કરી મળ્યા; પછી જ્યારે ગ્રહણ કરી પાછા વળ્યા ને દહીંસરા, નારાયણપુર થઈ પાછા વૃષપુરમાં આવ્યા ત્યારે પણ ઘણો રાજીપો જણાવી મળ્યા ને સુખડીની પ્રસાદી આપીને બોલ્યા જે, ‘સૌ આમ ને આમ મહારાજની મૂર્તિ ભેળા રહેજો ને જ્યાં જાઓ ત્યાં બ્રહ્મયજ્ઞ કર્યા કરજો.’