૩૭ - રામપુરમાં બીજી પારાયણ

0:000:00

એક વખત ભૂજના સંતો પાસે આજ્ઞા લઈ મુક્તરાજ ધનબાએ બીજી વાર રામપુરમાં ‘સત્સંગિજીવન’ની પંદર દિવસની પારાયણ બેસારવાનું નક્કી કરી, મુક્તરાજ લક્ષ્મીરામભાઈને કથા વાંચવા માંડવીથી બોલાવ્યા. જે દિવસ એ આવવાના હતા તે જ દિવસે વૃષપુર ગાડું મોકલી તેમણે ભાઈશ્રીને બોલાવેલ, તે બેય, રામપુર અર્ધો ગાઉ રહ્યું, ત્યારે માર્ગમાં ભેળા થયા. ત્યાં અતિ હેતે પરસ્પર દંડવત્ કરી મળ્યા, ને સુખસમાચાર પૂછ્યા. પછી એ બન્ને રામપુર આવ્યા. ધનબા તો એ બે ય મુક્તોને જોઈ ઘણાં રાજી થયાં. કથાનો દિવસ નક્કી કરી સમાચાર પ્રથમથી મોકલેલ, તે પ્રમાણે હરિભક્તો આવ્યા ને કથામંડપ શણગાર્યો, મુહૂર્ત પ્રમાણે કથા ચાલતી થઈ. સવારમાં સભા ભરાય તેમાં પાટ ઉપર મુક્તરાજ લક્ષ્મીરામભાઈ બેઠા હોય ને ફરતી હરિભક્તોની સભા ભરાય. તે વખતે ભાઈશ્રીનું આસન કથાની પાટ પાસે રાખેલ હોવાથી જે જે હરિભક્તો આવે તે ઠાકોરજીનાં દર્શન કરી પુરાણીની ને પુસ્તકની પૂજા કર્યા પછી ભાઈશ્રીની પૂજા કરે, હાર પહેરાવે. ભાઈશ્રી તો સહજ સ્વભાવે ધ્યાનમાં જ બેઠા હોય તેમ જણાય. પારાયણમાં મુક્તરાજ લક્ષ્મીરામભાઈનું વાંચન ઘણું સારું તેમ જ પ્રસંગોપાત્ત વાતો કરી, મહારાજ તથા મોટા મુક્તનો મહિમા સમજાવતા હોવાથી, હરિભક્તો બહુ રાજી થતા. સાંજે બાઈઓના મંદિરમાં કથા થતી, ત્યાં પણ આ પુરાણી બે વૃદ્ધ હરિભક્તોને સાથે લઈ વાંચવા જતા. પોતાની ઉંમર મોટી તથા સ્થિતિ જબરી તેમ બ્રાહ્મણ હોવાથી સંતો તેમને બેય ઠેકાણે કથા વાંચવાની આજ્ઞા આપતા. આ રીતે સાંજ –સવાર કથા ચાલતી હતી. એક દિવસ રહ્યો ત્યારે ગામોગામની મંડળીઓ આવી, તેથી રામપુર ગાજવા માંડ્યું. છેલ્લે દિવસે સમાપ્તિ પછી જમવાનું સૌને ગંગાજીએ કરેલું, તેથી સમાપ્તિ થઈ રહ્યા પછી ત્યાં જવા બળદની વહેલ શણગારી, માંહી ઠાકોરજીની મૂર્તિ પધરાવી, પછી મુક્તરાજ ધનબા કહે, ‘પડખે લક્ષ્મીરામભાઈને બેસારો.’ ત્યારે લક્ષ્મીરામભાઈ કહે, ‘ભાઈશ્રીને બેસારો તો હું બેસું, નહિ તો ચાલ્યા આવશું.’ પછી ધનબા બેસવાનું કહે ને ભાઈશ્રી બેસે નહિ, એમ ઘણીવાર તાણખેંચ થતાં એકેય બેઠા નહિ. ત્યારે ધનબા હાથ જોડી કહેવા લાગ્યાં જે, ‘ભાઈ! તમે બેય બેસો તો હું રાજી થાઉં.’ આમ તેમના આગ્રહથી બન્ને વહેલમાં બેઠા પછી હરિભક્તોએ મહારાજની ચંદનપુષ્પથી પૂજા કરી ને એ બેય મુક્તોને ચંદન ચર્ચી કુંકુમના ચાંદલા કર્યા ને હાર પહેરાવવા માંડ્યા, તે એક એકના કંઠમાં દસ દસ બાર બાર હાર પહેરાવ્યા. પછી આગળ મંડળીઓ ઉત્સવ કરે, હરિભક્તો ઝીલણીઆ કીર્તન બોલે ને પાછળ બાઈઓમાં બાઈઓ કીર્તન બોલ્યા આવે. એમ ગાજતેવાજતે સૌ ગંગા ઉપર ગયાં. ત્યાં પંક્તિઓ થઈ ને હરિભક્તો પીરસવા લાગ્યા. એ જોઈ મુક્તરાજ ધનબા ઘણાં રાજી થયાં. એ વખતે સાંખ્યયોગી-કર્મયોગી બાઈઓની છેટે પંક્તિ થઈ હતી, ત્યાંથી ધનબાએ પ્રાર્થના કરી કહેવરાવ્યું જે, ‘અમારી પંક્તિમાં શીરો, સુખડી વગેરે પીરસવાનું છે, તે વાસણમાં પ્રથમ લક્ષ્મીરામભાઈ તથા ભાઈશ્રી હાથ અડાડી જાય ને આશીર્વાદ આપે તો સૌના જીવનું રૂડું થાય, કેમ કે આ બેય મુક્તો મહાસમર્થ છે.’ તેમની પ્રાર્થનાથી હરિભક્તોએ સહિત આ બેય મુક્તો તેમના શીરાસુખડી વગેરે પકવાનોને હાથ અડાડી સંકલ્પ કરી આવ્યા. તે વખતે ધનબાએ કોરા પાણીના ઘડામાં પણ હાથ બોળાવી લીધા. પછી તે બાઈઓ બાઈઓમાં પીરસતા હતાં ત્યારે ધનબા મહિમા કહેતાં જે, ‘બાઈઓ! હવે આ પ્રસાદી અક્ષરધામની જાણજો. મહારાજ જમ્યા ને આ મુક્તોએ હાથ અડાડી સંકલ્પ કર્યા છે, માટે આ દિવ્ય પ્રસાદી જાણી સૌ ધન્યભાગ માનજો. આ પુરુષ સાધારણ નથી; શ્રીજીમહારાજના સંકલ્પ છે.’ એમ કહી હાથ બોળાવેલ પાણી પણ છાંટતાં આવે ને કહે જે, ‘આ પંક્તિમાં જે આવ્યા હશે તે ઠેઠ મહારાજ પાસે પહોંચી જશે, એમ જાણજો.’ આવી રીતે મુક્તરાજ ધનબા, અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ તથા ભાઈશ્રીનો અલૌકિક મહિમા જાણતા.