૪૬૭ - વૃષપુર જતાં સંતોને સાથે લીધા

0:000:00

આ રીતે મુક્તરાજ ધનબાનો સંકલ્પ પૂરો કરી સંત-હરિભક્તોને રાજી કરતા બાપાશ્રી વૃષપુર આવવા તૈયાર થયા ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી તથા બેત્રણ સાધુને જરા જરા તાવ આવતો હતો તેમને પોતે કહ્યું જે, ‘હમણાં સૌ વૃષપુર ચાલો, આપણે ત્યાં કથાવાર્તા કરજો, એટલે બધુંય ઠીક થઈ જશે.’ આવાં રાજીપાનાં વચનથી ચાર સંતો બાપાશ્રી ભેળા વૃષપુર આવ્યા. એ વખતે ટાઢ વધુ પડતી હોવાથી પુરાણી આદિ સંતો બાપાશ્રીને ઊનું પાણી કરી નવરાવતા. એ જ રીતે બાપાશ્રી સંતોની ખબર રાખતાં માથે હાથ ફેરવે, રાત્રે પોતે જાગ્યા હોય ત્યારે કોઈ સંતે ગોદડું ન ઓઢ્યું હોય તો પોતાને હાથે ઓઢાડી જાય. સવારે સાધુ પાસે બાજરીની રાબ કરાવી પાય. એમ કરતાં બીજા સંતોને ઠીક થઈ ગયું, પણ પુરાણી કેશવપ્રિયદાસજીનું શરીર સાવ કૃશ થઈ ગયેલું, તેમ તાવ પણ હઠે નહિ તેથી એક દિવસ તેમણે પ્રાર્થના કરી જે,’ બાપા! મને હવે દયા કરી મહારાજના સુખમાં મૂકી દ્યો તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘મહારાજ ક્યાં છેટા છે? અંતર્દૃષ્ટિએ જોઈએ તો આ રહ્યા! ક્યાંય જવું-આવવું ન પડે.’ મહારાજ કહે છે કે, ‘અંતર્દૃષ્ટિવાળાને ભગવાન ને ભગવાનના ધામ અણુમાત્ર છેટાં નથી,’ માટે કોઈ વાતનો સંકલ્પ કરવો નહિ ને એમની મરજી હોય તેમ સદાય રાજી રહેવું. એમ કહી કંઠમાં હાર પહેરેલ હતો તે ઉતારી પુરાણીને પહેરાવ્યો ને માથે હાથ મૂકી બોલ્યા જે, ‘આપણે તો મહારાજને ઘડીએ મૂકવા નહિ એટલું કરવાનું છે.’ આમ પ્રસન્નતા જણાવ્યાથી પુરાણી કેશવપ્રિયદાસજી ઘણા રાજી થયા. પછી તો હળવે હળવે તાવ પણ ઊતરી ગયો, એટલે રોજ કથાવાર્તા કરવા લાગ્યા; ત્યાં વળી અમદાવાદથી પુરાણી લક્ષ્મીપ્રસાદદાસજી તથા બીજા સંતો આવ્યા, તેથી બાપાશ્રી પાસે પાછો કથાવાર્તાનો અખાડો ચાલતો થયો.