૨૪૩ - મૂળીએ જઈ શાંતિ કરાવી
ત્યાર પછી એ જ મહિનામાં ભૂજમાં ધર્મામૃતની કથાપ્રસંગે બાપાશ્રી ભૂજ જઈ આવ્યા ને થોડા દિવસ થયા ત્યાં વળી એવી વાત બની જે, ‘અમદાવાદ મંદિરના ટ્રસ્ટીઓ’ને મૂળી મંદિર સાથે વ્યવહારને લીધે જરા વધુ પડતો વિક્ષેપ થઈ ગયો હશે, તેથી મૂળીના સંતોનો સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી ઉપર મૂળીએ તેડાવવાનો કાગળ આવ્યો, તેથી ત્યાં જવા સ્વામીશ્રીએ પોતાની સાથે થોડા સંતો અને આ અનાદિ મુક્તરાજ તથા નારાયણપુરવાળા ધનજીભાઈને લીધા ને ત્યાં જઈને એ વિક્ષેપનું સમાધાન કરાવ્યું. સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીનું વૃત્તાંત એવું કડક હતું કે, સંતો તથા હરિભક્તો સૌ તેમનાથી સહેજે દબાઈને વર્તતા. કોઈ એમના પાસે જેમતેમ બોલી શકે નહિ, તેવો એમનો દાબ સૌને પડતો; છતાં વિક્ષેપ પ્રસંગે અમદાવાદના ટ્રસ્ટીઓમાંથી કોઈ જરા ઉતાવળું બોલ્યા હશે, તે વાત સ્વામીશ્રીએ ધ્યાનમાં રાખી પોતે ભૂજ આવ્યા. પછી ઠપકારૂપે તેમના ઉપર શ્રીજીમહારાજની આજ્ઞાથી ભરેલો મોટો પત્ર લખ્યો, તેથી એ મનમાં સમજી રહ્યા ને જાણ્યું જે, આ સંત આટલા બધા મર્યાદી ને આજ્ઞાપાલક હતા તેની આપણને ખબર ન પડી; પછી પ્રાર્થના રૂપે પ્રત્યુત્તર લખી મોકલ્યો જે, ‘આપ સમર્થ સદ્ગુરુ તથા અનાદિ મુક્તરાજ અબજીભાઈએ મૂળીમાં પધારી, અમારા પર બહુ દયા કરી હિતનાં વચનો કહ્યાં હતાં, પણ તે વખતે અમારાથી એકબીજાની મર્યાદા વિના ઉતાવળું બોલાણું હશે, તો આપ દયાળુ છો તે અમારા પર રાજી રહી, આવી રીતે હિતનાં વચન પોતાના જાણી લખતા રહેશો. અમે વ્યવહારે મોટા ગણાઈએ, પણ આપ જેવા મહા સમર્થ મુક્તોના દાસ છીએ.’ એવાં વિનય ભરેલાં વચનો કાગળમાં આવતાં સ્વામીશ્રીએ તે કાગળ બાપાશ્રીને વંચાવી રાજીપાનો પ્રત્યુત્તર લખી મોકલ્યો હતો.