૩૫ - રામપુરમાં પારાયણ

0:000:00

મુક્તરાજ ભાઈશ્રીને હજુ કેડનો દુઃખાવો બરાબર મટ્યો નહોતો, તે વખતે રામપુરવાળાં મુક્ત ધનબાએ પારાયણ બેસારવાનું નક્કી કરી માંડવીના મુક્તરાજ લક્ષ્મીરામભાઈને તે પારાયણ વાંચવા બોલાવ્યા. મુહૂર્તને હજુ બે દિવસની વાર હતી ત્યાં પોતે માંડવીથી ગાડામાં બેસી રવાના થયા. માર્ગમાં ગામ આસંબીઆ આવ્યું, ત્યારે ગાડાવાળાએ વાંધો કરવા માંડ્યો કે ‘મને ભાડું આપો.’ ત્યારે લક્ષ્મીરામભાઈ કહે, ‘રામપુર પહોંચ્યા પછી ભાડું મળશે.’ ગાડાવાળો કહે, ‘નહિ, હમણાં આપો, નહિ તો ગાડું નહિ જોડું.’ એમ વાત થતી હતી ત્યાં મહારાજ રોઝે ઘોડે ચડીને આવ્યા. બીજા ઘોડા પર મુક્તરાજ ભાઈશ્રી હતા. મહારાજે ગાડાવાળા સામે સોટી ઉગામી તેથી તે બીન્યો. પછી ભાઈશ્રી કહેવા લાગ્યા જે, ‘ગામ આવ્યા પહેલાં ભાડું માગે છે તે નહિ મળે, શું તારા બાપનું રાજ્ય છે? લઈ ચાલ રામપુર! બ્રાહ્મણને હેરાન કરે છે, તે તારા મનમાં તું શું જાણે છે? અમે રામપુર જઈએ છીએ. જો હવે કાંઈ કનડગત કરી તો તારી વાત છે.’ આવી ધમકીથી ગાડાવાળે તરત ગાડું જોડ્યું. મહારાજ ને ભાઈશ્રી તો ત્યાંથી તુરત અદૃશ્ય થઈ ગયા. આ વાત મુક્તરાજ લક્ષ્મીરામભાઈએ ધનબાને રામપુર આવી કહી, તેથી તે બહુ રાજી થયાં ને કહ્યું જે, ‘ભાઈશ્રીને કેડનો દુઃખાવો રહે છે, તેથી બહારગામ જવાઆવવાનું ઓછું રાખ્યું છે. મને કહેતા હતા કે, લક્ષ્મીરામભાઈને મારા દંડવતે સહિત ‘જય સ્વામિનારાયણ’ કહેજો, ને આ ફેરે મારાથી ન આવી શકાય તો રાજી રહેજો.’ આ પારાયણમાં કેડના દુઃખાવાને લીધે ભાઈશ્રી રામપુર જઈ શક્યા નહોતા.