૪૩૩ - આશાભાઈને પરાણે ઘેર મોકલ્યા

0:000:00

વૃષપુરમાં આવ્યા પછી થોડા દિવસે બાપાશ્રીને શરીરે ઠીક રહેવા માંડ્યું તેથી કણભાના આશાભાઈ જે બાપાશ્રીના હજૂરી સેવક જેવા, જે ઘણા વખત થયાં પાસે રહી સેવા કર્યા કરતા ને દેશમાં જવાનું તો નામ જ લેતા નહિ તેમને બાપાશ્રી કહે, ‘હવે મને ઠીક થઈ રહ્યું છે, તેથી તમે દેશમાં જાઓ તો સારું.’ આવી આજ્ઞા થતાં પોતાને હજી બાપાશ્રી બરાબર ઠીક થઈ રહે ત્યાં સુધી રહેવાનો વિચાર હોવાથી હાથ જોડી પ્રાર્થના કરતાં કરગરવા લાગ્યા. વળી પાંચસાત દિવસે સમજાવીને કહ્યું, તોપણ એ જ રીતે કાલાવાલા કરી હાથ જોડતા રહેવાની ઇચ્છા જણાવી. પછી એક વખત તો બાપાશ્રી તેમને કહે કે, ‘તમે આમ ને આમ હવે ક્યાં સુધી રહેશો?’ ત્યારે તે કહે, ‘બાપા! મારા માથે કાંઈ વ્યવહાર નથી; હું તો વધારાનો છું,’ -આમ કહે, પણ ઘણા દિવસ સુધી જવાનું કરે નહિ. વળી એક દિવસ બાપાશ્રી કહે, ‘આશાભાઈ! તમારા દેશમાંથી એવા ખબર આવે છે કે, રાજ્ય તરફથી લોકોને લડાઈમાં લઈ જવાનો વિચાર ચાલે છે, માટે હવે તમે ઘેર જાઓ તો ઠીક!’ ત્યારે આશાભાઈ કહે, ‘બાપા! તો તો ત્યાં જવામાં દુઃખનો પાર નહિ. અહીં આપનાં દર્શન-સેવાથી સુખશાંતિ વર્તે છે તે ત્યાં જાઉં ને લડાઈમાં જવું પડે, તો તો ભૂંડા હાલ થાય. એ કરતાં અહીં આપની સમીપે રહી સુખ લઉં તે કેવું!’ બાપાશ્રીએ જાણ્યું જે, ‘આ કાંઈ આમ સમજાવ્યા સમજે તેવા નથી.’

થોડા દિવસ વીત્યા પછી ફરી વાર બાપાશ્રીએ તેમને કહ્યું જે, ‘આશાભાઈ! હમણાં તમારા દેશમાં ધાડાં પડે છે એવું સંભળાય છે, તો તમે હવે ઘેર જાઓ તો ઠીક. ઘર રેઢું હોય તો કોઈ લૂંટી જાય!’ ત્યારે તે કહે, ‘બાપા! તો તો હમણાં દયા કરીને પાસે રાખો એ જ સારું; કારણ કે, ત્યાં જવામાં ઊલટું એ દુઃખ; કેમ કે ધાડાંના માણસો ઓચિંતાનાં રાતવરત આવે, તે ચારે કોર માણસો ઊભા રાખીને જે કાંઈ હાથ આવે એટલું લઈ લે; પછી હાજર હોય તેને મારીને કહે કે, ‘બીજું ક્યાં સંતાડ્યું છે?’ જો ના પાડે કે દેખાડતાં વાર લગાડે તો એવા માર મારે કે, કેટલાક તો ઠામુકા જીવથી યે જાય. એવા દુઃખમાં જવાનો કોને વિચાર થાય? માટે દયા કરીને મને હમણાં અહીં રહેવા દ્યો તો સારું. આપ એમ આજ્ઞા કરશો કે, ‘ના, તારે જવું જ પડશે,’ તો પછી મારો કાંઈ ઉપાય નથી.’ આ રીતે ઘણી વાર યુક્તિથી કહેવા છતાં બાપાશ્રીને વિષે પોતાને અત્યંત હેતને લીધે આવા ઉત્તર આપ્યા કરે, પણ જાય નહિ.

પછી એક દિવસ બાપાશ્રીએ તેમને એમ જ કહ્યું કે, ‘હવે તમારે ઘેર જવું છે કે નહિ?’ ત્યારે તે કહે, ‘બાપા! આપ સાવ મંદવાડ મટાડી દેશો ત્યારે હું જઈશ.’ આમ તેમને હજુ રહેવાનું હતું, પણ પછી તો એમ જ કહ્યું કે, ‘હવે તમારે જો મારો રાજીપો જોઈતો હોય તો કાલે જવાનું કરો!’ આ વચન સાંભળી તુરત પોતે હા પાડી ને કહ્યું, ‘બાપા! ભલે, કાલે જઈશ; આપ રાજી થાઓ.’ પછી હરિભક્તો તથા બાઈઓ દેશમાં જવાનાં હતાં તેમને પણ સાથે જવાની આજ્ઞા કરી. બીજે દિવસ એ ચાલવા તૈયાર થયા ત્યારે ઘણી પ્રસન્નતા જણાવી. પોતે માંચીમાં બેસી ઘણે છેટે સુધી વળાવવા ગયા ને માથે હાથ મૂકી વિદાય કર્યા. એ વખતે આશાભાઈનું હૈયું ભરાઈ આવ્યું, તોય ગયા તો ખરા! પણ તેમનું આવું હેત જોઈ બાપાશ્રીને દયા આવી, એટલે વાંસે માણસ મોકલી પાછા બોલાવી થોડા દિવસ પોતાની પાસે રાખી રાજી કરીને પછી રજા આપી. આમ બાપાશ્રીને વિષે તેમને અપાર હેત હોવાથી બાપાશ્રી પણ તેમનાથી જરાય અંતરાય રાખતા નહિ.

આશાભાઈ દેશમાં ગયા પછી થોડા દિવસ બાપાશ્રી સવારમાં પોતાનું નિત્યનિયમ કરી સભામાં હરિભક્તો બેઠા હોય, તેમની પાસે વચનામૃતની કથા કરાવતા ને કોઈ વાર ભૂજથી કે ગામડેથી હરિભક્તો આવ્યા હોય તેમના પાસે મહારાજના મહિમાની વાતો કરતા.

એક દિવસ સવારે સભામાં કારિયાણીનું છઠ્ઠુ વચનામૃત વંચાતું હતું. ત્યારે પોતે એમ વાત કરી જે, ‘જેમ માબાપ છોકરાને બધું આપી દે છે, તેમ મહારાજે કહ્યું કે, -’અમારો દેહ અમારા ભક્તને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે.’ -આનું કારણ એ છે કે કોઈ જીવથી અમારી મૂર્તિ સુધી પહોંચાશે નહિ,’ એવું જાણી અનંત જીવોને સુખિયા કરવા મહારાજે પોતે જ દયા કરી દર્શન આપ્યાં છે. નહિ તો કોટિકલ્પ જપતપ કરીને પણ સર્વોપરી એવા જે શ્રીજીમહારાજ તે મળે તેવા નથી, તેથી જ ‘નર વિગ્રહ ધર્યો કરુણા કરી' -એમ કેવળ કરુણાએ કરીને સૌને દર્શન આપ્યાં, તેથી અક્ષરાદિ જેવાને પણ અગમ એવા મહાપ્રભુ તે આજ સૌને સહેજે સુગમ થયા છે તેણે કરીને વર્તમાનકાળે સત્સંગમાં અનેક જીવોના મોક્ષ થાય છે.

એ મૂર્તિના સંબંધ વિના તો ઠેઠ અક્ષર જેવડી મોટાઈ આવે તોય શું? કેમ કે જીવને જ્યાંત્યાં ચોટવાનો સ્વભાવ છે. આ તો મહારાજે- ‘બાંહ્ય ઝાલીને તાણી લીધી બારણે, નહિ તો વહીને જાત ક્યાંઈ ને ક્યાંઈ,’ -એમ ભગવાન પુરુષોત્તમે આપણો હાથ ઝાલ્યો છે, તે એમના હાથમાંથી હાથ મુકાવી ન દેવો. કોઈ એમ જાણે કે, ‘જીવ કેમ કરીને હાથ મુકાવી દે?’ તો તેનું એમ છે કે, ‘દેહ, ઇંદ્રિયોને આધીન થઈ મહારાજની નાનીમોટી આજ્ઞા લોપે તો મહારાજ તેના પર કુરાજી થાય, એટલે હાથ મુકાવી દીધો કહેવાય,’ માટે એ વાતનો તો બહુ જ ખટકો રાખવો અને એમ જાણવું જે, ‘મૂર્તિ વિના બીજું કોઈ સુખદાઈ નથી. મૂર્તિને સંભાર્યા વિના ઊંચે સાદે રાગ તાણે, વાજાં વગાડે, મોટા મોટા ખર્ચ કરે, પણ એક કોડી જેટલીય કમાણી ન થાય. પોતાની મેળાએ પુસ્તક વાંચી વાંચીને પણ પાર ન આવે. પાર તો મહારાજ કાં મહારાજના મોટા મુક્ત મળે તો આવે.’