૬૪૭ - `ઘનશ્યામતળાવડી` માં નાહવા પધાર્યા
એ વખતે ત્યાંના હરિભક્તો રામજીભાઈ તથા ગાંગજી પટેલ આદિ સહુએ પ્રાર્થના કરી જે, 'બાપા! આજ તળાવડીમાં નાહવા પધારો તો ઠીક!' ત્યારે બાપાશ્રી કહે, 'બહુ સારું.' પછી થોડી વાર થઈ ત્યાં તો હરિભક્તો ગાડી લઈને આવ્યા, તેમાં બાપાશ્રી તથા સંતોને બેસારી હરિભક્તો ગાડી તાણવા લાગ્યા. એ જોઈ બાપાશ્રી કહે, ‘આમ ન થાય.’ ત્યારે રામજી રૂડા, ખોડાભાઈ તથા મૂળજીભાઈ, કાનજીભાઈ આદિ હરિભક્તો કહે, 'બાપા! આવા સંતોની સેવામાં દેહ કામ ન આવે તો પછી એ શું કામનો?' આમ હેત જણાવી વારાફરતી ગાડી તાણતા ને કીર્તન બોલતા સહુ તળાવડીએ આવ્યા. એ વખતે તળાવડીમાં પાણી ઘણું હોવાથી હરિભક્તોએ બાપાશ્રી તથા સદ્ગુરુઓને તરાપામાં બેસારી કીર્તન બોલતા બોલતા ઊંડા પાણીમાં ફેરવ્યા; પછી છાતીસમા જળમાં આવી સૌ નાહીને પરસ્પર મળ્યા; ત્યાંથી બહાર આવી, વસ્ત્રો બદલી બાવળ નીચે પ્રસાદીના ઓટા પાસે સભા કરીને બેઠા. તે વખતે હરિભક્તો બાપાશ્રી તથા સંતોની ચંદન-પુષ્પથી પૂજા કરી કીર્તન બોલ્યા. ત્યારે બાપાશ્રી કહે, 'આ તળાવડીમાં અમે નાના હતા ત્યારે બહુ જ નાહ્યા છીએ, એ વખતે ઘનશ્યામ મહારાજે અલૌકિક દર્શન આપ્યાં હતાં. માટે આ તળાવડીનું નામ હવેથી સહુ 'ઘનશ્યામતળાવડી' કહેજો અને ઘાટનું નામ 'પુરષોત્તમઘાટ' કહેવું.' એમ કહી સૌને પ્રસાદી વહેંચી. પછી હરિભક્તો પ્રથમની પેઠે કીર્તન બોલતા બોલતા બાપાશ્રી તથા સંતોએ સહિત મંદિરમાં આવ્યા. ત્યાં ગામના મોટા મોટા હરિભક્તોએ પ્રાર્થના કરી જે, 'બાપા! ગામમાં હરિભક્તોને ઘેર દર્શન દેવાની દયા કરો તો સહુ રાજી થાય.' ત્યારે બાપાશ્રી કહે, 'અમારી ક્યાં ના છે? અમે તો જેમ હરિભક્તો રાજી થાય તેમ કરીએ છીએ. તેમાં થાકનું કે ભૂખનું ગણતા નથી, તેમ અમારે બીજો કોઈ અર્થ નથી, પણ સહુને દિવ્યભાવ સમજાવી મૂર્તિના સુખે સુખિયા કરવા છે,' -એમ કહી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહીને પોતે હરિભક્તો સાથે ઘેર ઘેર જઈ સૌને દર્શન દેતા ને રાજી કરતા, રાત્રે દસ વાગ્યે મંદિરમાં આવ્યા.
બીજે દિવસ સવારે નાહી પૂજા કરીને બાપાશ્રી સભામાં આવ્યા ત્યારે પણ રામજીભાઈ આદિ હરિભક્તોને કહ્યું જે, 'આ સંત ને અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ; આ સંતો મૂર્તિમાં રહેનારા છે, આ વાત તમે ભૂલશો મા. અમે તમારા હેતનાં બાંધ્યા આવીએ છીએ ને તમારા પર બહુ રાજી છીએ,' -એમ પ્રસન્નતા જણાવી સૌને રાજી કરતા બાપાશ્રી વૃષપુર પધાર્યા.