૧૧૬ - મૂર્તિ સામું જોઈએ એટલે આનંદ
આ પ્રકારે ભાઈશ્રી પોતાની પાસે જે જે સંત – હરિભક્તો આવે તેને વાતચીતે સુખિયા કરવા ઉપરાંત પોતાથી બનતું વ્યાવહારિક કામકાજ કરવા લાગ્યા. સવાર–સાંજ મંદિરમાં કથાપ્રસંગે વાતોનો પ્રસંગ નીકળે ત્યારે પણ પોતે વાત કરે, તેથી હરિભક્તોને સત્સંગનો રંગ ચડતો ગયો. ગામમાં કે પરગામમાં કોઈ માંદા હોય ને ખબર પડે તો પોતે જોવા જાય. માથે હાથ ફેરવે, પ્રસાદી આપે, કોઈ ધામમાં જાય ત્યારે પોતે પાસે ઊભા હોય ને બીજે રૂપે મહારાજની સાથે પણ દેખાય, એથી સૌને દિવ્યભાવ વધતો ગયો. ઘરમાં કોઈ માંદુંસાજું હોય તો ખબર પૂછે, પાસે બેસે, માથું દાબે, પાણી પાય, મહારાજની વાતો કરે, એમ ઘણે પ્રકારે સેવા કરી રાજી કરે; અને જો પોતાને તાવ આવ્યો હોય કે માથું દુઃખતું હોય, તો વગરબોલ્યા ઓઢીને સૂઈ રહે. કોઈ વાર નાહવાનું થઈ ગયું હોય કે મરડો થયો હોય તોય જણાવે નહિ; લાંબું ચાલે ને આપણે સહજ જાણી જઈએ તો ભલે.
એક વાર જરા લથડી પડ્યા હશે, તેની કોઈને ખબર નહિ, પણ ચાલતા ત્યારે જણાતું જે કાંઈક થયું છે. જ્યારે ઘરમાંથી પૂછયું ત્યારે કહે, ‘એ તો જરા ઠેશ લાગી હતી.’ આમ મુદ્દલે જણાવે નહિ, બહુ પૂછે તો કહે જે, ‘મૂર્તિ ભૂલીને દેહનું મનન શું કરવું? મૂર્તિ સામું જોઈએ એટલે આનંદ. ‘અક્ષર પર આનંદઘન પ્રભુ, કિયો હે ભૂ પર ઠામ’ એ મૂર્તિ સામું જોઈને સુખિયા રહેવું,’ આમ પોતાને તો જ્યાં બેસે ત્યાં અંતર્વૃત્તિ; પ્રથમ પોતે કીર્તન બહુ બોલતા પણ પછી તો સંત-હરિભક્તોને મહારાજના અલૌકિક પ્રતાપની વાતો કરવાનું પ્રકરણ ચલાવ્યું, તોપણ કોઈક વાર પૂજા કરી ઠાકોરજીનાં દર્શન કરવા જતા હોય, કે ઘેરથી મંદિર આવતા હોય; અથવા વાડીએ એકલા જતા હોય; ત્યારે મધુર સ્વરે એકાદબે ટૂંક બોલતા જતા હોય; પણ એટલામાં તો સાંભળનારાને ‘શાંતિ શાંતિ’ કરી મૂકે. ક્યારેક સભામાં ઝીલણિયા કીર્તન બોલતા હોય, તેમાં એવું જ મૂર્તિનું હેતભરેલું વર્ણન આવ્યું હોય, ત્યારે પણ પોતે ઘેરે સાદે કીર્તનની એકબે ટૂંક બોલાવીને ઝિલાવે. આમ દરેક ક્રિયામાં નવીનતા જણાવાથી દિવ્યભાવવાળાને એટલું તો સમજાઈ ગયું કે આ મુક્તરાજને એક મૂર્તિનો જ આનંદ છે; તેમની પાસે બીજી વાત જ નથી; આ રીતે ભાઈશ્રીના પ્રસંગમાં સંત-હરિભક્તોને સહજ મૂર્તિનું સુખ મળતું હતું.