૮૩ - જાદવજીભાઈ પર શ્રીજીમહારાજની દયા

0:000:00

હવે નારાયણપુરમાં એ જ રાત્રે જાદવજીભાઈને શ્રીજીમહારાજે દર્શન દઈને કહ્યું જે, ‘આજ અમારા મુક્તને તમે અજાણમાં કહ્યું, તોપણ એ અપરાધ થયો છે, તે વહેલા જઈને માફ કરાવી આવો.’ પછી તો એ તુરત ધ્રૂજતા ધ્રૂજતા ઊઠ્યા ને એ જ વખતે પોતાના પુત્ર ધનજીભાઈને સાથે લઈ વૃષપુર ગયા. મંદિર બંધ હતું તે સાંકળ ખખડાવી ઉઘડાવ્યું ને ભાઈશ્રીના આસને દંડવત્ કરવા માંડ્યા. તુરત જ ભાઈશ્રીએ જાગીને પૂછ્યું, ‘એ કોણ?’ ત્યારે જાદવજીભાઈ કહે, ‘ભાઈ! તમારા દાસનો દાસ. મેં ભૂલ કરી. મારો ગુનો માફ કરો.’ એમ કહી મહારાજે દર્શન આપી કહ્યું હતું તે વાત કરી, ત્યારે ભાઈશ્રી કહે, ‘અમારે માન-અપમાનનું કાંઈ નથી, પણ આમ જેનીતેની વાત સાંભળીએ તો મહારાજ કેમ રાજી થાય?’ પછી જાદવજીભાઈ પોતાને માથે હાથ મુકાવ્યા, મળ્યા ને કેટલીયે પ્રાર્થના કરી, ત્યારે ભાઈશ્રીએ રાજી થઈને કહ્યું, ‘તમે તો મહારાજના લાડીલા છો, તેથી મહારાજે તમને ચેતવ્યા.’ એમ કહેતાં ઘણો રાજીપો જણાવી મહિમાની વાતો કરી ને કહ્યું જે, ‘કાંઈ ફિકર રાખો મા. હું તો તમારા પર એવો ને એવો રાજી છું. આમાં તમારો કાંઈ વાંક નથી. આપણે તો સદાય ભેગા છીએ, ને ભેગા રહેશું.’ આવા આશીર્વાદથી રાજી થઈ તે ઘેર ગયા ને ઘરમાં સહુને કહી દીધું જે, ‘આજથી કોઈ દિવસ નાનામોટા કોઈ ભાઈશ્રીને વિષે મનુષ્યભાવ લાવશો નહિ. એ તો અલૌકિક દિવ્યસ્વરૂપ અને મહાસમર્થ મુક્ત છે.’ એમ કહી પોતાને દર્શન થયાં હતાં તે વાત કરી.

હવે નારાયણપુરમાં નાતના માણસો પાસે ભાઈશ્રીને કહેવરાવવાનું ને ઠપકો અપાવવાનું જેને તાન હતું તેવા દ્વેષી માણસોએ ભૂજ જઈ સદ્‍ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામીને વાત કરી જે, ‘સ્વામી! તમે અબજીભાઈને કંઈ કહેતા નથી, પણ એ તો મનુષ્ય ભેળાં કરે છે ને પોતે પૂજાય છે.’ એવું સાંભળી સ્વામીશ્રી તો એ વાત શાના માને? કેમ કે જેને ઘણી વાર આ મુક્તરાજના અદભુત પ્રતાપ જોયા હતા, તેમ ત્યાગી થવા પહેલાં મહામુક્ત સૂરજબાએ ત્રણ મુક્તનાં નામ લઈને જોગ-સમાગમ કરવાનું કહેલ હતું, તેથી તેમને તો ભાઈશ્રીને વિષે લેશમાત્ર શંકા થાય તેમ નહોતું, પણ સ્વામીશ્રી વ્યવહારકુશળ હોવાથી કહેનારાનું માન સાચવવા એ વખતે બીજું કાંઈ ન બોલતાં એટલું કહ્યું કે, ‘અમે આ વાતની તપાસ કરાવી જોશું. અને જો તેમનો કાંઈ વાંક હશે તો કહીશું.’