૨૯૭ - ગ્રહણ સમયે સભા તથા સ્નાન
હવે સાત દિવસનો બ્રહ્મયજ્ઞ સમાપ્ત થયા પછી રાત્રે પહેલા પહોરનું ચંદ્રગ્રહણ હોવાથી બાપાશ્રીએ સહિત સર્વે સંતો તથા આસપાસનાં ગામોમાંથી આવેલા હરિભક્તો ગંગાજી ઉપર વહેલા આવી પહોંચ્યા. ઘણો મોટો સમૂહ હોવાથી નદીની રેતીમાં મોટી સભા કરી વચમાં સંતો અને બાપાશ્રી તથા ફરતા હરિભક્તો બેઠા. એ વખતે સંતો તથા બાપાશ્રીને કેટલાંક ગામડાંના હરિભક્તો આવી હાર પહેરાવતા હતા ને મૂળીવાળા સ્વામી શ્વેતવૈકુંઠદાસજીને વચનામૃત કંઠે હોવાથી તે ઉતાવળા વચનામૃત બોલતા હતા. એક તો નદીનું ઉત્તમ સ્થાન ને ગ્રહણનો દિવસ, તેમાં વળી ચંદ્રમાના પ્રકાશમાં હરિભક્તોના વિશાળ સમૂહ વચ્ચે હજારી ફૂલહારથી શોભતા સંતો તથા બાપાશ્રી આદિ ધ્યાને યુક્ત બેઠા જોઈ હરિભક્તો આનંદ પામતા હતા.
થોડી વાર પછી સંતોના આગ્રહથી બાપાશ્રીએ વાત કરી જે, ‘લાખો જન્મ ધરે તોય મોક્ષ ન થાય તે આજ દેહ છતાં થાય છે, એવો મહારાજનો ને મોટાનો પ્રતાપ છે. આવો મહિમા સમજાય તો કાંઈ બાકી રહે નહિ; પણ જીવને સાધનના તથા ક્રિયાના ફેર ચડી જાય છે, કાં તો એમને વિષે મનુષ્યભાવ પરઠે છે. પણ મહારાજ તથા મોટા મુક્ત તો જેવાં અક્ષરધામમાં છે, તેવા ને તેવા જ દિવ્ય છે ને અનેક જીવને સુખિયા કરે છે, એમ જાણે તો કાંઈ વાંધો રહે નહિ. આ જોગ ને આ વખત બહુ સારો છે. આ ટાણે મૂર્તિના સુખરૂપ અમૃતના ઘન વરસે છે. આવું સુખ કોણ મૂકી દે! આપણે મુખ્ય વાત તો એ રાખવી જે, મહારાજ અને મોટા મુક્તને ઘડીએ મૂકવા નહિ ને એ વિના બીજું કાંઈ જોવાનો ઠરાવ ન રાખવો. મોટા મુક્ત તો મૂર્તિથી ક્ષણમાત્ર જુદા રહેતા નથી. એટલે એ જ્યાં હોય ત્યાં મહારાજ હોય ને મહારાજ હોય ત્યાં એ હોય, એમ અરસપરસ છે. આ સભામાં એ મહાપ્રભુ અખંડ બિરાજે છે ને સૌને અભયદાન આપે છે. તેમણે આપણો હાથ ઝાલ્યો છે તે મૂકે એવા નથી. એ મૂર્તિમાં નકરું સુખ, સુખ ને સુખ જ છે –સુખની સીમા છે. જેમ મહારાજ તેજોમય, મુક્ત તેજોમય, તેમ આ સભા પણ તેજોમય, દિવ્ય ને અખંડ છે.’
આ રીતે બાપાશ્રી વાતો કરતા હતા ત્યાં ગ્રહણ થવા માંડ્યું એટલે સૌએ ધૂન્ય કરી; પછી ગ્રહણ મુકાઈ રહ્યા સુધી કથા, કીર્તન ને નિત્યનિયમ કર્યા પછી નદીના ધરામાં સર્વે નાહ્યા. ત્યાર પછી ગંગા-યમુનામાં નાહવા આવતાં કુંડ નાના ને ભીડ ઘણી, તેથી પ્રથમ બાપાશ્રીને નાહવાનો માર્ગ કરાવ્યો. સાથે સંતો નાહવા ઊતર્યા, પણ પાણીનો ધોધ છેટે પડતો હોવાથી ગૌમુખ પાસે હાથ રાખી સંતો નજીક પાણી લાવવાનું કરતા, પાણીનું જોર વધુ હોવાથી પાણીની ધારાઓ તેજની શેડયોની પેઠે ચોતરફ ઊછળતી હતી ને બાપાશ્રી વચ્ચે નાહતા હતા ને હરિભક્તો સામા ઊભા રહી કીર્તન બોલતા હતા. પછી એ જ રીતે બાપાશ્રી સંતોને નવરાવી પાણીમાં મળ્યા ને હરિભક્તોએ નાહી લીધા પછી સૌ મંદિરમાં આવ્યા ને ઠાકોરજીને દંડવત્ કરી જરા વિશ્રાંતિ લીધી.
બીજે દિવસ બપોરે સૌને ચાલવાનું હતું તેથી વહેલા ઊઠી, નિત્યવિધિ કરી સંતોએ ઉતાવળા થાળ કર્યા ને ઠાકોરજીને જમાડી ભૂજના સંતો ભૂજ તરફ રવાના થયા ને બાપાશ્રી સાથે આવેલ સંતમંડળ ગાડાંમાં બેસી વૃષપુર જવા તૈયારી કરવા લાગ્યા. તે વખતે મુક્તરાજ ધનબાએ બાપાશ્રીને બાઈઓનાં મંદિર પાસે બોલાવી ને કહ્યું જે, ‘ભાઈ! તમે સંતો ને લઈને આવ્યા તે હું બહુ રાજી થઈ. આ ફેરે તમને વધુ ખમવું પડ્યું છે ને ગંગાજીએ કથા થઈ તેથી તાણ બહુ પડી હશે, પણ દેવરાજભાઈ તો ઘડીએ ઘડીએ મને કહેતા કે, આ ફેરે બહુ સુખ આવ્યું, હરિભક્તો પણ રાજી બહુ થયા. હું તો એમ જાણું છું જે, આ ધરતીનાંય કેવડાં ભાગ્ય હશે જે, સાધુ, બ્રહ્મચારી ને તમ જેવા મોટા મુક્ત વારે વારે આવે છે! અહીં લક્ષ્મીરામભાઈ જ્યારે આવતા ત્યારે કહેતા જે, ‘અહીં મહારાજ ઘણી વાર આવ્યા છે, તેથી આ ગામ બહુ પ્રસાદીનું છે ને હરિભક્તોમાં બળ સારું છે.’ એમ કહ્યું. ત્યારે બાપાશ્રી કહે, ‘તમારા જેવાં મહારાજનાં મુક્ત આ ગામમાં રહ્યાં છે. તેથી બધાય સુખિયા છે.’ એમ કહી મંદિર પાસે આવ્યા. ત્યાં તો સંત-હરિભક્તો તૈયાર થઈ મંદિર બહાર નીકળ્યા ને ગામના હરિભક્તો વળાવવા ચાલ્યા. એ સહુને ગામબહાર ઊભા રાખી પ્રસાદી વહેંચી માંડ પાછા વાળ્યા ને ગાડાં ચાલતાં થયાં.