૭૧૬ - લીલાવિસ્તાર બંધ કર્યો
બાપાશ્રીનાં આવી રીતનાં ઘણી વાર દર્શન થતાં કોઈ સમજી શક્યા નહિ કે, બાપાશ્રીએ શું કરવા ધાર્યું છે, પણ સૌ એમ તો જાણતા જ હતા કે બાપાશ્રી તો સ્વતંત્ર છે તેથી એમની મરજી આપણે જાણી શકીએ નહિ. એમણે તો અનેકને મૂર્તિના સુખમાં મૂકી દીધા છે, ઘણીવાર આશીર્વાદ આપ્યા છે, તેમ સહુને સુખ આપવામાં પણ મણા રાખી નથી. હવે એમની મરજી હોય તેમ આપણે રાજી રહેવું, એમ ધારી પરસ્પર વિચાર કરતાં સૌ એકનજરે બાપાશ્રી સામું જોઈ ઊંચે સ્વરે ધૂન્ય કરવા લાગ્યા. તે વખતે બાપાશ્રી પણ મૂર્તિમાં રસબસ રહ્યા થકા અંતર્ધાન થઈ ગયા.
આ પ્રકારે શ્રીજીમહારાજના સંકલ્પથી આ લોકમાં સંવત ૧૯૦૧ના કાર્તિક સુદ એકાદશીથી મનુષ્યસ્વરૂપે દર્શન આપી સંવત ૧૯૮૪ના અષાઢ સુદ ચોથની રાતના એક વાગ્યા સુધી જે જે ચેષ્ટાઓ પોતે કરતા હતા, તે લીલાવિસ્તાર બંધ કર્યો.
આ રીતે અનાદિ મુક્તરાજ અબજીબાપા આ લોકમાંથી અંતર્ધાન થયા, તે વખતે સેવામાં રહેલા નાનામોટા હરિભક્તો તથા બાપાશ્રીનું કુટુંબ અને ગામોગામથી દર્શન કરવા આવેલા હરિભક્તો, જેઓ પાસે રહી પ્રાર્થના તથા ધૂન્ય કરી સજળ નેત્રે દર્શન કરતા હતા, તે સર્વે અનંત જીવોને મોક્ષના દ્વારરૂપ આ અનાદિ મુક્તરાજ બાપાશ્રીનું દિવ્ય દર્શન આજથી બંધ થયું, એમ જાણી અત્યંત ઉદાસ થઈ ગયા.