૩૧ - શ્રીજીમાં અનન્ય શ્રદ્ધા

0:000:00

થોડો વખત ટપ્પરમાં રહીને મુક્તરાજ વૃષપુર આવ્યા, પણ અંતર્વૃત્તિનો અભ્યાસ જાણે વધારી નાખ્યો હોય તેમ કામકાજ કરતાં, ખાતાં, પીતાં, નહતાં, ધોતાં, બોલતાં, ચાલતાં, ધ્યાનમાં જ રહેતા હોય, તેમ જણાવા લાગ્યા. કોઈ સાથે વાત કરે કે કોઈ તેમની સાથે વાત કરે, પણ જાણે વાતમાં ચિત્ત ન હોય! કોઈ પૂછે તો ક્યારેક સરખો જવાબ મળે ને ક્યારેક તો કહે જે, ‘મહારાજને ખબર! હું એવી માથાકૂટમાં ન જાણું.’

પાંચાભાઈને તો દેવબાઈના વચનથી દિવ્યભાવ થઈ ગયેલ, તેથી તે તો તેમને કાંઈ કહે જ નહિ. એકાદ વખત પિતાએ કરજની વાત સંભારેલી, ત્યારે આ મુક્તરાજે એમ કહ્યું હતું કે, ‘આપણી ફિકર શ્રીજીમહારાજ રાખે છે, તો પછી આપણે શા માટે એવા ઉચાટ કરવા?’

આવી રીતે થોડો વખત સુખશાંતિથી ઘરનો વ્યવહાર ચાલતો હતો, ત્યાં ઓચિંતાની એક વાર વા-ઝડી બહુ થઈ, તેમાં ધૂડ ઘણી ઊડી, તેથી કાકરવાડીમાં લાવરી ગાજર (સકરિયાં) વાવેલાં તે બધાં દટાઈ ગયાં. પછી ઘરના બધા માણસોએ ભેળા થઈ એ સકરિયાં ઉપાડી લીધાં ને ગામધણીને તેનો ભાગ આપવા બોલાવેલ તે આવ્યા. તોલ ચાલુ કર્યો તેમાં બબ્બે મણની ધારણ કરેલી, તે તોળતાં એક કોરથી વધુ ઢોળાઈ પડતાં આ મુક્તરાજ તે ભેળા કરતા હતા, ને બીજી બે મણની ધારણ કાંટે ચડાવી તે ઓચિંતાની તૂટી, એટલે તે બે મણના મણિકા તેમની કેડ પર પડ્યા, તેથી ઘણો મૂઢ માર થયો. ગામધણીને આ બનાવથી બહુ દુઃખ થયું. પાંચાભાઈ પણ ગભરાઈ ગયા, પણ શું કરે! ઘરનાંએ તથા દીકરીએ તો રોવા જ માંડ્યું, કેમેય કરી છાનાં ન રહે. તે વખતે આ મુક્તરાજે સૌને ધીરજ આપીને કહ્યું જે, ‘આમ શું દિલગીર થાઓ છો! મહારાજે શૂળીનું દુઃખ કાંટે મટાડ્યું હશે!’ પછી થોડા દિવસ વાડીએ રહેવાની આ મુક્તરાજની મરજીથી તેમને ત્યાં જ રાખી તાપશેક કરવા માંડ્યો. કેડ જાણે ભાંગી પડી હોય તેમ પડખું ફેરવાય નહિ. તોપણ જે તેમને જોવા આવે તેને સૂતા સૂતા વાતો કરે પણ જણાવે નહિ જે, આટલું બધું લાગેલું છે! આમ થોડા દિવસ તાપશેક કરવા છતાં ઉઠાડતાં ઊઠી ન શકાય. એવું શરીર જોઈ પાંચાભાઈને ઘણું દુઃખ થયું. એક દિવસ પોતે એકલા હતા ત્યારે પૂછ્યું, ‘ભાઈ! હવે કેમ થાશે?’ એમ કહેતાં રોઈ પડ્યા તે છાના જ ન રહે, તે જોઈ પોતાને દુઃખ થતું હતું, પણ તેને ન ગણી બેઠા થઈ ગયા ને કહે, ‘જુઓ! મને કાંઈ છે! હું તો લાગ્યું છે તેથી સૂતો સૂતો મહારાજને સંભારું છું ને પ્રાર્થના કરું છું, દેહમાં સારું શું ને ખોટું શું? એ રાખે તેમ રહેવું. મહારાજની મરજી હશે તેમ થયું હશે. એમની મરજી વિના કોઈથી તરણું તોડી શકાય એવું ક્યાં છે!’ એમ કહી હિંમત આપી. ઘરના રોજ શેક કરે, પણ બરાબર થાય નહિ. થોડા દિવસ એમ કરતાં વાડીમાં ધૂડ કે ખાતરના ઢગલા પડ્યા હોય ને તે બપોરે તપે ત્યારે માંહી ખાડો કરીને કેડનો ભાગ તે ખાડામાં રાખી સૂવે ને કહે જે, ‘આમ એકસાથે બધેય સરખો શેક થાય છે.’ એ રીતે ધૂડના કે ખાતરના ઢગલામાં તડકો તપ્યો હોય ને સૂઈ ગયા જણાય. પરસેવો ટપકતો હોય તેની કાંઈ ખબર જ નહિ. એમ ને એમ બબ્બે ત્રણ ત્રણ કલાક પડ્યા રહે, તેથી પાંચાભાઈને એમ થયું જે, ‘હવે આમને ઘેર લઈ જઈએ તો ઠીક.’ પછી સમજાવી-પ્રાર્થના કરી ઘેર લઈ ગયા ને લગભગ છ મહિના તાપશેક કર્યો, ત્યારે થોડે થોડે માંડ ઉઠાય-બેસાય એવું થયું.