૩૧૬ - પ્રસન્નતા અને આશીર્વાદ

0:000:00

આ મંદવાડ ને પેટનો દુઃખાવો લગભગ એક મહિનો ચાલ્યો, ત્યાં સુધી સંતો વહેલા-મોડા ખીચડી, રોટલાના થાળ ઠાકોરજીને જમાડી કથા-વાર્તા આદિ નિત્યનિયમ કરતા ને વાટ જોતા જે, ‘હવે ક્યારે નિરાંત થાય,’ આમ કરતાં બાપાશ્રીએ હવે સાજા થવાનો સંકલ્પ કર્યો હોય તેમ આજ કરતાં કાલ ઠીક ને કાલ કરતાં બે દિવસે તેથીયે વધુ ઠીક. પછી તો હળવે હળવે બેસવા-ઊઠવા ને હરવાફરવા માંડ્યું. એક દિવસ સંતોને લઈ પોતે કાળીતલાવડીએ ધીરે ધીરે ગયા. પછી તો વાડીએ જવાનું પણ ચાલતું કર્યું. આ વખતે સંતોને એક મહિના જેટલું તપ કરાવેલ હોવાથી તેનો બદલો વાળવો હોય તેમ પોતે પંક્તિટાણે પાસે રહી જમાડવા માંડ્યું. ગામના હરિભક્તો વારાફરતી રસોઈઓ કરાવે ને રોજ રોજ પ્રથમની પેઠે ચંદન, પુષ્પથી પૂજાઓ થાય. એમ કરતાં થોડા દિવસ સંતોને ગામડે ફરવા મોકલ્યા, તે જ્યારે પાછા વૃષપુર આવ્યા ત્યારે બહુ જ રાજીપો જણાવી નિત્ય નવા નવા હેતે પોતે ચંદન ચર્ચે, હાર પહેરાવે, મળે, એમ રાજી કરતાં બહુ દિવસ રાખ્યા. સભામાં પોતે વાતો કરે, રમૂજો કરે, પોપૈયાં, કેળાં આદિની પ્રસાદીઓ વહેંચે. સૂતાં, જાગતાં, ઊઠતાં, બેસતાં, નાહતાં, જમતાં, જતાં-આવતાં નિત્ય પ્રત્યે કાંઈ ને કાંઈ નવીનતા જણાવી સૌને રાજી કરે. વચનામૃત વંચાય ત્યારે પ્રશ્ન-ઉત્તર થતાં પોતે મહારાજના મહિમાની ચમત્કારી વાતો કરે, એ ટાણે સૌને એમ લાગે જે, ‘જાણે મંદવાડની તો વાત જ બની નહોતી.’

એક દિવસ બાપાશ્રી સંતોને કહે, ‘તમે મારી મંદવાડમાં બહુ સેવા કરી છે, તે હું બધુંય જાણું છું. તમારી સેવા તો મારે કરવી જોઈએ, પણ શું કરું?’ એમ પ્રસન્નતા જણાવી દેશમાં જવાની રજા આપી, ત્યારે સદ્‍ગુરુઓએ પ્રાર્થના કરી જે, ‘અમને મૂર્તિ વિના બીજું કાંઈ સાંભરે નહિ, એક મૂર્તિ જ દેખાય, એવાં આશીર્વાદ આપો,’ એવાં વચનથી પોતે રાજી થઈ સંતોને ચંદન ચર્ચી, હાર પહેરાવી મળ્યા ને આશીર્વાદ આપ્યા; પછી સૌ ચાલ્યા ત્યારે હરિભક્તોએ સહિત ગામની બહાર ઘણે છેટે સુધી ચાલીને વળાવવા ગયા. એ વખતે પણ સંતોને મળીને એમ બોલ્યા જે, ‘તમે મારી આ ફેરે ઘણી સેવા કરી છે તે હું ભૂલું તેમ નથી, તમને એ સેવા બદલ મહારાજ અનંતગણી મોજ આપશે.’