૩૩ - નિર્ગુણ ગૃહવ્યવહાર
આવી રીતે આ મુક્તરાજે પાંચા પિતાને ઠેઠ મહારાજના સુખમાં પહોંચાડી દીધા, પછી તેમના દેહને અગ્નિસંસ્કાર કરવા લઈ જવા વખતે પોતાને હજુ ઠીક નહોતું, તોપણ તેમના શબને ઉપાડી બે પગલાં ચાલ્યા. પછી પોતાની મેળાએ સૌને હાથ જોડી કહ્યું, ‘મારાથી ચલાય તેમ નથી, તો તમે સર્વે મળી તેમની દેહક્રિયા કરી આવો,’ -એમ કહી પોતે ઘેર રહ્યા. પછી પિતા પાછળ તેરમાનું ટાણું કર્યું ને સગાંવહાલાંઓને જમાડ્યાં. ભૂજમાં ઠાકોરજી તથા સંતોને રસોઈ આપી; અને પોતાનો ગૃહવ્યવહાર પૂર્વની પેઠે ચલાવવા માંડ્યો.
હવે વ્યવહાર પોતાની ઉપર આવી પડ્યો ને શરીરથી કાંઈ થઈ શકે તેવું રહ્યું નહિ, તોપણ કોઈ વાતની ચિંતા ન કરતાં બધું મહારાજ ઉપર મૂક્યું. પોતે થોડું થોડું ચાલવા માંડ્યું. ઘેરથી મંદિર ને મંદિરથી ઘેર જતાં જતાં વાડીએ જવા જેવું થયું, તેથી ઘરનાં તથા બહેનદીકરીઓ રાજી થયાં. સૌને એમ જે, ‘હવે ભગવાન દયા કરી હરતાફરતા કરી દે તો ઠીક.’ આ મુક્તરાજને તો કર્તા મહારાજ, એટલે બીજો સંકલ્પ જ નહિ, તેથી સદાય આનંદમાં ને આનંદમાં રહેતા. સંતો આવે ત્યારે સીધું પહોંચાડે. ઘરમાં કેમ છે, કેમ નહિ, તેની ચિંતા નહિ; તેમ કોઈ કહેનાર રહ્યું નહિ. ઘરમાં દેવુબા સાવ ભોળાં ને વિશ્વાસી. એ તો ઘરમાં હોય તો જમે ને ન હોય તો બેસી રહે. દીકરી વાલબા તથા પુત્ર કાનજીભાઈ એ પણ એ જેવાં જ, ને આ અનાદિ મુક્તરાજની વાત તો બધી મહારાજને હાથ. આમ ગૃહવ્યવહાર હવે વધુ નિર્ગુણ બન્યો.