૩૫૧ - તેજોમય મૂર્તિ ને તેજોમય ધામ

0:000:00

આ વખતે મંદિરમાં પુરાણી કેશવપ્રિયદાસજી અને તેમના સાધુ એ બન્ને ઠાકોરજીના થાળ કરવા રોકાણા હતા, તેમની પાસે બાપાશ્રીએ પ્રથમનું ૭૧મું વચનામૃત વંચાવી ઘણી વાર વાતો કરી ને કહ્યું જે, ‘આ વચનામૃતમાં અક્ષરધામ સોતા ભગવાન પૃથ્વી પર બિરાજે છે એમ કહ્યું છે, પણ અક્ષરધામ તે શું? તો મહારાજની મૂર્તિનો પ્રકાશ તે સર્વે મૂર્તિ ભેળો જ છે; તોય આ લોકમાં મહારાજ દર્શન આપે, ત્યારે આ લોકની રીતે જ મનુષ્યભાવ દેખાડે, પણ બધુંય એમાં છે, એમ જાણવું. મૂર્તિમાંથી તેજ ઝળળ ઝળળ છૂટે છે, ફરતી મુક્તની સભા બેઠી છે, તે સર્વે દિવ્ય તેજોમય છે, અનંતમુક્ત મૂર્તિમાં રહ્યા થકા સુખ લે છે. જેમ ઝાડ સાથે રસ ને છાલ હોય તેમ અનાદિ ને પરમ એકાંતિક સાથે જ હોય છે; પણ બહિદૃષ્ટિવાળાને એ વાતની ખબર ન પડે. એ તો જ્યારે મહારાજના લાડીલા ને હજૂરી મુક્ત મળે, ત્યારે તેમના જોગે એ વાત સમજાય.’ પછી બપોરના સંતો આવ્યા, ત્યારે પણ સભામાં ઘણી વાર પરભાવની વાતો કરી સહુને રાજી કર્યા.

એ વખતે એક સંતે કહ્યું જે, ‘બાપા! આપની સમીપે જ્યારે આવી વાતો થાય છે ત્યારે તો એમ થઈ જાય છે જે, જાણે અક્ષરધામમાં શ્રીજીમહારાજ પાસે જ બેઠા છીએ, પણ સદાય એમનું એમ રહેતું નથી તેનું શું કારણ?’ ત્યારે પોતે પ્રસન્નતા જણાવતાં બોલ્યા જે, ‘સંતો! તમારા બળની તમને ખબર પડતી નથી, પણ તમારા તો સંકલ્પ ચાલે છે! જેમ બળદેવજીને પ્રલંબાસુર દૈત્ય ઉપાડી ગયો ને આકાશવાણી થઈ ત્યારે તેમને ખબર પડી, તેમ બધાં શાસ્ત્રમાં તમારો મહિમા ગવાય છે; તમે તો શ્રીજીમહારાજની હજૂરમાં રહ્યા છો, તમારા પર એ દિવ્ય મૂર્તિની અમૃતનજર છે, તમે જે જે સેવાપૂજા કરો છો, તે મહારાજ દયા કરીને અંગીકાર કરે છે. આવી દિવ્ય સભામાં મહારાજ ને અનાદિ મુક્ત અખંડ બિરાજે છે.’ એમ અતિ રાજીપો જણાવી વાતો કરી. તે દિવસ એકાદશીનો હોવાથી એ વખતે ભૂજથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી દર્શન કરવા આવ્યા. તેમણે આવી અલૌકિક સભા જોઈ દંડવત્ કરવા માંડ્યા. એ જોઈ પોતે બેઠા થઈ મળ્યા ને તેમનો હાથ ઝાલી સંતોને કહ્યું કે, ‘જુઓ! આ મહારાજના હજૂરી મુક્ત આવ્યા.’ એમ કહી સંતો પાસે તેમના ગુણનું વર્ણન કર્યું ને બોલ્યા જે, ‘આ બ્રહ્મચારીએ તથા પુરાણી કેશવપ્રિયદાસજીએ જોડ બાંધી છે ને એ બેયની દિવ્ય દૃષ્ટી થઈ ગઈ છે.’ તે વખતે બ્રહ્મચારી ઠાકોરજીના પ્રસાદીહાર લઈ આવેલા, તેથી બાપાશ્રીની પૂજા કરી, ત્યારે બાપાશ્રીએ પણ તેમના પર પ્રસન્નતા જણાવી માથે હાથ મૂક્યા.