૧૩૪ - ઢીંગલા નિમિત્તે ઉપદેશ

0:000:00

પછી સાંજના ભાઈશ્રી વાડીએથી ઘેર આવતા હતા ત્યારે માર્ગમાં એક નાની દીકરી ખડની ભારી લઈને જતી હતી. તેની પાસેથી પોતે નીકળ્યા ને કહ્યું કે, ‘ગગી! હેઠે ઢીંગલો પડ્યો છે કે શું?’ ત્યારે તે દીકરીએ ખડની ભારી ઉતારી નાખીને જોવા માંડ્યું, પણ ઢીંગલો નહિ. ત્યારે તે કહેવા મંડી જે, ‘બાપા! ઢીંગલો તો છે નહિ ને ઓમે મારી ભારી ઊતરાવી.’ તે વખતે પોતે કહેવા લાગ્યા જે, ‘એક ઢીંગલા સારુ તે આવડો દાખડો કર્યો ને ઢીંગલો તો જડ્યો નહિ. આટલો દાખડો કોઈ દિવસ ભગવાન સારુ કરે છે? દીકરીનો અવતાર! પારકે ઘેર જવું પડે. માટે ખૂબ ભગવાનને સંભારીએ, એટલે મરવા ટાણું થાય ત્યારે એ પાધરા આવીને ધામમાં તેડી જાય. હવે તું ખટકો રાખજે. જેમ ઢીંગલા ની તાણે કરીને ભારી ફગાવી નાખી, તેમ ભગવાનની તાણ રાખી વ્યવહાર છેટો રાખવો. આટલી વાત સંભારી રાખજે,’ –એમ કહી તેને ભારી ચડાવી ગુંજામાંથી ઢીંગલો કાઢી આપી, તેને રાજી કરી. પછી તે દીકરીએ તેનાં સગાંસંબંધીને આ વાત જણાવી, તેથી તે પણ રાજી થયા આમ સહેજે વાતની વાતમાં પણ જે કોઈ પોતાના સંબંધમાં આવે તેને ભગવાનમાં હેત કરવાની ને સંભારવાની ભલામણ કરતા. તેથી ગામમાં નાનામોટા સહુ રાજી થતા.