૬૮૦ - હરજીભાઈને મંદવાડમાં જોવા ગયા
આ રીતે વૃષપુરમાં બધી તૈયારી થઈ રહી હતી, ત્યાં નારાયણપુરમાં ધનજીભાઈના નાના દીકરા હરજીભાઈને ઓચિંતાનો મંદવાડ થઈ ગયો. તેમને બાપાશ્રીને વિષે હેત ઘણું હોવાથી રોજ એ સૂતા સૂતા એમ બોલ્યા કરે જે, ‘મહારાજ ને મોટાની રીત કોણ જાણે કેવી છે! તેમાં કોઈની નજર ન પહોંચે. બાપાશ્રી ગામોગામથી હજારો સંત-હરિભક્તોને તેડાવીને યજ્ઞ કરે છે ને મને અહીં આમ ખાટલે સૂવારી મૂક્યો છે તે એમના મનમાં એમ નહિ થતું હોય જે, આ મારો દીકરો યજ્ઞમાં બધાયનાં દર્શન કર્યા વિના રહી જશે.’ આવાં હેતભર્યા વચનો બોલે તેથી ઘરમાં સહુને ઘણું લાગી આવે, પણ જ્યાં કોઈનું ચાલે નહિ ત્યાં શું કરે? વળી એમ પણ કહે જે, ‘વૃષપુરમાં આવતી કાલે યજ્ઞ છે તે પહેલાં તો મને હવે ઠીક ક્યાંથી થાય! પણ સમાપ્તિને દિવસે સૌનાં દર્શન થાય તોય સારું.’ આ વાત ત્યાંના હરિભક્તોએ આવીને બાપાશ્રીને કરી એટલે બાપાશ્રી બપોરે ઠાકોરજીને જમાડી, વીરમગામ ને વઢવાણથી આવેલા ડૉક્ટર નાગરદાસભાઈ તથા મણિલાલભાઈ એ બન્ને ભાઈઓ તથા કેટલાક હરિભક્તોને સાથે લઈ નારાયણપુર ગયા. હરજીભાઈ તો બાપાશ્રી તથા દિવ્ય સમૂહનાં દર્શન થતાં રાજી રાજી થઈ ગયા ને ઊભા થઈ દંડવત્ કરવા લાગ્યા; પછી પ્રાર્થના કરતા બોલ્યા જે, ‘બાપા! મને બીજું કાંઈ થતું નથી, પણ એમ તો થાય છે કે બાપને ઘેર યજ્ઞ થાય છે, તેમાં દીકરો ન રહી જાય તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બચ્ચા! હિંમત રાખ, મહારાજ સારું કરશે.’ એમ કહી તેના શરીર પર હાથ ફેરવ્યા ને નાગરદાસભાઈ તથા મણિલાલભાઈને કહ્યું જે, ‘તમે આ હરજીને ઓષડવેસડ કરી સાજો કરો, તમારે બેય ભાઈને રોજ એક વખત હરજી પાસે આવી જવું.’ એમ તેમને ભલામણ કરી, ઘરમાં સહુને હિંમતનાં વચનોથી રાજી કર્યા. પછી કરાંચીવાળા લાલુભાઈ સાથે આવેલા હતા તેમને પણ કહ્યું જે, ‘આ હરજીને મહારાજ સારું કરશે ને સુવાણ થઈ જશે, તાવ ઘણો છે તેથી તેને એમ થાય જે, હું આ યજ્ઞમાં રહી જઈશ, પણ એ મહિમાવાળો છે અને તમારા જેવા મુક્તનાં દર્શન થયાં એટલે હવે તાવ ઊતરી જશે ને યજ્ઞમાં પણ આવશે.’ આમ તેમને રાજી કરી પોતે વૃષપુર પધાર્યા ને ત્યાં જઈ સંતોને હરજીભાઈના મંદવાડની વાત કરી; પછી રાત્રે સભામાં કથાવાર્તા થયા પછી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ હરિભક્તોને ભલામણ કરી જે, ‘શ્રીજીમહારાજ તથા બાપાશ્રીને રાજી કરવા આ યજ્ઞમાં સૌ ખબડદાર થઈ સેવા કરજો.’