૬૩૩ - સંત-હરિભક્તો પર પ્રસન્નતા તથા ભલામણ

0:000:00

આવી રીતે કરાંચીવાસી હરિભક્તોને તથા મુમુક્ષુઓને મહારાજના મહિમાની જ્ઞાનવાર્તાએ તથા દર્શન-સેવાએ અલૌકિક સુખ આપતાં બાપાશ્રીએ જ્યારે કચ્છમાં જવાનો વિચાર કર્યો અને તે વાત આગલી રાત્રે હરિભક્તોને જણાવી ત્યારે લાલુભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ આદિ હરિભક્તોએ એમ વિચાર્યું જે, ‘આપણે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને પ્રાર્થના કરીએ તો બાપાશ્રી હજુ થોડા દિવસ રોકાય.’ પણ સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે હરિભક્તો બેઠા હોવાથી એ વાત કરવાનો લાગ મળ્યો નહિ. મોડેથી સ્વામીશ્રી પાસેથી હરિભક્તો ઊઠ્યા, ત્યારે પોતાની મેળાએ બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને બોલાવીને કહ્યું જે, ‘અહીંના હરિભક્તોને હેત બહુ છે, તેથી આપણે જવાની વાત કરી ત્યારથી આ બધા આમથી આમ ને આમથી આમ જાય-આવે છે, જાણે કેમેય કરતાં બેપાંચ દિવસ વધુ રોકાય, એવો વિચાર સહુના અંતરમાં છે, પણ કોઈ બોલી શકતાં નથી. અહીં આપણને પંદર દિવસ થયા, પણ પંદર મહિના રહીએ તોય અહીંના હરિભક્તો તૃપ્ત ન થાય એવાં તેમનાં હેત છે.’ બાપાશ્રીનાં આવાં વચન સાંભળી હરિભક્તોને સ્વામીશ્રી પાસે પ્રાર્થના કરવાની હતી પણ કોઈથી બોલી શકાણું નહિ. એ વખતે પુરાણી ધર્મકિશોરદાસજી ચંદનનો વાટકો લઈને આવ્યા ને બાપાશ્રી તથા સંતોને ભાલે ચંદન ચર્ચીને પ્રાર્થના કરી જે, ‘બાપા! સહુને મૂર્તિમાં રાખજો.’ તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજી સામું જોઈને બોલ્યા જે, ‘સ્વામી! તમે સહુ જોજો તો ખરા! આમ ને આમ સાજી સભા અક્ષરધામમાં જઈને બેસશું.’ તે વખતે સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, ‘બાપા! સૌ હેત-રુચિવાળાને ભેગા રાખજો.’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘સંતો! સહુ રહેજો, અમે રાખશું; જો ન રાખીએ તો અમને હત્યા લાગે, તેના સ્વામિનારાયણ સાક્ષી છે.’ એમ કહી થોડી વાર મહારાજના મહિમાની વાતો કરી ત્યાંના નાનામોટા હરિભક્તો તથા સાંખ્યયોગી બાઈઓ વગેરેની પ્રશંસા કરી રાજીપો જણાવ્યો. પછી લાલુભાઈ સામું જોઈને બોલ્યા જે, ‘લાલુભાઈ! તમે આ સત્સંગરૂપ બગીચો ભારે ખિલાવ્યો છે.’ ત્યારે તે કહે, ‘બાપા! એ તો બધો આપનો પ્રતાપ છે.’ પછી મહાદેવભાઈની પ્રશંસા કરી, ત્યારે તે એમ બોલ્યા જે, ‘બાપા! અમે તો આપની દયાએ સુખિયા છીએ, આપ તો મહા સમર્થ છો, મહારાજનું સુખ પમાડવા ગામોગામ ફરી સૌને સુખિયા કરો છો, કરાંચીના હરિભક્તો પર આપની બહુ દયા છે, તેથી અમે મોટા ભાગ્યવાળા છીએ, ક્યાં મહારાજ! અને ક્યાં આપના જેવા મહા સમર્થ મુક્તો! અમને તો આ વખતે આપે ન્યાલ કરી મૂક્યા છે.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘આ સર્વે શ્રીજીમહારાજની દયા છે.’ એમ કહી આસને પધાર્યા. ત્યાં જઈ વળી લાલુભાઈ, હીરાભાઈ, હરિભાઈ તથા સોમચંદભાઈ આદિ હરિભક્તોએ પ્રાર્થના કરી જે, ‘બાપા! આપે અમને દયા કરી પોતાના જાણ્યા છે તેથી અમે કૃતાર્થ થયા છીએ, પણ આવી જ રીતે વારે વારે અમને પોતાના જાણી સુખિયા કરજો.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘આવું ને આવું હેત સૌ મહાપથારી સુધી રાખજો, અમારે બીજું કાંઈ કામ નથી, અમે તો જીવોને શ્રીજીમહારાજના સુખે સુખિયા કરવા આવ્યા છીએ ને એ જ કામ કરીએ છીએ.’ એમ કહીને સ્વામી ઈશ્વરચરણદાસજીને આજ્ઞા કરી જે, ‘તમે બે દિવસ અહીં વધુ રહીને હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરી રાજી કરજો.’ પછી સ્વામીશ્રીએ હરિભક્તોની વતી પ્રાર્થના કરી કે, ‘જેમ આ વખતે આપ દયા કરીને પધાર્યા તેમ જ્યારે જ્યારે હરિભક્તો તેડાવે ત્યારે પધારવા કૃપા કરજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! હવે અમારો દેહ ખમતો નથી ને જ્યાં જઈએ ત્યાં હરિભક્તોના હેતનો છેડો નહિ, તેથી હવે તો વૃષપુરમાં રહી મૂર્તિના સુખમાં આનંદ કરશું. જો જવાય તો અડખેપડખેનાં ગામ હોય ત્યાં જવાય ને ભૂજમાં ઠાકોરજીનાં દર્શને તો જવું જ પડે, પણ હવે અવસ્થાના ભાવ જણાય છે, તેથી હિંમત ચાલતી નથી.’ પછી વળી બોલ્યા જે, ‘સ્વામી! હવે અમારી વતી તમે સત્સંગમાં ફરજો, અમે ઘણું ફર્યા, અમારાથી થયું એટલું બધુંય કર્યું, હવે શ્રીજીમહારાજ રાખશે તેમ રહેશું.’ આવાં વચન સાંભળી સ્વામી ઈશ્વરચરણદાસજી અતિ દિલગીર થઈ ગયા ને બોલ્યા જે, ‘બાપા! અમે ગુજરાતમાં ગયા ત્યારે પણ આપે ઉદાસીનતા જણાવી હતી, પ્રથમ પણ એક વખત કચ્છમાંથી દેશમાં જતી વખતે આવાં જ વચનો કહ્યાં હતાં; આવાં મર્મનાં વચન અમને બહુ મૂંઝવે છે.’ તે વખતે પોતે પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, ‘સ્વામી! તમને હું મૂંઝવું તેવો નથી, તમે કેવા સમર્થ છો તે બધુંય હું જાણું છું, તમે તો મારા સુખદુઃખના ભાગીઆ છો. આજ દિવસ સુધી મેં જે જે વચનો કહ્યાં તે પ્રમાણે જ તમે કર્યું છે, ક્યારેય દેહનાં સુખદુઃખ સામું જોયું નથી, તમારો ઠરાવ મહારાજને તથા અમને રાજી કરવાનો છે, બીજું તમારે કાંઈ ખપતું નથી એ વાત મારી અજાણી નથી. તમે અમારે અર્થે દરિયા જંઘીને ઘણી વાર આવ્યા છો, એ બધું હું ભૂલી જાઉં એવો નથી.’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘બાપા! આપ આવું કાંઈક મર્મમાં બોલો ત્યારે અમને એમ થાય, પણ આપને અમે બીજું શું કહી શકીએ? અમે તો એટલું માગીએ છીએ કે, અમને ક્યારે ય જુદા ન રાખશો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! તમે જોજો તો ખરા! આપણે કચ્છમાં મોટો યજ્ઞ કરશું ને સાજો ય સત્સંગ તેડાવશું, કથાવાર્તારૂપી બ્રહ્મયજ્ઞ કરી સંત-હરિભક્તોને જમાડી-રમાડી મૂર્તિનાં સુખ પમાડી સહુના મનોરથ પૂરા કરીશું, અમે તો અખંડ મહારાજની મૂર્તિમાં રહીએ છીએ, ક્યારે ય જુદા પડતા નથી, તમને પણ તેવી જ રીતે રાખ્યા છે અને હેતવાળા સર્વેને મૂર્તિમાં રાખશું. અમે આજ સુધી એ એક જ કામ કર્યું છે, ન સમજતા હોય તે ગમે તેમ ધારે, ગમે તેમ બોલે પણ આપણે તો જીવોને મહારાજના સુખે સુખિયા કરવા છે.’ પછી લાલુભાઈ, હરિભાઈ આદિ પોતાની પાસે બેઠેલા હરિભક્તોને એમ કહ્યું જે, ‘જ્યારે તમને કચ્છમાંથી કંકોત્રી આવે ત્યારે સહુ યજ્ઞમાં આવી પહોંચજો પણ પર્વતભાઈના સેવકો સાત્વિક યજ્ઞમાં રહી ગયા હતા, તેમ તમે કોઈ રહી જશો નહિ.’ આવાં વચનથી હરિભક્તોને વળી એમ થયું જે, ‘બાપાશ્રી આવું કેમ બોલે છે!’ પછી સ્વામીશ્રીને પૂછતાં તેમણે તે સહુને મહિમાની વાતો કરી સંતોષ પમાડ્યા, પછી બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા મંદિર પર આવ્યા. ત્યાં બ્રહ્મચારીએ બાપાશ્રીને ગુલાબનો હાર પહેરાવ્યો, ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘બ્રહ્મચારી મહારાજ!’ તમે તો ભગવાન ના હજૂરી, તે તમારી પાકી મજૂરી’, -એમ કહી રાજી કર્યા.