૫૮૪ - સદગુરુ સ્વામી મહાપુરુષદાસજીનો છેલ્લો મંદવાડ

0:000:00

આ રીતે બાપાશ્રી વૃષપુરમાં રહ્યા થકા પોતાને વિષે હેતવાળા હરિભક્તોની કષ્ટ થકી રક્ષા કરતા તેમ જ સંત-હરિભક્તોને મહારાજના પ્રતાપની વાતો કરી સુખિયા કરતા હતા, ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા. તે વખતે પોતે મંદિરના ચોકમાં બેઠા હતા ને આગળ હરિભક્તો વચનામૃત વાંચતા હતા. પછી બ્રહ્મચારી તથા પુરાણીએ ઠાકોરજીનાં દર્શન કર્યા પછી બાપાશ્રીને દંડવત્ કર્યા ત્યારે પોતે ઊભા થઈ તેમને મળ્યા અને સ્વામી મહાપુરુષદાસજીને શરીરે કેમ રહે છે વગેરે સમાચાર પૂછ્યા; પછી સમય થઈ ગયો હોવાથી ઘેર જઈને પોતે ઠાકોરજીને જમાડી આવ્યા. ત્યાં સંત-હરિભક્તોની સભા બેઠી હતી તે સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી એટલું બોલ્યા જે, ‘મહારાજના મુક્ત સાથે જેને હેત થયું તેને તો બહુ ભારે કામ થઈ ગયું; કેમ કે એ સર્વે આવરણ ભેદાવીને મહારાજની મૂર્તિમાં જોડી દે એવા છે.’ એમ કહી થોડી વાર ધ્યાને યુક્ત બેસી રહ્યા. પછી વળી જાગ્રત થઈને કહ્યું જે, ‘તમો એક શ્રીજીમહારાજની મૂર્તિમાંથી રસ લેજો. બીજું આ લોકમાં કાંઈ જોયા જેવું નથી.’ પછી પુરાણી કેશવપ્રિયદાસજી પાસે ઘણી વાર વચનામૃત વંચાવીને તેમને તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને ભૂજ જવાની રજા આપીને મળ્યા. પછી એમ બોલ્યા જે, ‘અમારે પણ સ્વામી મહાપુરુષદાસજીને જોવા આવવું છે.’

ભૂજમાં સદ્‍ગુરુ સ્વામી મહાપુરુષદાસજીને તે વખતે મંદવાડ એમ ને એમ રહ્યા કરતો. તેમનો દેહ હવે નહિ રહે તવું પોતાને જણાતાં, બાપાશ્રી તેમના દેહ મૂકવાના આગલે દિવસ ભૂજ પઘાર્યા; ત્યાં ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી તેમના આસને ગયા અને ‘જય સ્વામિનારાયણ’ કરી વાત કરી જે, ‘સ્વામી! હવે મહારાજની મૂર્તિમાં જોડાઈ જજો. દેહ તો સાવ ખોટો છે પણ ખોટો મનાતો નથી એટલે દુ:ખ થાય છે. તમે તો સત્સંગની સેવા બહુ કરી છે. હવે આ છેલ્લું ટાણું છે.’ ત્યારે સ્વામી મહાપુરુષદાસજીએ હાથ જોડ્યા ને કહ્યું જે, ‘ભાઈ! મારા પર તમે રાજી રહેજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બહુ સારું. અમે તો રાજી જ છીએ.’ પછી સાંજના સભામાં સંત-હરિભક્તોને વાત કરી જે, ‘સ્વામી તો હવે તૈયાર થઈ રહ્યા છે, તેથી સહુ દર્શન-સેવાનો લાભ લેજો.’ એમ કહી પોતે ઠાકોરજીને જમાડીને વૃષપુર પધાર્યા ને બીજે દિવસે સ્વામીશ્રીએ દેહ મેલ્યો. ત્યાર પછી ચારપાંચ દિવસે સંતો વૃષપુર ગયા ત્યારે બાપાશ્રીએ તેમના પાસે સદ્‍ગુરુ સ્વામી મહપુરુષદાસજીના ગુણનું વર્ણન કરી બહુ પ્રશંસા કરી.