૬૯૯ - શેઠ લોકામલ પર રાજીપો તથા વરદાન

0:000:00

બાપાશ્રીને તે દિવસ બહુ પરિશ્રમ થવાથી રાત્રે આરતી, ધૂન્ય ને કથાવાર્તા થઈ રહી ત્યારે પોતાના સૂવાના ઓરડામાં જઈને પોઢ્યા ને સંતો મંદિરમાં ચેષ્ટા આદિ નિયમ કરવા લાગ્યા. એ વખતે કરાંચીથી શેઠ લોકામલ દર્શન કરવા આવ્યા, તેમને આ યજ્ઞમાં બે દિવસ વહેલા આવવાની બહુ જ ઇચ્છા હતી, પણ કાંઈ કામપ્રસંગને લીધે વહેલા આવી ન શકતાં તે દિવસે રાત્રે આવ્યા. તેમને એમ હતું જે, ‘યજ્ઞનો છેલ્લો દિવસ છે તેથી સૌનાં દર્શન થશે,’ પણ કચ્છના યજ્ઞમાં તો ગામડાંના હરિભક્તો સમાપ્તિને દિવસે બપોર પછી સહુ પોતપોતાને ગામ જતા રહે, તેથી બહારગામના હરિભક્તો સિવાયના કણબી હરિભક્તો તો બહુ નહોતા. આ લોકામલ શેઠે તો આવીને બાપાશ્રીને મળવા માટે પ્રથમ તેમનું ઘર પૂછ્યું ને ત્યાં ગયા તો ઘેર કોઈ દેખ્યું નહિ, કેમ કે બાઈઓ બાઈઓના મંદિરમાં ને દીકરાઓ કાંઈ સેવાના કામકાજમાં હોવાથી ખાલી ઘર જોઈ આશ્ચર્ય પામતાં કહ્યું કે, ‘આ તો નરસિંહ મહેતાના જેવું ઘર લાગે છે;’ પછી મંદિરમાં આવી ઠાકોરજી તથા સંતોના દર્શન કર્યાં. ત્યારે સંતોએ તેમને ઓળખ્યા એટલે બાપાશ્રી પાસે દર્શન કરાવવા સાથે લઈને આવ્યા. એ વખતે બાપાશ્રી સૂતા હતા, પણ તુરત જાગ્રત થઈને પૂછ્યું, ‘આ ટાણે કોણ આવ્યું?’ ત્યારે સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી કહે, ‘બાપા! કરાંચીમાં મોટા શેઠ લોકામલ કહેવાય છે, તે આપનાં દર્શન કરવા સારુ આવ્યા છે.’ એ વખતે કરાંચીથી પ્રથમ આવેલા એક વૃદ્ધ હરિભક્ત દેવકરણભાઈ પાસે ઊભેલા તે એમ બોલ્યા જે, ‘બાપા! શેઠ તો મોટા છે અને તેમના બાપા બહુ દાન-પુણ્ય કરે છે, પણ તેનાં પુણ્ય હજી પૂરાં નહિ હોય! નહિ તો એક દિવસ મોડા પહોંચ્યા તેમ ન થાત.’ આ હરિભક્તે તો ભોળપણમાં જ કહ્યું હતું, પણ લોકામલ શેઠને આ વચનથી પોતાને માટે બહુ અફસોસ થયો ને વિચારમાં પડી ગયા કે, આ કહે છે તેમ મારા પુણ્યમાં કાંઈ ફેર હશે! પછી એ વાત સદ્‍ગુરુઓને કહેવા માંડી. તે સાંભળી બાપાશ્રીએ પોતાના દીકરા પાસે ઘેરથી પાઘડી મગાવી તેમના માથે પોતાના હાથે બાંધીને બોલ્યા જે, ‘લ્યો! આ તમારાં પુણ્ય પૂરાં. આ સંત-હરિભક્તોની સભાને સંભારજો, તમારું અમે સૌની હારે કલ્યાણ કરશું.’ આવા આશીર્વાદવચનથી તે બહુ રાજી થયા. પછી બાપાશ્રીએ તેમને દૂધ, પૂરી તથા બટાટાનું શાક તૈયાર કરાવી જમાડ્યા, પછી કરાંચીના હરિભક્તો આવેલા હતા તેમની સાથે તેમનું આસન રખાવ્યું.

હજી બહારગામના સંત-હરિભક્તો ઘણા હતા તે સર્વે બીજે દિવસ વહેલા ઊઠી નિત્યવિધિ કરવા લાગ્યા, એ જોઈ શેઠને બહુ જ આનંદ થયો. બાપાશ્રી પણ એ ટાણે નાહી, પૂજા કરી ઠાકોરજીનાં દર્શન કરવા આવ્યા ને સંતોને કહ્યું જે, ‘આ કરાંચીના લોકામલ શેઠ આવ્યા છે, તેમના અંતરમાં સમૈયાના દર્શનની તાણ છે, તેથી આજ સૌને લઈને છત્રીએ જઈએ.’ એમ કહી હરિભક્તોને પણ કહ્યું કે, ‘છત્રીએ ઠાકોરજીની પાલખી લઈ લ્યો ને ઉત્સવ કરતા કરતા સહુ ચાલો.’ આ વચન સંભાળતાં જ હરિભક્તો તૈયાર થઈ ગયા ને સંતોએ પણ માથે રૂમાલ બાંધ્યા. બાપાશ્રીને આગલા દિવસનો થાક જાણી એ ટાણે પૌત્ર માવજી ઘોડી લાવ્યા ને હરિભક્તો ઠાકોરજીની પાલખી લઈ આગળ ઉત્સવ કરવા લાગ્યા. તે વખતે મંડળીના એક હરિભક્તે ઠાકોરજી પર ગુલાલ નાખી થોડો થોડો ગુલાલ ઉત્સવિયા હરિભક્તો પર પણ નાખ્યો. એ ટાણે ઓટા પર ઊભા રહી બાપાશ્રી ઘોડી પર બેસવા જતા હતા, ત્યાં પણ એ હરિભક્તે બાપાશ્રી પર ગુલાલ નાખવા માંડ્યો, ત્યારે બાપાશ્રીએ તેમના હાથમાંથી તે ગુલાલનું પડીકું લઈ પડખે શેઠ લોકામલ ઊભા હતા તેમના પર એ ગુલાલ ઢોળ્યો. ત્યારે તેમનાં વસ્ત્રો ગુલાલમય થતાં એ પડીકું હાથમાં ઝીલી લઈ વધેલો ગુલાલ તેમણે બાપાશ્રી પર ઉડાડ્યો, તેથી બાપાશ્રીની પાઘડી, આંગડી, ધોતિયું, ખેસ તથા ઘોડીનો આગળનો ભાગ ગુલાલ ગુલાલ થઈ ગયો એ જોઈ હરિભક્તો હોંશભર્યા કીર્તન બોલતા ને દર્શન કરતા આગળ ચાલ્યા. સંતો પણ આ નવીન શોભાથી આનંદ પામતા હતા. ગામના નાનામોટા હરિભક્તોને એમ જે, ‘આજ બાપાશ્રીએ ગુલાલની આવી લીલા કેમ કરી હશે?’ પણ પાછળથી આવેલા આ લોકામલ શેઠનો પ્રેમભાવ જોઈને બાપાશ્રીએ સાતમનો સમૈયો કર્યો છે એમ કોણ જાણે? આ રીતે ગાજતેવાજતે સહુ છત્રીએ આવ્યા ને ત્યાં ચરણારવિંદ તથા હનુમાનજીનાં દર્શન કરી ધર્મશાળાના હૉલમાં બેઠા. હરિભક્તો ઘણા હોવાથી તે હૉલમાં ન સમાતાં કેટલાક બહાર બેઠા. તે વખતે બાપાશ્રીએ વચનામૃતની પારાયણ કરવાની આજ્ઞા કરી, તેથી સંતોએ સૌને પુસ્તકનાં છૂટાં છૂટાં પાનાં વહેંચી આપ્યાં એટલે થોડી વારમાં પારાયણ પૂરી કરી. પછી હરિભક્તોએ બાપાશ્રી તથા સંતોની પૂજા કરવા માંડી. તે પૂજાવિધિ ઘણી વાર ચાલ્યો ત્યાં સુધી હરિભક્તો કીર્તન બોલતા હતા. પછી બાપાશ્રી એમ બોલ્યા જે, ‘આ સભા દિવ્ય છે, તેમાં કોઈ મનુષ્યભાવ પરઠશો નહિ, આ તો બહુ અલૌકિક પ્રાપ્તિ છે, અમારે તો સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા છે. આ વાત જે જાણી રાખશે તેને મોહ નહિ થાય, પણ જે આવી દિવ્ય સભાને વિષે તથા અમારે વિષે સંશય કરશે તેને તો આ સભાથી છેટું થઈ જશે; માટે ભલા થઈ સહુ દિવ્યભાવ રાખજો. જેને શ્રીજીમહારાજ તથા મોટા મુક્તને રાજી કરી લેવા હોય તેણે આસ્તિક બુદ્ધિ દૃઢ કરવી. નાસ્તિકપણું જીવને બહુ નડે છે. નાસ્તિક હોય તે તો કોઈને માને જ નહિ. એવાને શું મળે! અંતરમાં ભૂંડા ઘાટ થતા હોય ને ભગવાનની મર્યાદા ન રહે તે પણ નાસ્તિકપણું કહેવાય. માટે ખરા આસ્તિક થવું.’ એ રીતે વાત કરી સૌને રાજી કર્યા પછી ગાજતેવાજતે કીર્તન બોલતા સહુ મંદિરમાં આવ્યા.

એ દિવસે પણ શીરો ને સુખડી આદિ પકવાન વધેલાં તથા ખીચડી, શાક આદિ ભોજન તૈયાર કરાવેલાં તે સહુને જમાડ્યા. વળી સાંજના ગોડી, આરતી, ધૂન્ય ને કથાવાર્તા થતાં સૌને આનંદ આનંદ થઈ રહ્યો. પછી બીજે દિવસ લોકામલ શેઠ કરાંચી જવા તૈયાર થયા ત્યારે બાપાશ્રીએ તેમના પર બહુ જ પ્રસન્નતા જણાવી આશીર્વાદ આપ્યા, તેમ જ તેમને પણ ઠાકોરજીની સેવા કરી બાપાશ્રીની તથા સંતોની ચંદન-પુષ્પથી પૂજા અને પ્રાર્થના કરી રાજી કર્યા.