૭૧૭ - ઉપસંહાર
આ રીતે શ્રીજીમહારાજના સંકલ્પથી દૃષ્ટિગોચર વર્તતા અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીએ અષાઢ સુદ પાંચમને રોજ પોતાનું આ પૃથ્વી ઉપરનું દર્શન અદ્રષ્ટ કર્યું, તેથી સર્વેને અપાર દુઃખ થયું. પછી ચોવીસેય ગામમાં માણસો મોકલી બાપાશ્રીના અંતર્ધાન થયાના ખબર મોકલાવ્યા. ભૂજમાં ભોગીલાલભાઈને તેમજ બીજે કેટલેક ઠેકાણે પોતે જ દિવ્યરૂપે દર્શન આપી કહ્યું કે, ‘અમે ધામમાં જઈએ છીએ.’ લાલશંકરભાઈ તથા વિઠ્ઠલજીભાઈએ ભૂજમાં જઈ ધનજીભાઈ આદિ સૌ હરિભક્તોને ખબર આપ્યા તથા બજારમાંથી સુખડ આદિ વસ્તુઓ લઈને સર્વે વૃષપુર આવ્યા, ત્યાં ગામોગામથી ઘણા હરિભક્તો આવી પહોંચ્યા હતા. પછી તૈયાર કરેલી પાલખીમાં આ અનાદિ મુક્તરાજને પધરાવી, ગુલાલ ઉડાડતા તથા વિરહનાં કીર્તનો બોલતા હરિભક્તો સૌ ચાલ્યા, તે લગભગ પાંચ કલાકે છત્રીના વંડા પાસે પહોંચ્યા. ત્યાં ભોગીલાલભાઈ તથા મોતીભાઈએ કહ્યું જે, ‘બાપાશ્રી મર્મમાં એક વખત બોલ્યા હતા કે, અમારા દેહનો છેલ્લો વિધિ છત્રીના દક્ષિણાદિ બાજુએ કરજો.’ પછી સંત-હરિભક્તોએ બાપાશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી આરતી ઉતારી, સુખડ તથા નાળિયેરથી તે સ્થાને ‘ચેહ રચી. તે જોઈને અસહ્ય દુઃખથી હરિજનો દુઃખી થવા લાગ્યા, તેમને ભોગીલાલભાઈ તથા લાલશંકરભાઈ આદિ હરિભક્તોએ હાથ જોડી વિનય કરી ધીરજ આપી. પછી સર્વે શાંત થઈ ઊંચે સ્વરે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ધૂન્ય કરવા લાગ્યા. અગ્નિસંસ્કારવિધિ થઈ રહ્યા પછી સર્વે સ્નાન કરી વિરહનાં કીર્તનો બોલતાં બોલતાં સાંજના ચાર વાગ્યા ટાણે બાપાશ્રીને ઘેર આવ્યા. ત્યાંથી મંદિરમાં દર્શન કરી શ્રીજીમહારાજને સંભારતા તથા બાપાશ્રીએ આપેલાં સુખ અને તેમના દિવ્ય ગુણોનું વર્ણન કરતા સૌ પોતપોતાને ગામ ગયા.