૩૪૧ - આયુષ્ય વિના રાખેલ સંતને તેડી ગયા
એક દિવસ સવારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને બાપાશ્રીએ એમ કહ્યું જે, ‘સ્વામી! તમારા સાધુ મુક્તજીવનદાસજી માંદા છે તેને આયુષ્ય નથી, તોય રાખ્યા છે. નહિ તો આપણે જ્યારે સીનોગ્રે દેવજીભાઈની પારાયણમાં ગયા ત્યારે જ એ ધામમાં જવાના હતા, પણ આ યજ્ઞનું કામ બધું તમારા માથે એટલે તમે અટકી પડો અને સંતો તમને અમદાવાદ તેડી જવાનું કરે.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘દેવથળના ડાહ્યાભાઈ એમની નાડી જોઈને કહેતા હતા જે, ‘આ સાધુનો કફ સૂકાઈ ગયો છે તોય દેહ રહ્યો છે, તે તો નવાઈ જેવું લાગે છે,’ પણ આપે રોકી રાખ્યા છે, તે વાતની બીજાને ક્યાંથી ખબર પડે!’
આ સાધુને મંદવાડ ઘણો થઈ ગયેલ તેથી સંતો સેવા કરતા, પણ શરીરમાં જરાય શક્તિ જણાતી નહિ. પછી ચૈત્ર સુદ સાતમને દિવસે સવારની કથા વંચાઈ રહ્યા પછી સંતો તેમને દિશાએ જવા લઈ જતા હતા, એ વખતે ચાલતાં ચાલતાં લથડિયાં ખાઈ જતા જોઈને સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘આ સાધુને હવે ક્યારે તેડી જવાના છે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમારે ખપતા નથી?’ પછી સ્વામીશ્રીએ કહ્યું કે, ‘સાજા કરો તો ખપે!’ એ ટાણે બાપાશ્રી એમ બોલ્યા જે, ‘તેમને માટે અમે ગઈ કાલે લાકડાં તૈયાર કરી રાખ્યાં છે ને આજ તો લઈ જવા છે.’ એટલામાં સંતોએ એ સાધુને કૂવા પર લાવી હાથ ધોવરાવ્યા ને દાતણ કરાવી નવરાવતા હતા ત્યાં તો એ નમી પડ્યા; પછી બાપાશ્રી કહે, ‘સ્વામી! તમે ત્યાં જાઓ, એ સાધુ ધામમાં જાય છે.’ એમ કહી પોતે પણ તેમની પાસે આવ્યા. પછી સંતોએ વસ્ત્રો બદલી ઓરડીમાં સૂવાર્યાં ને ધૂન્ય કરવા માંડી કે તુરત જ એ દેહ મૂકી ગયા!