૭૧૮ - પારાયણ તથા ઉત્તરકાર્યનો નિર્ણય
ત્યાર પછી બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ અને ભૂજના ભોગીલાલભાઈ તથા મોતીભાઈ આદિ તથા રામપુરવાળા દેવરાજભાઈ વગેરે હરિભક્તોએ મળી સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને તાર કરી બાપાશ્રી અંતર્ધાન થયાના ખબર આપ્યા, અને એવી જ રીતે હેતવાળા સંત-હરિભક્તોને પણ તાર તથા કાગળોથી ખબર મોકલાવ્યા, એટલે સર્વે સંત-હરિભક્તો વૃષપુર આવી પહોંચ્યા. તે વખતે બાપાશ્રીને ઘેર વચનામૃતની કથા વંચાતી હતી.
સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આવ્યા પછી હરિભક્તો પાસે કાર્યનિમિત્તે યજ્ઞનો સામાન મગાવ્યો અને બીજી જોઈતી સામગ્રી તૈયાર કરાવી. મંદિરમાં ‘સત્સંગિજીવન’ની પારાયણ વંચાતી હતી. આ પ્રસંગે ગામોગામથી હરિભક્તો આવેલા હોવાથી મંદિરમાં સભા ઠસાઠસ ભરાઈ જતી. તે વખતે સવાર-સાંજ કથાપ્રસંગે સદ્ગુરુઓ શ્રીજીમહારાજના મહિમાની વાતો કરી સૌને સંતોષ પમાડતા.
પછી સમાપ્તિનો દિવસ આવ્યો ત્યારે બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈએ પુસ્તક તથા પુરાણીની પૂજા કરી, શ્રીજીમહારાજની આરતી ઉતારી ઠાકોરજીને વસ્ત્રાદિ ભેટ કરી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં.
એ વખતે જામનગરવાળા રતિલાલભાઈએ સભામાં ઊભા થઈ બાપાશ્રીના દિવ્યભાવની તથા અદ્ભુત પ્રતાપની વાતો કરી, સૌને બાપાશ્રીએ કરેલા ઉપકારો ન ભૂલવાની ભલામણ કરી.
ત્યાર પછી ટપ્પરવાળા ફોજદાર રામજીભાઈ સભામાં બેઠા હતા, તેમણે પણ ઊભા થઈ સંતો પાસે હાથ જોડી પોતાને બે વચન બોલવા માગણી કરી કહ્યું જે, ‘સંતો! હરિભક્તો! જ્યારે જ્યારે હું અહીં દર્શન કરવા આવતો અને શ્રીજીમહારાજની મૂર્તિનાં તથા બાપાશ્રીનાં દર્શન કરતો, તે વખતે શ્રીજીમહારાજની મૂર્તિ અને બાપાશ્રીના દેખાવમાં જેમ સગા બે ભાઈ હોય ને એકબીજાનાં મુખ મળતાં આવતાં હોય એવો ભાવ મને મુખનો જણાતો, પણ મારા મનમાં એમ થતું જે, ‘ભગવાનને ભાઈ હોય કે ન હોય!’ આવા વિચારો હું મનમાં ને મનમાં સમાવી રાખતો, પણ બાપાશ્રી જ્યારે મંદિરમાં હોય ત્યારે ખાસ કરીને હું શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના મુખ સામું ઘણી વાર જોયા કરતો. અમારું કામ એવું છે કે, અમે બે વર્ષનું છોકરું નાનપણમાં જોયું હોય, -પછી તેને ચાળીસ પચાસ વર્ષ થાય તોપણ મોઢા પરથી પારખી શકીએ કે, આ નાનપણમાં જે જોયેલ તે જ છે. તેમ બાપાશ્રીના અને મહારાજની મૂર્તિના મુખારવિંદના ભાવમાં મળતાપણું દેખાતાં મને આશ્ચર્ય થતું. સ્વામીશ્રીએ હમણાં કહ્યું કે, ‘મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસ રહ્યા છે, તેમના આકાર મહારાજના જેવા જ દિવ્ય છે,’ તેથી મને તો એમ જ થયું કે, આ બાપાશ્રી મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત જ છે. મારે સત્સંગનો અનુભવ થોડો, પણ બાપાશ્રી તથા સંત-હરિભક્તોની કૃપાનો લાભ મળે એમ જાણી મેં મારા મનના આ વિચારો સભા સમક્ષ કહ્યા છે. હવે આપ સૌ બાપાશ્રીના કરેલા ઉપકારોને આ સ્વામીશ્રી કહે છે તે પ્રમાણે ભૂલશો નહિ, એમ કહી હાથ જોડ્યા. પછી સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી સમાપ્તિ કરી,’ સહુ કીર્તન બોલ્યા. પછી સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી એ બન્ને રામજીભાઈ પર રાજી થઈ ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાવાળું’ વચનામૃત તથા એક ‘મૂર્તિ’ ભેટ આપી. પછી સહુ પોતપોતાને ગામ જવા લાગ્યા. સ્વામીશ્રી આદિ સંતો તો બાપાશ્રીના પુત્રાદિ તથા ગામ-પરગામના હરિભક્તોને કથાવાર્તાથી રાજી કરતા, પંદર દિવસ સુધી ત્યાં રહ્યા હતા, તે જ્યારે દેશમાં જવા ચાલ્યા ત્યારે ગામોગામના હરિભક્તો સંતોને વળાવવા ગયા, એ વખતે સૌને દિલગીર થતા જોઈ સ્વામીશ્રીએ ધીરજ આપતાં કહ્યું જે, શ્રીજીમહારાજ ભેળા બાપાશ્રી તથા અનેક મુક્તો સદાય આપણી સાથે જ છે, છે ને છે જ. તેમની આજ્ઞા પ્રમાણે વરતી પરસ્પર હેત રાખી મૂર્તિના સુખની વાતો કરી સૌ મહારાજને સંભારજો. પછી સંતો ભૂજ ગયા ત્યાં ભોગીલાલભાઈ, ધનજીભાઈ, લાલશંકરભાઈ, મોતીભાઈ વગેરે કહેવા લાગ્યા જે, ‘આપ હજુ થોડા દિવસ રોકાઈને બાપાશ્રીને દેન દીધેલ છે તે ઠેકાણે સ્મૃતિરૂપ સ્થાન કરાવી જાઓ તો સહુને આવા મહાસમર્થ અનાદિ મુક્તરાજનું સ્મરણ કાયમ રહે.’ સંતોને પણ એ વાત ઠીક લાગી. તેથી વૃષપુરથી મિસ્ત્રી ગોવિંદ અરજણ મેપાણીને બોલાવી નક્શો કરાવ્યો. પછી એ મિસ્ત્રી તથા બીજા જે જે એ કામ કરી શકે તેવાઓને સાથે લઈ સંતોએ સહિત સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી પાછા વૃષપુર આવ્યા ને ત્યાં સહુને આ વાત કરી, તેથી ગામના હરિભક્તો ઘણા રાજી થતાં બોલ્યા જે, ‘આવું બાપાશ્રીનું સ્મૃતિરૂપ સ્થાન થતાં અનેક જીવોનો મોક્ષ થશે;’ એમ કહી કામ ચાલતું કર્યું અને તેમાં સહુ હેતે સહિત સેવા કરવા લાગ્યા. એ વખતે છત્રીનું કામ જે જે કરતા હતા તેમને બાપાશ્રી ઘણી વાર દર્શન આપતા. વળી સહુને એમ રહેતું જે આ કામમાં બાપાશ્રીનો રાજીપો ઘણો છે. એક દિવસ થાંભલા ઘડવાનું કામ ચાલતું હતું, ત્યારે રાત્રે દસ વાગ્યે બાપાશ્રીએ વેકરાવાળા મિસ્ત્રી વીરજીભાઈ મનજીભાઈને પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું જે, ‘તમે તો છત્રીના થાંભલા ઘડો છો ને?’ ત્યારે તે કહે, ‘હા બાપા!’ ત્યારે બાપાશ્રી કહે, ‘અમે તમને માધાપુરમાં કહ્યું હતું તે સંભારી રાખજો ને કામ બરાબર કરજો,’ -એમ કહી અદૃશ્ય થઈ ગયા. એ વાત તેમણે સ્વામીશ્રી આદિ સંતોને કરી. એક મહિને છત્રીનું કામ પૂરું થઈ રહ્યું, ત્યારે સ્વામીશ્રીએ ગોવિંદભાઈ તથા વીરજીભાઈને પાઘડીઓ બંધાવી તથા સેવા કરનારા હરિભક્તોને પણ બાપાશ્રીની પ્રસન્નતા તથા મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા અને એ સ્થાનનો મહિમા કહ્યો જે, ‘હવે આ ઠેકાણે જે કોઈ દર્શને આવશે તેમને બાપાશ્રીનું સહેજે સ્મરણ થશે, તેમ જ તેમના ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ તથા અપાર અપાર કરુણાદૃષ્ટિ વડે શ્રીજીમહારાજની અનંત મુક્તોએ સહિત સ્મૃતિ થતાં અનેક મુમુક્ષુ જનોનાં મોક્ષ્રરૂપ કાર્ય સિદ્ધ થશે.’ પછી સ્વામીશ્રી આદિ સંતો ભૂજ થઈ ગુજરાતમાં આવ્યા.
આગળ ઉપર એ બાપાશ્રીની છત્રીએ તેમના પુત્રોએ એક શિલાલેખ ભૂજ વગેરેના સંત-હરિભક્તોને તેડાવીને ચોડાવ્યો છે.
આ રીતે આ અતિ અલૌકિક તથા કલ્યાણકારી જીવન પૃથ્વી ઉપરથી અદૃશ્ય થયું. ત્યાર પછી બાપાશ્રીનો શિષ્યવર્ગ, ત્યાગી, ગૃહસ્થ સર્વે બાપાશ્રીએ બતાવેલ શ્રીહરિનું રહસ્ય કે જે ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાવાળાં વચનામૃત’ તથા તેઓશ્રીની વાતોના બન્ને ભાગોમાં ગૂંથવામાં આવેલ છે, તેનું મનન કરી શ્રીહરિની મૂર્તિને સુખે સુખ માનતા થકા સમય વ્યતીત કરવા લાગ્યા.
અંતમાં શ્રીહરિ સર્વેને સુખશાંતિ અર્પે અને સત્સંગમાં સંપ તથા સાચી સમજણ પ્રવર્તે એમ શ્રીહરિને પ્રાર્થના કરી વિરમું છું.