૧૪૩ - રામજીભાઈને રાજી કર્યા
ભાઈશ્રી સંઘે સહિત ઉપરદળ પહોંચ્યા ને રામજીભાઈને દર્શન આપ્યાં, ત્યારે રામજીભાઈ તો તાવમાં ને તાવમાં ઊભા થઈ ‘જય સ્વામિનારાયણ’ કહી બાથમાં લઈને મળ્યા ને દંડવત્ કરી હર્ષભર્યા બોલવા લાગ્યા જે, ‘વાહ દયાળુ! વાહ! તમારા વિના મારા દિવસ ખૂટતા નહોતા. ભલે આવ્યા, હવે અહીં રોકાજો. ઝાઝું નહિ તો ત્રણચાર મહિના તો અહીંથી નહિ જ જવાય.’ ત્યારે ભાઈશ્રી કહે. ‘ત્રણચાર દિવસમાં તમે રાજી થઈને રજા આપો ને અમે જઈએ તો કેમ?’ આ સાંભળી પોતે હસવા લાગ્યા ને બોલ્યા જે, ‘બાપ! હું સાજો નથી તેથી તમને એમ થતું હશે કે આ કેમ સેવાચાકરી કરશે? પણ સેવામાં જરાય ખામી આવવા નહિ દઉં; તમે જેમ રાજી થાશો તેમ કરીશ. મારો મંદવાડ તો તમને જોઈને ભાગી જ ગયો.’ એમ કહીને એ સાજા જેવા થઈ ગયા. અશક્તિ ઘણી હતી ને તાવ હજુ રહેતો, તોપણ હેતને લીધે એમને તો આનંદ આનંદ થઈ ગયો. માર્ગમાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રી આદિ સંઘ ઉપરદળ આવતાં ગામોગામના હરિભક્તોને ખબર પડી હતી કે, ભાઈશ્રી હમણાં ઉપરદળ રોકાવાના છે, તેથી ઘણા સંત-હરિભક્તો બીજે દિવસે ત્યાં આવી પહોંચ્યા. પણ તેના ઉતારા તથા સીધાસામાન ને પાગરણ વગેરેની સગવડ કરવામાં કાંઈ મેળ મળ્યો નહિ. બે દિવસ તો મૂંઝવણથી કાઢ્યા, ત્યાં વળી ત્રીજે દિવસે ગામડાંમાંથી હરિભક્તો આવવા લાગ્યા. આ મુક્તરાજના રાજીપાથી રામજીભાઈને શરીરમાં તો જરા ઠીક જણાવા લાગ્યું, પણ સૌની સરભરા કરવામાં ઘણી તાણ પડી, કેમ કે ગામડાંમાં જોઈતી ચીજ તુરત ભેળી ન થાય, તેથી તેમને સમજાવી ભાઈશ્રીએ જવાની ઇચ્છા બતાવી, ત્યારે પોતે કહ્યું જે. ‘બાપજી! હવે આપનો સંકલ્પ હોય તેમ કરો. તમે કહ્યું હતું તેમ જ થતું જાય છે. અમે અણસમજણે બોલીએ પણ તમને કેમ જિતાય? તમે બોલ્યા હતા તેમ જ તમારે કરવું લાગે છે તે કરો. પણ મને અખંડ દર્શન દેજો ને મારી ભેળા રહેજો, એ મારી પ્રાર્થના છે,’ ત્યારે ભાઈશ્રી કહે, ‘ભલે, હવે અમે કાલે જઈશું, વાંસે ઉદ્વેગ કરશો મા. વળી સંભારશો ત્યારે આમ ને આમ આવી ઊભા રહીશું.’ એમ ધીરજ આપી, પછી બીજે દિવસે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી આદિ ત્યાંથી ચાલ્યા તે ભાયલા, ધોળકા, ભાત વગેરે ગામોના હરિભક્તોની તાણથી તેમને દર્શન દઈ, ઠાકોરજીનાં દર્શન કરી, જેતલપુર આવ્યા; ત્યાં એક દિવસ રહી રેવતી, બળદેવ ને હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કર્યા; ત્યાંથી અમદાવાદ એક દિવસ રોકાણા; ત્યાં ઠાકોરજી તથા આચાર્યશ્રી અને સંત-હરિભક્તોનાં દર્શન કરી ત્યાંથી ચાલ્યા.