૨૧૫ - શ્રીજીમહારાજ સાથે સગપણ કર્યું

0:000:00

આ વાતને હજુ ઝાઝા દિવસ થયા નહોતા, ત્યાં બાપાશ્રી કાંઈ કામપ્રસંગે દહીંસરે ગયા હતા; તે વખતે મુક્તરાજ કેસરાભાઈ હેતે સહિત મળ્યા ને એમ બોલ્યા જે, ‘ભાઈ! તમે તો અલૌકિક દિવ્ય સ્વરૂપ છો, તે વ્યવહારની કાંઈ નજરેય ન રાખો, પણ એક વાત ઠીક ન થઈ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભાઈ! કઈ વાત?’ તો કહે, ‘આપની ગગીનું સગપણ ઝીણોભાઈ આ ગામમાં કરી ગયા છે. તે સાવ આચારવિચાર વિનાના છે. તેનું તો અમે કોઈ પાણીયે પીતા નથી. આવા ઠેકાણે સગપણ થયું તે અમને ઠીક ન લાગ્યું.’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘ભાઈ! તેમાં શું? આપણે કાલ સારે ઠેકાણે સગપણ કરી દેશું. તેની તમને પરમ દિવસે ખબર પડશે.’ ત્યારે કેસરાભાઈ વિચારમાં પડી ગયા કે, ‘હવે બીજે ઠેકાણે સગપણ કેમ થાશે!’ પણ આ મર્મવચન છે, તેની એમને ખબર પડી નહિ.

પછી બાપાશ્રી વૃષપુર આવ્યા, ત્યાં તો એ દીકરીને તથા બીજા બે દીકરાને આખા શરીરે માતા નીકળેલાં હોવાથી ઘરના સૌ પાસે બેઠા હતા ને પીડા ઘણી થતી હતી. આ વાત બાપાશ્રીથી અજાણી નહિ હોય, પણ એ ટાણે સહજ પૃછા કરી મંદિરમાં ચાલ્યા ગયા ને મોડેથી કથાવાર્તા, ચેષ્ટા આદિ નિયમ થઈ રહ્યા પછી ઘેર આવ્યા. ત્યાં તો ઘરના સહુ એમ ને એમ પાસે બેઠા હતા; એ ટાણે આ અનાદિ મુક્તરાજે તે દીકરી પાસે કહેવા માંડ્યું જે, ‘બચ્ચા! કેમ છે? તારે મટાડવું છે કે ધામમાં જવું છે?’ ત્યારે તે કહે, ‘બાપા! ઠેઠ મહારાજ પાસે મૂકી દ્યો તો ધામમાં જવું છે. પીડા ઘણી થાય છે, તે ખમાતું નથી.’ ત્યારે પોતે કહ્યું, ‘બચ્ચા! મારા સામું જો. –એમ કહેતામાં એવી અંતર્વૃત્તિ કરાવી દીધી કે, જાણે પીડા છે જ નહિ, એવું થઈ ગયું. પછી બે દીકરાઓને પણ માતા નીકળ્યાં હતાં, તે મેડા પર સૂતેલા ત્યાં જઈને એ જ રીતે પૂછ્યું. ત્યારે એમણે તો રહેવાની ને સેવા કરવાની ઇચ્છા બતાવી, તેથી તેનાં માથે હાથ ફેરવ્યા ને કહે, ‘મહારાજ સારું કરશે,’ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કરો, એમ કહી પાછા હેઠે દીકરી પાસે આવ્યા ને તેને બોલાવીને કહ્યું, બચ્ચા! દીકરી! તું મહારાજની મૂર્તિમાં વૃત્તિ બરાબર રાખજે, આ ટાણે બીજું કાંઈ સંભારીશ માં.’ ત્યારે તે કહે. ‘બાપા! તમે મને ઠેઠ અક્ષરધામમાં લઈ ચાલજો.’ આવાં વચનથી રાજી થઈ પોતે તેના પર હાથ ફેરવ્યા ને ઘરના સૌ પડખે બેઠા હતા તેને કહે, ધૂન્ય કરો, આ બાઈને મહારાજ હમણાં તેડી જશે.’ –એમ કહે છે ત્યાં તો તેણે આંખો ઉઘાડી સૌને હાથ જોડ્યા ને દેહ મૂકી દીધો. આ ખબર બીજે દિવસે દહીંસરે પહોંચ્યા, ત્યારે મુક્તરાજ કેસરાભાઈએ જાણ્યું જે, ‘બીજે સગપણ કરશું,’ એમ ભાઈ બોલ્યા હતા તે એ ટાણે સમજાણું નહોતું, પણ આ બાઈ નું તો મહારાજ સાથે સગપણ કરી દીધું.