૪૧ - ‘એક બીજા નો મહિમા’

0:000:00

એક વખત મુક્તરાજ લક્ષ્મીરામભાઈ વૃષપુરમાં ભાઈશ્રીનાં દર્શન કરવા આવ્યા, પણ ભાઈશ્રી તો રામપુર મુક્તરાજ ધનબા પાસે ગયેલા, તેથી પોતે ત્યાં ન રોકાતાં તરત પાછા વળ્યા ને એમ જાણ્યું જે, ‘દહીંસરામાં મુક્તરાજ કેસરાભાઈનાં દર્શન કરી ભાઈશ્રીને મળી માંડવી જઈશ.’ પછી પોતે દહીંસરામાં આવ્યા ને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી મુક્તરાજ કેસરાભાઈને ઘેર ગયા. ત્યાં તો તે ઠાકોરજીને થાળ જમાડતા હતા, અને તેમની પાસે ગોપાળભાઈ નામના હરિભક્ત બેઠા હતા. લક્ષ્મીરામભાઈ તો પાધરા જ દંડવત્ કરવા મંડ્યા. તે જોઈ કેસરાભાઈએ ઉતાવળા હાથ ધોઈ પાણી પીધું ને સામા દંડવત્ કરવા માંડ્યા. કોઈ ઝાલ્યા ન રહે. ત્યારે લક્ષ્મીરામભાઈ કહે, ‘કેસરાભાઈ! આ શું કરો છો?’ ત્યારે કેસરાભાઈ કહે, ‘તમે દંડવત્ કર્યા, એ શું કર્યું?’ લક્ષ્મીરામભાઈ કહે, ‘મેં તો મહારાજને દંડવત્ કર્યાં.’ ત્યારે કેસરાભાઈ કહે, ‘મને મહારાજને દંડવત્ કરવાની કેમ ના પાડો છો?’ એમ કહેતાં પરસ્પર મળ્યા. પછી ઠાકોરજીને જમાડવાનું બંધ રાખ્યું હતું તે લક્ષ્મીરામભાઈના કહેવાથી જમ્યા. ત્યાં તો ભાઈશ્રી રામપુરથી આવ્યા. તેમને પણ એવી જ રીતે સૌ દંડવત્ કરી મળ્યા. પછી ત્યાંથી સૌ મંદિરમાં આવ્યા ને મૂર્તિના સુખની વાતો કરતા બીજી સભા સુધી કથાવાર્તા કરી હરિભક્તોને રાજી કર્યા. મોડેથી ભાઈશ્રી વૃષપુર ગયા ને લક્ષ્મીરામભાઈ માંડવી પધાર્યા. એ રીતે આવા મોટા મુક્ત પરસ્પર એક બીજાનો મહિમા જાણી દર્શન-સમાગમ કરતા.