૧૧૧ - નિષ્કામભાવ અને નિર્ગુણ વ્યવહાર

0:000:00

કચ્છમાં નાનપણથી જ સંબંધ કરવાના રિવાજ પ્રમાણે અનુક્રમે પુત્રપુત્રીઓનાં સગપણ થઈ ગયેલાં હતાં. પણ જ્યારે મોટાં પુત્રી વાલબાઈને પરણાવવાની વાત ચાલતી હતી ત્યારે એક દિવસ તે કહે, ‘બાપા! તમે તો અખંડ શ્રીજીમહારાજ ભેગા ને ભેગા જ રહો છો. આવો જોગ ને આવાં દર્શન મૂકીને અમારે સાસરે જવું પડે, એ કેવડું દુઃખ! દીકરીઓના અવતારમાં કાઈ માલ જ નહિ,’ – એમ કહી દિલગીર થઈ ગયાં, ત્યારે મુક્તરાજ કહે, ‘બાઈ! એવી ચિંતા ન કરવી, મહારાજ બધુય સારું કરશે. આપણે તો એ મૂર્તિ ભેગી રાખવી, એટલે જ્યાં જઈએ ત્યાં સુખ!’ એમ કહીને પરણાવ્યાં તો ખરાં, પણ નાની ઉંમરમાં જ પતિ દેહ મેલી ગયો. તેથી તેને વ્યવહારમાં પડવું પડશે એ ચિંતા મનમાંથી ઊતરી, એટલે દૃઢ નિશ્વય કરી પિતાની સેવા અર્થે ઘેર જ રહ્યા, અને મોટા પુત્ર કાનજીભાઈને ગામમાં ને ગામમાં સારાં સગાં મળવાથી પંદરમે વર્ષે પરણાવ્યા હતા. ત્યાર પછીનાં દીકરી જે રાધાબાઈ તે તો નાનપણથી જ ભોળાં, વિશ્વાસી ને મહારાજને વિશે અનન્ય હેતવાળાં હોવાથી ઘરમાં ને ગામમાં સૌનો તેમના પર ઘણો રાજીપો હતો, તેને પણ વ્યવહાર-સંબંધ કર્યા પછી થોડા જ વખતમાં વિધવાપણું પ્રાપ્ત થયું, તેથી એ બેય બહેનોએ ઘેર રહી શ્રીજીમહારાજની ભક્તિ કરવી, તથા આવા મહામુક્તરાજ પિતાશ્રીની બને તે સેવા કરવી એમાં પોતાનું અહોભાગ્ય માન્યું હતું. અને નાના પુત્ર મનજીભાઈનો સંબંધ દહીંસરામાં થયેલ, તેને પણ બારમે વર્ષે પરણાવ્યા હતાં.

આવી રીતે દરેક વ્યવહાર ટાણે કુંવરજીભાઈને જાણે એમના માટે જ એ ગામમાં મહારાજે રાખ્યા હોય તેમ એ તો સદાય મહિમા જાણી આ મુક્તરાજનાં ખાતામાં જે ઉપાડ થાય તે રાજી થઈને આપતા, તેમાં કોઈ વખત કચવાણ નહિ. વળી રોજ ભેળા બેસીને જોગ-સમાગમ કરે. તીર્થમાં કે સંત-સમાગમમાં પણ ભેળા. નાહતાં, જમતાં, સૂતાં, ઊઠતાં, સગાં ભાઈની પેઠે પરસ્પર એકબીજાને પૂછે ને મહિમા જાણે. કોઈ વખતે તેમના કુટુંબમાં ભાઈશ્રીના ખાતા સંબંધી વાત નીકળે તો પોતે એમ કહે જે, ‘આપણા મોટાં ભાગ્ય છે જે આવા મુક્તની સેવા મળી છે. એમનું તો દર્શનેય ક્યાંથી?’ ઉપરાંત સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી પણ જ્યારે તેમને મળે ત્યારે આ વાતની ભલામણ કરતા. કાગળપત્ર લખે તોય દિવ્યભાવે રાજી કરવાનો ખટકો રાખવાનું લખ્યા વિના ન રહે. આમ સ્વામીશ્રીએ મૂળીએ તેડાવ્યા ને જાદવજીભાઈ તથા કુંવરજીભાઈ સાથે ગયાં, ત્યાં સુધી વ્યવહાર ચાલ્યા કરતો, તેથી ખાતામાં રકમ વધતી જતી; પણ આ વખતે મૂળીથી જ્યારે કચ્છમાં આવવા નીકળ્યા ત્યારે પણ આ બંન્નેને સ્વામીશ્રીએ તેમનો મહિમા જાણવાની ઘણી ભલામણ કરી હતી, તેમ જ મૂળીમાં સ્વામી પોતે ભાઈશ્રીનો મહિમા જાણી ચંદન-પુષ્પથી પૂજા કરતા ને કરાવતા, હેતે સહિત મળતા, મહિમા કહેતા, એ બધું પોતાની નજરે જોવાથી જાદવજીભાઈને એમ થતું જે આપણા મોટાં ભાગ્ય છે જે આવા મોટાનો આપણા પર રાજીપો છે, તેથી એમની આપણા પર દયા થતાં આવો અલભ્ય લાભ મળ્યો છે. તે જ રીતે આ મુક્તરાજને સ્વામીશ્રીએ ખેતર, વાડીઓના કામમાં ખટકો રાખી વાવવા આજ્ઞા કરેલ, તે પ્રમાણે પોતે કચ્છમાં આવ્યા પછી વાડીઓમાં તથા ખેતરમાં જે જે વાવેતર કર્યાં તેમાં ધાર્યા કરતાં દોઢો-બમણો પાક થયો. બીજે વર્ષે પણ એ જ પ્રમાણે થયું, તેમ અનાજ વગેરેનાં ભાવ સારા આવતાં ત્રણ ચાર હજાર જેટલી કોરીઓનો વધારો પડ્યો. સ્વામીશ્રી પણ આ મુક્તરાજને કાગળમાં લખી પુછાવે જે, આ વર્ષે કેમ થયું, તે મને લખી જણાવજો. ત્યારે ભાઈશ્રી તેમને કાગળમાં એમ લખે જે, ‘સ્વામી! આપે સંકલ્પ કર્યો છે તેથી મહારાજની દયાથી બધુય ઠીક થતું જાય છે. આ વર્ષે અનુમાન આટલો વધારો પડે તેમ લાગે છે.’ એ જ રીતે બીજે વર્ષે પણ પુછાવી જવાબ મંગાવ્યો હતો. સ્વામીશ્રીને આ મુક્તરાજના સામર્થ્યની ખબર હોવાથી તે તો ઘણી વાર એમ વાતોમાં મર્મ કરતા જે, આ મુક્તરાજ આ ટાણે આવા સાદા જણાય છે, પણ આગળ જતાં બહુ જ ચમત્કાર જણાવી સત્સંગમાં મોટાં મોટાં કામ કરશે ને કેટલાય ને મહારાજના સુખમાં પહોંચાડશે. સ્વામીશ્રી જેમ આ મુક્તરાજ પર પત્ર લખી પુછાવતા તેમ નારાયણપુરવાળા જાદવજીભાઈને પણ ભલામણ લખતા જે, ‘ભાઈશ્રીને મન, કર્મ, વચને સેવજો, ને એ જેમ રાજી થાય તેમ કરજો.’ વળી આ મુક્તરાજના ખાતા સંબંધી હકીકત જણાવી લખ્યું જે, ‘તમારી પેઠે કુંવરજીભાઈને પણ ભાઈશ્રીનો મહિમા ઘણો છે, તેથી તેને તો જરાય સંકલ્પ થાય તેમ નથી, પણ વાંસે છોકરાંઓને એમના જેવું ન રહે, માટે ભાઈશ્રીને તમે એકાંતે પૂછીને, જો દેણું વળી જાય તેટલી કોરીઓનો વધારો થયો જણાય તો કુંવરજીભાઈનાં નામાંનું પાસે રહી ચોખ કરાવી નાખજો ને પછી અમને કાગળમાં લખી જણાવજો. આ રીતે સ્વામીશ્રીનો તેમના પર પત્ર આવતાં એક દિવસ જાદવજીભાઈ વૃષપુર આવ્યા ને ભાઈશ્રીને એકાંતે બેસારી સ્વામીશ્રીના કાગળની વાત કરી, ત્યારે આ મુક્તરાજ કહે, ‘જાદવજીભાઈ! તમે ઠીક આવ્યા. હું તમને ત્રણચાર દિવસ થયા સંભારતો હતો જે, એ આવે તો કોરિયું સાચવવાનું માથેથી ઊતરે,’ એમ કહી ઘેર લઈ જઈ કોરીઓ તથા પાંચીઆ હતા તે ગણી લેવા કહ્યું ને બોલ્યા જે, ‘ભાઈ! તમે ભેળા આવો એટલે આપણે કુંવરજીભાઈને ચોપડે જે લહેણું નીકળતું હોય તે ચોખ કરી નાખીએ.’ આથી જાદવજીભાઈ રાજી થયા; પછી કુંવરજીભાઈ પાસે બંને જઈને કહેવા લાગ્યા જે, ‘ભાઈ! આપણે આજ ખાતાનું ચોખ કરવું છે,’ ત્યારે કુંવરજીભાઈ કહે, ‘ભાઈ! આમ આજ કેમ ઉતાવળ કરો છો? મને આ વાતનો સંકલ્પેય નથી. હું તો મારાં મોટાં ભાગ્ય માનું છું ને જાણું છું કે, આવો લાભ મને ક્યાંથી મળે?’ ત્યારે જાદવજીભાઈ કહે, ‘ભાઈ! તમને ભાઈશ્રીનો મહિમા ઘણો છે, તેથી સદાય રાજી રાજી રહો છો, પણ વાંસે છોકરાંઓને આમ તમારા જેવું રહે કે ન રહે. તેમ વળી મહારાજની દયાથી વ્યવહારમાં ઠીક થાય ત્યારે ખાતું શું કરવા ઊભું રાખવું જોઈએ?’ એમ કહીને ખાતું ચોખ કરીને. સરભર કરાવી નાખ્યું. તે વખતે કુંવરજીભાઈએ ઘણાં જ વિનયવચનો કહ્યા કે, ‘ભાઈ! મહારાજ અને તમારી દયાથી કોઈ દિવસ મને તમારા ખાતાની રકમથી કાંઈ સંકલ્પ થયો નથી, તોપણ કાંઈ અજાણમાં ભૂલચૂક થઈ હોય તો રાજી રહેજો. તમારો મહિમા મોટાં સંતો તથા હરિભક્તો જાણે છે તે વાત મારી અજાણી નથી, તમારી કૃપાથી સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીની કૃપા મારા પર થઈ, એ તો હું અનંતગણો લાભ માનું છું. આ ખાતાથી મારા પર રાજી થઈ ઘણીયે વાર સ્વામીશ્રીએ મને આશીર્વાદ આપ્યા છે. એ બધો તમારો પ્રતાપ છે. એવા મોટાનો રાજીપો ક્યાંથી મળે?’ આવાં વચનથી રાજી થઈ ભાઈશ્રી કુંવરજીભાઈને મળ્યા ને માથે હાથ મૂકી કહ્યું જે, તમને ધન્ય છે! આટલાં વર્ષમાં કોઈ દિવસ કાંઈ સંકલ્પ જ કર્યો નહિ, મહિમા વિના આવું ન બને,’ – એમ કહી જાદવજીભાઈને પણ મળી ઘણો રાજીપો જણાવ્યો. પછી ત્યાં થોડી વાર મહારાજના મહિમાની વાતો કરી, તેથી કુંવરજીભાઈને બહુ જ આનંદ થયો. આ રીતે લગભગ ૧૯૪૬ની સાલમાં એ ખાતાનું ચોખ કર્યું.

આ રીતે કુંવરજીભાઈનું ખાતું ચોખ કર્યા પછી જાદવજીભાઈએ આ મુક્તરાજ તથા પોતાના નામથી સ્વામીશ્રીને વિગત જણાવી, એટલે સ્વામીશ્રીએ તેમના પર તથા કુંવરજીભાઈ પર પ્રસન્ન થઈ રાજીપાનો કાગળ લખ્યો. ભાઈશ્રી તો જે રીતે સંત-હરિભક્તો મહારાજનો મહિમા જાણી સુખિયા થાય તે રીતે સભાપ્રસંગે કે વાડીએ જ્યાં કોઈ ભેળા થાય ત્યાં મૂર્તિના સુખની જ વાતો કરતા, તેથી દિવસે દિવસે સંત-હરિભક્તો નાનામોટા એમના જોગ-સમાગમ ને રાજીપાનો વધુ ને વધુ લાભ લેવા મંડ્યા.