૨૬૮ - અ. મુ. કેસરાભાઈનું હેત ને મહિમા
પછી મુક્તરાજ કેસરાભાઈએ પોતાની વાત કરી જે, ‘હું ને ભાઈ –એક વખત ભૂજથી સાથે ચાલ્યા આવતા હતા. માર્ગમાં એક તળાવ આવ્યું, ત્યાં થોડી વાર અમે બેઠા. એ ટાણે ભાઈએ પોતાની મેળાએ રાજીપો જણાવી, મારો હાથ ઝાલ્યો ને કહ્યું કે, ‘કેસરાભાઈ! આપણે આમ ને આમ સદાય સાથે રહીશું.’ ત્યારથી જ્યાં હું સંભારું ત્યાં એમ ને એમ દેખાય. તેથી મને એમ જણાય છે જે, એમનો રાજીપો મારા પર બહુ થયો છે.
એક વખત અમે વહેલા અમદાવાદ દર્શન કરવા ગયા હતા; પછી વળતાં પગરસ્તે ચાલ્યા તે વાગડ સોંસરા થઈને નીકળ્યા. માર્ગમાં એક ગામ આવ્યું ત્યાં જારનું ઝાડ હતું તે જોઈને મને કહે કે, ‘કેસરાભાઈ! આ ઝાડ મહારાજની પ્રસાદીનું છે.’ ત્યારે મેં કહ્યું કે, ‘ભાઈ! તમે ક્યાંથી જાણ્યું?’ તો કહે, ‘મને ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ કીધું છે.’ ત્યારે મેં કહ્યું કે, ‘ભાઈ! હું તમારાથી વીસ વર્ષે મોટો છું, તોય મારે એમનાં દર્શન થયાં નથી ને તમને ક્યાંથી થયાં?’ ત્યારે ભાઈ મને કહે જે, ‘આપણે મહારાજની સભામાં ભેળા હતા ને કેમ ખબર ન પડે?’ ત્યારે મેં કહ્યું, ‘ભાઈ! એ વાત હું બરાબર સમજ્યો નહિ, મને ફરી વાર સમજાવો તો ખબર પડે.’ ત્યારે પોતે મારો હાથ ઝાલીને જરા આગળ લઈ ચાલ્યા ને કહ્યું કે, ‘જુઓ! આંહી મહારાજ બિરાજયા હતા ને આ ઠેકાણે હું ને આ ઠેકાણે તમે બેઠા હતા ને આ તરફ સંતની સભા હતી.’ એમ વાત કરીને તલાવડીમાં હાથપગ ધોયા, એટલે અમારા ભેગા બીજા હરિભક્ત હતા તે બધાયને અહો! અહો! થઈ ગયું ને સૌએ પાણી માથે ચડાવ્યું.
એક વાર જાદવજીભાઈના મંદવાડમાં હું એમને નારાયણપુર જોવા ગયો હતો, ત્યાંથી બે દિવસ રહીને મેં કહ્યું કે, ‘હું વૃષપુરમાં ભાઈનાં દર્શન કરી આવું.’ ત્યારે જાદવજીભાઈએ ધનજીભાઈને મોકલી ભાઈશ્રીને નારાયણપુર તેડાવ્યા, ત્યારે અમે મળ્યા ને ઘણો રાજીપો જણાવ્યો, પણ ચાલીને આવેલા તેથી મેં કહ્યું, ‘જરા સૂવો.’ પછી તો ભાઈ ઘડીક સૂતા ને અમે છેટે બેસી મહારાજના જૂના ખરડા લખેલા તે ઉપરથી વાતો કરતા હતા. પછી પોતે ત્રીજા પહોરે જાગ્યા ત્યારે અમે વાડીએ નાહવા ગયા, ત્યાં મને પોતાની મેળાએ કહ્યું જે, ‘તમે વાતોમાં ઉત્તર સારા આપતા હતા.’ ત્યારે મને તો નવાઈ લાગી એટલે કહ્યું, ‘ભાઈ! તમે તો સૂઈ રહ્યા હતા ને આ વાત ક્યાંથી જાણી?’ તો કહે, ‘આપણે ભેગા છીએ ને એમ કેમ બોલો છો? તમારી વાત હું જાણું ને મારી વાત તમે જાણો.’
એક વાર અમારી દીકરી (નારાયણપુરમાં ધનજીભાઈને ઘેર છે તે) મને કહે, ‘બાપા! મારે એક વાત પૂછવી છે.’ મેં જાણ્યું જે, શું એ વાત હશે? ત્યાં તો વાત કરી જે, ‘એક વખત મારા સાસરા જાદવજીભાઈ ને અબજીબાપા બેય રાત્રે અમારી મેડી ઉપરના ઓરડામાં સૂતા હતા. જ્યાં હું મેડી ઉપર જાઉં ત્યાં જાણે માંહોમાંહી વાતો થાય. મેં જાણ્યું કાંઈ મહારાજની વાતો થતી હશે, તે નિસરણીનાં પગથિયાં ઓઠે બેસી સાંભળું. ત્યાં તો ઓરડામાંથી જાણે મોટા મોટા સંતો આવે ને પરસ્પર મળે ને વાતો કરે, તે જોઈ મને તો એમ થયું જે આ શું? પણ પછી તો આખી રાત એમ ને એમ થયા કર્યું તે જ્યારે સવારમાં વહેલું નાહવા ટાણું થયું ત્યારે બાપા ઊઠ્યા ને મને જોઈને અજાણ્યા થઈને કહે, ‘તમે હજી બેઠાં છો? અમે તો આખી રાત સૂઈ રહ્યા! પછી તો મેં કહ્યું જે, ‘બાપા! તમારું સૂવું બધુંય આજ મેં જાણ્યું.’ પછી તો તે હસી પડ્યા, આ વાતની પછી જાદવજીભાઈને ખબર પડી ત્યારે તે પણ પસ્તાવો કરવા મંડ્યા ને કહે, ‘હું પડખે સૂઈ રહ્યો તોય મને કાંઈ ખબર જ ન પડી.’ આટલી વાત કરીને એ દીકરીએ મને પૂછ્યું કે, ‘બાપા! એ ઓરડામાં મોટા મોટા સંતો ક્યાંથી આવ્યા હશે? ને પાછા ક્યાં ગયાં હશે?’ આ વાત સાંભળી હું એને શું કહું? મેં તો એમ જ કહ્યું, ‘બાઈ! બાપાના કામમાં આપણી કાંઈ નજર ન પહોંચે. આવી આવી તો એમની કેટલીયે વાતો છે.’
એક વાર હું સૂરજબા સાથે વહેલા ગુજરાતમાં ગયો હતો. ત્યાં મને સૂરજબાએ રાજી થઈને એમ કહ્યું જે, ‘કેસરા! તને જન્મ તો રામબાઈએ આપ્યો છે, પણ તું તો મારો અક્ષરધામનો દીકરો છું, તેથી જ્યાં હું મહારાજની સેવામાં રહીશ ત્યાં તને રાખીશ.’ આ વાત પણ ભાઈએ મને કહી દીધી ને કહ્યું જે, ‘તમને સૂરજબાએ આવું વચન આપ્યું છે તોપણ વારે વારે રાજી રહેજો, રાજી રહેજો, એમ કેમ કહો છો?’ ત્યારે મેં કહ્યું કે, ‘ભાઈ! મોટાનો રાજીપો આવતો જાય તેમ એ આશીર્વાદની પુષ્ટિ થતી જાય.’ પછી તો બહુ રાજી થઈને મળ્યા. આમ તેમણે ભાઈશ્રીનો મહિમા કહી સંતો ને રાજી રાજી કરી દીધાં.