૪૪૧ - સીનોગ્રામાં પારાયણ

0:000:00

એ વખતે સીનોગ્રામાં મિસ્ત્રી ડાહ્યાભાઈને પારાયણ કરાવવાનો વિચાર થયો, તેથી ભૂજમાં સંતો પાસે જઈને તેમણે નક્કી કર્યું. વળતાં વૃષપુરમાં બાપાશ્રી પાસે આવી પારાયણમાં પધારવા ઘણી પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રી કહે, ‘મને હજી શરીરમાં બરાબર તો નથી, પણ બે રાત આવી જઈશ.’ એ વખતે કણબીની નાતમાં જરા વિક્ષેપ હતો. તેથી ડાહ્યાભાઈને એમ જે, ‘બાપાશ્રી પધારે તો બધું દબાઈ જાય.’ એમ જાણી બહુ જ આગ્રહ કરવાથી બાપાશ્રી કહે, ‘તમે તમારે પારાયણ સુખેથી કરો ને સંત-હરિભક્તોને જમાડી રાજી કરો. હું ટાણે જરૂર પહોંચી આવીશ.’ આમ બાપાશ્રીએ પ્રસન્નતા જણાવી હા પાડવાથી તેમણે સીનોગ્રે જઈ મહા સુદમાં જોઈતા સામાનની તૈયારી કરવા માંડી ને ફાગણ માસમાં તો સહુને કંકોત્રીઓ લખી તેડાવ્યા એટલે વદ એકાદશી સુધીમાં ઘણા સંત-હરિભક્તો આવી પહોંચ્યા અને જે સંતો મૂળીથી વસંતપંચમીનો સમૈયો કરીને વૃષપુરમાં આવ્યા હતા, તેમને પણ બાપાશ્રીએ સીનોગ્રે મોકલ્યા ને કહ્યું જે, ‘તમે જાઓ, અમે પાછળથી આવશું.’

પછી જ્યારે પારાયણનો આરંભ થયો ત્યારે મિસ્ત્રી ડાહ્યાભાઈએ ભારે ધામધૂમ સાથે મહારાજ તથા પુરાણી ને સંતોની પૂજા કરી આરતી ઉતારી એટલે બ્રહ્મયજ્ઞ ચાલતો થયો. જેમ ‘સત્સંગીજીવન’ની કથા ચમત્કારી તેમ વાંચનારા વક્તા પણ એવા, તેથી સંત-હરિભક્તો એકચિત્તે સાંભળતાં સૌને સરખો ઉમંગ જણાતો હતો. મિસ્ત્રી ડાહ્યાભાઈની ઉદાર વૃત્તિ બહુ, તેથી મહારાજ તથા સંત-હરિભક્તોને અર્થે દ્રવ્ય વપરાય એટલું લેખાનું છે એમ જાણી રોજ સહુને નવી નવી રસોઈઓ કરાવી જમાડવા લાગ્યા, પણ બાપાશ્રી પધારેલા નહિ તે તાણ તેમને ઘણી રહેતી. રોજ એ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજીને કહે કે, ‘તમે અંતર્વૃત્તિએ પ્રાર્થના કરો. તમારા પર બાપાશ્રીની ઘણી પ્રસન્નતા છે. મને રાજી થઈને વચન આપ્યું છે કે, હું ગમે તેમ કરીને ટાણે જરૂર પહોંચી આવીશ, પણ આવ્યા નહિ.’ એમ વાટ જોતાં પાંચ દિવસ થયા ત્યારે પોતે હરિભક્તોએ સહિત પધાર્યા.

બાપાશ્રીના દર્શનથી સંત-હરિભક્તો રાજી તો થયા, પણ થોડા દિવસ પહેલાં મંદવાડ બહુ ગયેલ હોવાથી ગાડાંનો હડદો ન ખમાતાં બહુ થાકી ગયા હોય તેમ જણાતું હતું. બાપાશ્રીએ મંદિરમાં તથા સભામાં દર્શન કર્યા, પણ પોતાથી બેસી શકાય તેવું ન જણાવાથી ડાહ્યાભાઈએ સારી રીતે આસન પથરાવી દીધું તે પર સૂતા ને સેવા કરનારા હરિભક્તો સેવા કરવા લાગ્યા. ઘણી વારે પોતે પ્રસન્નતા જણાવીને કહ્યું જે, ‘તમે ભારે સેવા કરી મારો થાક ઉતારી નાખ્યો.’ –એમ કહી માથે હાથ મૂક્યા; પછી તો રોજ સંત-હરિભક્તો કથાવાર્તા સાંભળે ને મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન કરી રાજી થાય. કોઈ વાર બાપાશ્રી સભામાં ન આવી શક્યાં હોય તો સહુ આસને જઈ દર્શન કરે, તેથી બાપાશ્રી પાસે તો હરિભક્તો બેઠા જ હોય. જ્યારે સંત-હરિભક્તોની પંક્તિઓ થાય ત્યારે પોતે હરિભક્તોના હાથ ઝાલી ધીરે ધીરે જઈ દર્શન આપે, તેથી સહુ આનંદમાં ને આનંદમાં જમતા, રમતા ને કથાવાર્તા સાંભળતા. રોજ સભામાં પ્રસાદી વહેંચાય ત્યારે ડાહ્યાભાઈ તેમાં બાપાશ્રીના હાથ ફેરવાવીને કહે, ‘સૌને ખોબા ભરી ભરીને આપજો. આવું ટાણું વારે વારે ક્યાંથી આવે!’ પંક્તિ વખતે પણ હાથ જોડી સહુને કહે, ‘ખૂબ જમજો, કસર ન રાખજો.’ આવી તેમની ઉદારતા જોઈ બાપાશ્રી ઘણા રાજી થતા.

એક દિવસ સવારે કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી સભામાં બેઠા હતા ત્યારે સંત-હરિભક્તો પાસે આવીને બેઠા. તે ટાણે પોતે વાત કરી જે, ‘આપણને સર્વોપરી પુરુષોત્તમ ભગવાન મળ્યા તે અમૂલ્ય વસ્તુ મળી છે, મહા મોંઘી પ્રાપ્તિ થઈ છે; તેથી હવે કોઈ વાતે તેમની આજ્ઞામાં ભૂલ આવવા દેવી નહિ. આ જોગ બહુ ભારે છે, તેને સદાય સંભારી રાખવો ને હલરવલરમાં પડવું નહિ. આપણે સૌને એક સ્થળમાં રહેવું છે, તે સ્થળ કયું? તો શ્રીજીમહારાજની મૂર્તિ. એ સદાય અચળ, અખંડ ને અવિનાશી છે. માટે આ ચળ સૃષ્ટિમાંથી જુદા પડી જવું.’

એક દિવસ બાપાશ્રી આસને સૂતા હતા તે જોઈ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી કહે, બાપા! આજ ઠીક છે ને?’ ત્યારે પોતે બેઠા થયા ને કહે, ‘અમને તો સદાય ઠીક છે. અમે મૂર્તિ વિના બીજે ક્યાંય ભાગ રાખ્યો નથી અને જે અમારો જોગ કરશે, તેને પણ એવા કરવા છે. કેટલાક કહે છે કે, આને માંદવાડ આવ્યો, પણ અમે તો એમ જાણીએ છીએ જે, મહારાજ વિના અન્ય પદાર્થમાં રુચિ રહે એ જ મંદવાડ છે,’ –એમ કહી મંદિરમાં આવ્યા.

એક વખત રાત્રે વચનામૃતની કથા વંચાતી હતી, ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આજ મહાપ્રભુની દયા જીવો પર અપરંપાર છે, પણ જીવને એવા ફેર ચડી ગયા છે કે આખો દિવસ દેહની ને દેહની સેવા કર્યા કરે ને એને જ સાચવવાનું ને પંપોરવાનું તાન. જો એટલું જતન મૂર્તિનું કરે તો મહારાજ સાક્ષાત્કાર દેખાય. આજ તો સત્સંગમાં મહાપ્રભુ પ્રગટ બિરાજે છે. ભેળા તેમના મુક્ત પણ આવ્યા છે, એમ જાણવું.’ જ્યાં મહારાજ ત્યાં એમની દિવ્ય સભા હોય જ.

આ રીતે બાપાશ્રી કથાપ્રસંગે કે આસને કોઈ કોઈ વાર વાતો કરતા, તેથી સંત-હરિભક્તો અત્યંત રાજી થતા. પોતાને હજી શરીરમાં શક્તિ બહુ નહિ, એટલે પોતે જ્યાં બેસે ત્યાં ઘણી વાર બેઠા જ હોય. પછી સમાપ્તિને બે દિવસ રહ્યા ત્યારે ગામડાઓમાંથી મંડળીઓ આવતાં ગામમાં ઠાકોરજીનું ફુલેકું નીકળ્યું, ત્યારે ઘણી ધામધૂમ થઈ ને રાત્રે જ્યાં ને ત્યાં કીર્તન ને ગરબી ગવાતાં સર્વત્ર આનંદ આનંદ થઈ રહ્યો.

બીજે દિવસ સમાપ્તિ વખતે મિસ્ત્રી ડાહ્યાભાઈએ ઠાકોરજીને ભેટો મૂકી, આરતી ઉતારી તથા પુરાણી ને પુસ્તકની ચંદન-પુષ્પથી પૂજા કરી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં તેમ જ બાપાશ્રીને પણ પાઘડી બંધાવી, તે વખતે ઘણા હરિભક્તોએ પણ સંતોની પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં. પછી જમવાનો સાદ થયો ને પંક્તિઓ થઈ, ત્યારે મોટા મોટા હરિભક્તોએ સહિત બાપાશ્રી હરિભક્તોની પંક્તિઓ વચ્ચે ફરી સૌને દર્શન આપતાં ભલામણ કરતા આવે જે, ‘કોઈ ઠાકોરજીને જમાડવામાં કસર ન રાખજો.’ એ રીતે હરિભક્તોને તાણ કરી જમાડ્યા. પછી બપોરના ગામડાંના હરિભક્તો રજા લઈ ચાલવા મંડ્યા ને બાપાશ્રીએ પણ તૈયારી કરી, એ જોઈ સંત-હરિભક્તો કહેવા લાગ્યા જે, ‘બાપા! હજી બે દિવસ ખમ્યા હોત તો સૌ વધુ રાજી થાત.’ ત્યારે પોતે એમ કહ્યું જે, ‘હવે વધુ ખમાય એવું નથી. આ તો મિસ્ત્રી ડાહ્યાભાઈએ બહુ તાણ કરી હતી, તેથી જો ન આવીએ તો મહારાજ રાજી ન થાય.’ પછી મૂળીના સંતોને ગામડાંમાં થઈ વૃષપુર આવવાનું કહી પોતે ગાડામાં બેસી વૃષપુર પધાર્યા.