૭૧૫ - છેલ્લી પૂજા તથા પ્રાર્થના
ત્યાર પછી રાત્રે બાપાશ્રીના પુત્ર મનજીભાઈએ બહુ પ્રાર્થના કરીને થોડું દૂધ પાયું. તે વખતે પોતે જાગ્રત થઈ સૌના સામું અમૃતનજરે જોયું; તે સમયે જે જે સંત-હરિભક્તો પાસે હતા તેમણે બાપાશ્રીની અતિ પ્રસન્નતા જોઈ ચંદન, કુંકુમ તથા પુષ્પહારથી પૂજા કરવા ઇચ્છા કરી, શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઘીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ કરી, મૂર્તિને ફૂલના હાર પહેરાવ્યા; ને બાપાશ્રીને પણ ચંદન ચર્ચી કુંકુમના ચાંદલા કરી ફૂલના હાર પહેરાવ્યા; પછી આરતી ઉતારી સહુએ દંડવત્ કર્યા, તે વખતે બાપાશ્રીએ સૌના ઉપર પ્રસન્નતા જણાવી સામું જોયું, તેથી સહુ પ્રાર્થના કરવા લાગ્યા, પણ પોતે કાંઈ બોલ્યા નહિ અને એ વખતે જાણે સમાધિ થઈ હોય તેમ નેત્ર મીંચી સ્થિર થઈ ગયા, તેથી હરિભક્તો સહુ ચિંતા કરતા વિચાર કરવા લાગ્યા.