૫૦૯ - મગનલાલને દર્શન આપ્યાં
એ વખતે ઘરમાં સૌ વાટ જોઈ રહ્યા હતા તે રાજી થયા ને પગે લાગી જય સ્વામિનારાયણ’ કર્યા. મગનલાલને પણ ઠીક હતું, તેથી તેણે ઊઠીને બાપાશ્રીને ‘જય સ્વામિનારાયણ’ કરી ખોળામાં માથું મૂક્યું, પણ શરીર બહુ લેવાઈ ગયું હતું, તેથી બાપાશ્રી વારે વારે તેના માથે હાથ ફેરવી કહેવા લાગ્યા જે, ‘બચ્ચા! ઠીક થઈ જશે. મૂંઝાઈશ મા.’ એ ટાણે મોતીભાઈ કહે, ‘બાપા! મગન રહે તેવું નહોતું. પણ આપે દર્શન દઈને રાખ્યો છે. જે દિવસ આપને ગાડી તેડવા મોકલી તે દિવસ રાત્રે વધુ વસમું લાગતાં મંદિરમાંથી સંતોને દર્શન દેવા બોલાવ્યા હતા. એ વખતે તો ઘડી ઘડી મોઢે ફીણ આવી જાય ને જરા જરા કંઠ ચાલે, નાડીનું કાંઈ ઠેકાણુંય નહોતું. એવું જોઈ ઘરમાંથી તો બધાએ આશા મૂકી હતી, પણ આપ પધાર્યા નહોતા એટલી તાણ સૌને અંતરમાં રહેતી. ત્યાં તો મગનને આપનાં દર્શન થયાં, તેથી એ પગે લાગવા માંડ્યો. એ ટાણે સંતો બેઠા હતા તે સહુને એમ થયું જે, હવે આ રહેશે નહિ; આ તો છેલ્લી વારનાં ચિહ્ન છે.’ એમ જાણી એ ઊઠવાનું કરતા હતા ત્યાં તો મગન આપના દર્શનની વાત કરવા મંડ્યો, ત્યારે સંતોએ જાણ્યું જે, ‘હવે મહારાજની દયાથી ઠીક થાય તો કહેવાય નહિ.’ થોડી વારે સંતો ગયા પછી મેં પૂછવા માંડ્યું તોય એ તો એમ ને એમ દર્શનની જ વાત કરતો હતો. તે દિવસથી થોડે થોડે ઠીક થતું જાય છે.’ આ વાત સાંભળી બાપાશ્રી કહે, ‘હવે આની ચિંતા ન રાખજો, અમે આવશું ત્યાં તો એને ઠીક થઈ જશે.’
એમ કહી ગાડીમાં બેસી બારોબાર સ્ટેશને આવ્યા ત્યાં તો સ્વામીશ્રી આદિ તથા વળાવવા આવેલા ભૂજના સંતો અને ઘણા હરિભક્તો બાપાશ્રીની વાટ જોઈ ઊભા હતા તે સૌએ બાપાશ્રી તથા સ્વામીશ્રીની ચંદન-પુષ્પથી પૂજા કરી, કેટલાકે હજારી ફૂલના હાર પહેરાવ્યા; પછી સમય થયો જાણી સ્વામીશ્રી આદિ સહુ ગાડીમાં બેઠા. તે વખતે બાપાશ્રીએ ભૂજના સંતો પાસે એમ વાત કરી જે, ‘અહીં હજી કેટલાકનાં મનમાં એમ છે જે, યજ્ઞ નહિ થાય ને ત્યાં જઈને સહુ પાછા આવશે, પણ યજ્ઞ તો કયારનોય શરૂ થઈ ગયો છે ને અમે જઈએ છીએ તે એમ ને એમ પાછા નહિ આવીએ; જયજયકાર કરીને આવશું. માટે જેને આવવું હોય તે આવતી કાલે ધનજીભાઈ સાથે આવજો. એમ કહેતા હતા ત્યાં ગાડી ઊપડી તે તૂણે થઈ જામનગર આવ્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી ચોથને દિવસ સવારે રેલે બેસી રાજકોટ થઈ સૌ મૂળી સ્ટેશને પહોંચ્યા.