૪૫૬ - વિક્ષેપની પ્રવૃત્તિ અને મતભેદ
આવી રીતે એક તરફ અનાદિ મુક્તરાજ બાપાશ્રી પોતાના જોગ-સમાગમવાળા, સંત-હરિભક્તોને ઐશ્વર્ય-પ્રતાપ જણાવી સુખિયા કરતા હતા, ત્યારે બીજી તરફ સદ્ગુરુઓ તથા મૂળીના સંતો ગુજરાતમાં ગયા પછી મૂળી, અમદાવાદ વગેરે ઠેકાણે ખટપટ કરનારા રાગદ્વેષવાળા માણસો તરફથી વિક્ષેપની પ્રવૃત્તિ વધતી જતી હતી. આ વિક્ષેપનું મુખ્ય કારણ એ હતું જે, ધર્મધુરંધર આચાર્યશ્રી પુરષોત્તમપ્રસાદજી મહારાજ ધામમાં પધાર્યા પછી ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ નાની ઉંમરમાં ગાદીએ આવવાથી કેટલાંક વર્ષ સુધી ટ્રસ્ટીઓ મંદિરનો વ્યવહાર ચલાવતા. પછી આચાર્યશ્રી જ્યારે ઉંમર લાયક થયા ત્યારે વ્યવહાર બધો પોતે સંભાળવા લાગ્યા, પણ તેમને કેટલાક આ લોકના ડહાપણ-ચતુરાઈવાળા તથા કાયદા જાણનારા મનુષ્યોના પ્રસંગથી મનમાં એમ જ ઠસી ગયું કે, બધા મંદિરોની મિલકત તે આચાર્યની ખાનગી મિલકત ગણાય, આથી થોડે થોડે દરેક કાર્યમાં પોતે સ્વતંત્રતા વાપરવા માંડી.
(શ્રીજીમહારાજે સંપ્રદાયમાં એવી અલૌકિક રીત પ્રવર્તાવી છે કે, આચાર્ય, ત્યાગી, સાંખ્યયોગી, કર્મયોગી, બાઈ-ભાઈ એ સહુસહુના ધર્મની રીતભાત જુદી જુદી અને એ સર્વેમાં આચાર્યશ્રીની મહત્તા જણાવી મોટેરા સંત તથા મોટેરા હરિભક્તોએ મળી મંદિરનો વ્યવહાર ચલાવવાની આજ્ઞા કરી છે તેમ જ ત્યાગી, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ તથા સાંખ્યયોગી બાઈઓ વગેરે પોતપોતાના ધર્મ પાળે ને પળાવે અને એ સૌ દેવમંદિરની પુષ્ટિ કરે, પણ બધાં મંદિરોની મિલકત એ તો દેવની જ ગણાય અને જે નામ, ભેટ વગેરે આચાર્યશ્રીને આવે તે એમની ખાનગી મિલકત ગણાય. આ હેતુથી દેવ તથા આચાર્યશ્રીના કોઠાર પણ જુદા જુદા રાખેલા.)
શ્રીજીમહારાજે જ્યારથી સંપ્રદાયની બાંધણી કરી ત્યારથી એ રીતે આચાર્યશ્રી તથા સંત-હરિભક્તો મળી વ્યવહાર ચલાવતા, તેમાં કોઈ વાર સહેજ વાંધા પડ્યા હોય કે કોઈ વાતમાં મતભેદ જણાયા હોય તોય તે જુદા પ્રકારના; પણ દેવની મિલકતને આચાર્યની ખાનગી મિલકત કહેવરાવવાની વાત તો ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજના વખતથી જ ઉત્પન્ન થઈ. પછી તો તેમના તરફથી ધીરે ધીરે દેવની મિલકતમાં નામ, ઠામ કે વહીવટ વગેરેમાં ફેરફારો થતા જણાયા.
આ વાતની જાણ થતાં સંત-હરિભક્તોમાં ઘણાને એ રુચ્યું નહિ, તેથી કેટલાકે તો તેમને પ્રાર્થના વિનય કરી સમજાવવાના ઉપાયો કરવા માંડ્યા, પણ એ કોઈની વાત તેમના માન્યામાં આવી નહિ ને ઊલટા તેમની હાએ હા કરનારા સ્વાર્થી માણસો તેમને આડુંઅવળું સમજાવી મદદમાં ઊભા રહ્યા. આથી સંપ્રદાયમાં ઘણા વખતની ચાલી આવતી રીતભાતને જાણનારા મોટા મોટા સંત-હરિભક્તો જાહેરમાં ઉઘાડા ઊઠ્યા કે, આ વાત કોઈ દિવસ બનશે નહિ.
પછી તો પરસ્પર મતભેદ તથા પક્ષપાતને લીધે એકબીજામાં પક્ષ ગણાવા લાગ્યા. એક પોતાને દેવપક્ષના કહે તો બીજા પોતાને આચાર્યપક્ષના છીએ એમ કહે; આવું કેટલાક સમય સુધી ચાલતું રહ્યું.
ત્યાર પછી વળી ઝાલાવાડ દેશના મૂળી મંદિરનો વહીવટ જે ઘણા સમયથી રાધાકૃષ્ણ દેવના નામે આચાર્યશ્રીની દેખરેખ નીચે સાધુઓ તથા હરિભક્તો મળી ચલાવતા હતા, તેમાં પણ આચાર્યશ્રીએ પોતાની સત્તા બેસારવાના ઈરાદાથી તેમના કારભારી તથા પાળાઓને ત્યાં મોકલાવ્યા ને મહંતાઈનો પોતાની ઇચ્છા મુજબ ફેરફાર કરવા હુકમ થયા. સંતોને એ વાતનો કાંઈ આગ્રહ નહોતો તેથી તેમણે ઝાલાવાડ દેશના મોટા મોટા હરિભક્તોને સાથે રાખી મંદિરનો ચાર્જ સોંપવા માંગણી કરી, એ વાત પણ તેમને રુચી નહિ. આવાં કેટલાંક કારણોથી મતભેદ વધી જતાં પરિણામ એ આવ્યું કે, આ વાત કોર્ટદરબારે ગઈ, છેવટે કોઠાર-ભંડારે સીલ દેવાયાં ને રિસીવરની નિમણૂંક થઈ. આથી મૂળીના સંતો તથા ઝાલાવાડ દેશના હરિભક્તોના મન દુ:ખાયાં, પણ તુરતમાં શું કરે? એ વખતે તો સહુએ મળી ધીરજ રાખી બનતી રીતે મંદિરનું કામકાજ ચાલતું રાખ્યું. પછી મોટા મોટાએ મળી વિચાર્યું જે, હવે શું કરવું?
અમદાવાદ દેશમાં પણ આ વાત સંત-હરિભક્તોમાં ઘણાને ગમતી નહોતી, તેથી સદ્ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી નારાયણસેવકદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, પુરાણી નંદકિશોરદાસજી તથા મૂળીના સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી, સ્વામી ગુણાતીતદાસજી વગેરે મોટા મોટા સંતો તથા ગુજરાત, ઝાલાવાડ, કચ્છ વગેરે દેશના મોટા મોટા હરિભક્તોએ ભેળા મળી વિચાર કરતાં સહુને એમ થયું જે, કોઈ રીતે આ વાતનું નિરાકરણ કરવા આચાર્યશ્રીને આપને રૂબરૂ મળી સમજાવીએ તો ઠીક. પછી અનાદિ મુક્તરાજ બાપાશ્રીને કચ્છમાંથી મૂળીએ બોલાવી તેમના હસ્તક આ વાતચીત કરવી એવો સહુનો મત થયો.
આ વિચારથી મૂળી, અમદાવાદ વગેરેનાં સંત-હરિભક્તોએ મળી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, 'તમે બાપાશ્રીને આ બધી વાત સમજાવી શકશો ને બાપાશ્રી તમારું માનીને અહીં આવવાનું કરશે. જો બીજા કોઈ જશે તો આ ખટપટની વાત જાણી પોતે આવશે નહિ, માટે તમે જ પ્રાર્થના કરી બાપાશ્રીને સમૈયામાં તેડી લાવો. જેમતેમ કરતાં આ વિક્ષેપની વાત આટલેથી ટૂંકી થઈ જાય તો સારું; નહિ તો આમાંથી કલેશ વધતો જ જશે કારણ કે હવે લીધા-મેલી વાત થઈ છે ને બીજા કોઈનું મનાય તેમ જણાતું નથી.'