૪૪૭ - પરસ્પર હેત અને મહિમા

0:000:00

આવી રીતે પ્રસન્ન થકા ઘણી વાર વાતો કરી સંતોને સુખિયા કરતા ને ગામના હરિભક્તો વારાફરતી રસોઈઓ લાવે તે ઠાકોરજીને જમાડતા; તેમાં કેટલાક હરિભક્તો તો કેરીઓ લાવે ને બાપાશ્રીને જમાડવાનું કહે, ત્યારે સદ્‍ગુરુઓ સારી કેરીઓ જોઈ જોઈને બાપાશ્રીને આપે ને કહે જે, ‘આ ઠાકોરજીને જમાડજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે ઠાકોરજીને જમાડો, તે ભેળા અમે જમશું. મહારાજ ભેળા અનંત મુક્ત છે તે મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરે છે ને અમૃતના યજ્ઞ કરે છે.’ –એમ કહે, તોપણ સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી બહુ જ આગ્રહ કરી દડિયામાં રસ કાઢી મહારાજને જમાડી આવે ને કહે ‘ આટલો રસ જમો.’ ત્યારે પોતે હથેળીમાં લઈ જમે ને કહે જે, ‘આ રસ જરા ખાટો છે. તમે બધાય સંતને થોડો થોડો જમાડી દ્યો,’ –એમ કહેતાં પોતાના હાથમાં દડિયો લઈ સૌને થોડો થોડો વહેંચી આપે.

ક્યારેક ગામના હરિભક્તો પોતાને ઘેર સંતોને તેડી જઈ રસોઈ કરાવી જમાડે, ત્યારે પોતે હરિભક્તોને સાથે લઈ તેમને ઘેર જઈ ઘણી પ્રસન્નતા જણાવી આશીર્વાદ આપે. હરિભક્તો હાર પહેરાવવા આવે તે લઈ બાપાશ્રી પહેલી સંતોની પૂજા કરે, ત્યારે સંતો પણ બાપાશ્રીની પૂજા કરવા આગ્રહ કરે. પંક્તિ થાય તે વખતે તો સંતો ગમે તેટલી ના પડે તોય દંડવત્ કર્યા વિના રહે જ નહિ. પોતે ઘેરથી ગોળ, સાકર, તલ વગેરે લાવે તે ઠાકોરજીને જમાડી સંતોને પ્રસાદી વહેંચે.