૨૩૩ - ભૂજ મંદિર પર કળશ ચડાવ્યા
ભૂજ મંદિર પર કળશ ચડાવવા નિમિત્તે હરિભક્તો ગામોગામથી આવેલ હતા, તેથી પાંચમનો દિવસ સમૈયા જેવો લાગતો હતો. રાત્રે કથા, વાર્તા, નિત્યનિયમ કરી સૌએ આસન કર્યાં ને છઠ્ઠની સવારમાં તો વહેલી મંગળાઆરતી થઈ એટલે સંત-હરિભક્તો નાહી પૂજા કરી પરવાર્યા ને ઠાકોરજીના શણગાર થયા. પછી સારા ચોઘડિયામાં કળશની પૂજાવિધિ થવા માંડી. એ ટાણે ચોધડિયાં ને શરણાઈના નાદથી મંદિર ગાજતું હતું, ત્યાં હરિભક્તો ઉત્સવ કરવા લાગ્યા. આવી ધામધૂમ જોઈ ગામના માણસો દર્શને આવતાં ભીડ વધતી ગઈ. વિધિ થઈ રહેવા આવ્યો ત્યારે સંતો તથા બાપાશ્રીએ આવીને સૌને દર્શન આપ્યાં ને આરતી થઈ એટલે ધામધૂમથી મંદિર પર કળશ ચડાવ્યા. થોડી વારે ઠાકોરજીના થાળ થયા ને સંત-હરિભક્તો જમ્યા એમ આનંદ-ઉત્સવ થઈ રહ્યો.