૬૫ - મોટાનો મહિમા મોટા જાણે

0:000:00

ભાઈશ્રી તો થોડી વારે પાછા મંદિરમાં આવી ઉતારે સંઘના હરિભક્તો પાસે બેઠા ને ઘણી વાર મહારાજના મહિમાની વાતો કરી. પછી સ્વામીશ્રીને આસને આવ્યા તે વખતે સ્વામીશ્રીએ ભાઈશ્રીને માટે ફળાહાર તૈયાર કરાવેલ, તેથી આગ્રહ કર્યો. ભાઈશ્રી કહે, ‘સ્વામી! હું હરિનવમી તથા ચોમાસાની એકાદશીએ ફળાહાર કરતો નથી.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘તમારું શરીર સારું નથી, તેથી મને એમ જ થયું કે આજ તો ફળાહાર કરાવીશ, માટે આજ મારા વચને કરો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘સ્વામી! તમે પણ બે ગ્રાસ ઠાકોરજીને જમાડો તો મને કહો, નહિ તો રાજી રહો.’ ભાઈશ્રીનું શરીર ઠીક ન રહેતું. તેમ બેત્રણ વખત માર્ગમાં સમાધિમાં બબ્બે ચાર ચાર દિવસ રહેલા, તેથી તાણ પડશે એમ જાણી સ્વામીશ્રીએ તેમને રાજી કરવા હા પાડી. એ જ વખતે ભાઈશ્રીને લઈને સ્વામીશ્રી આસનની પાસે અગાસીમાં પધાર્યા ને શિંગોડાંના લોટનો શીરો તથા સૂરણનું શાક કરાવેલ તે પીરસ્યું ને અતિ હેતે તાણ કરીને ભાઈશ્રીને જમાડ્યા. એવી જ રીતે ભાઈશ્રીએ સ્વામીને તાણ કરી જમાડ્યા. એ બન્ને નિર્ગુણ મુક્તોનાં નિર્ગુણ હેત, તેમાં શું બાકી રહે? એવાં દર્શન કરનારાનાં પણ અહોભાગ્ય!