૯૦ - અ. મુ. લક્ષ્મીરામભાઈને ઘેર માખણની પ્રસાદી

0:000:00

એક વખત ભાઈશ્રી કુંવરજીભાઈને સાથે લઈ માંડવીમાં ઠાકોરજી તથા અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈનાં દર્શન કરવા ગયા હતા. તે દિવસ લક્ષ્મીરામભાઈને ઘેર ગામડેથી મહિમાવાળા ત્રણચાર કણબી હરિભક્તો દર્શન કરવા આવેલા તે બેઠા હતા, ને લક્ષ્મીરામભાઈ તેને મહારાજના મહિમાની વાતો કરતા હતા. જ્યારે એ ઊઠવા માંડ્યા ત્યારે પોતાને એમ થયું જે, કાંઈ પ્રસાદી જેવું હોય તો મહારાજને જમાડીને આમને આપીએ. પછી ઘરમાં જઈને જોયું તો પોતાને ઘેર ગાય દૂઝણી હોવાથી છાશ કરેલ, તેથી વાટકામાં માખણ પડ્યું હતું તેમાં દળેલી સાકર નાખવા માંડી ને હરિભક્તો ઊઠતા હતા તેને કહ્યું જે ‘બેસો! આ મહારાજને જમાડીને આપું, તે પ્રસાદી લઈને જાઓ.’ ત્યારે તે હરિભક્તોએ જાણ્યું જે, માખણ બધુંય આમ વાપરી નાખશે તેથી ઊઠવા માંડ્યું ને કહ્યું જે, ‘અમારાથી આવી પ્રસાદી ન લેવાય.’ આમ હજી વાત કરતા હતા ત્યાં તો લક્ષ્મીરામભાઈએ માહીં સાકર ભેળવી દીધી. એ વખતે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી તથા કુંવરજીભાઈ પણ મંદિરમાં દર્શન કરી તેમને ઘેર આવ્યા ને અતિ હેત જણાવી પરસ્પર દંડવત્ કરી મળ્યા. પછી લક્ષ્મીરામભાઈએ માખણ ને સાકર ભેળી કરેલ મહારાજને જમાડી ભાઈશ્રી પાસે મૂકી કહ્યું, ‘જે લ્યો! આટલું મહારાજને જમાડો ને થોડી પ્રસાદી આ હરિભક્તોને આપો.’ તે કહે છે કે, ‘તમારું માખણ અમથી કેમ જમાય? કાંઈ સાધારણ વસ્તુ હોય તો ઠીક, માટે તેને પણ આજ્ઞા કરો.’ ભાઈશ્રીએ જાણ્યું જે, ‘આ લક્ષ્મીરામભાઈએ અંતર્યામીપણે આપણને આવતા જાણીને મહારાજને માખણ જમાડ્યું લાગે છે. માટે જમાડશું તો જ રાજી થશે.’ એમ જાણી થોડી થોડી પ્રસાદી સૌને આપવાનું કરતાં જે હરિભક્તો મૂંઝાતા હતા તેને પોતે એમ કહ્યું જે, ‘તમારી વાત પણ ખરી છે કે બ્રાહ્મણનું જેટલું ઓછું લેવાય એટલું સારું. વળી સાધારણ વસ્તુમાં મૂંઝવણ ન થાય એ પણ ખરું. પણ આ તો મોટાની કૃપાપ્રસાદી છે. તમે મૂંઝાતા હો તો હું આ વાતનો નિર્ણય કરી આપું. જુઓ! શ્રીજીમહારાજના લાડીલા ને હજૂરી મુક્ત લક્ષ્મીરામભાઈ જેવાને ઘેર ગાય હોય ને તેનાં દહીં, દૂધ ને માખણ રોજ મહારાજ હેતે સહિત જમતા હોય, વળી તેવી પ્રસાદી રાજી થઈને પોતે આપતા હોય, અને એવા જ પાછા કહેનારા મળે, આવો બધોય જોગ ભેગો થઈ ગયો હોય ત્યારે તો એ પ્રસાદી જમનારાને મહારાજના દિવ્ય સુખની પ્રાપ્તિ થાય. બીજે તો જેમ ઘટતું હોય તેમ કરવું,’ એમ કહી પોતાને હાથે લક્ષ્મીરામભાઈ, કુંવરજીભાઈ અને તે હરિભક્તોને પ્રસાદી આપીને પોતે પણ થોડું જમ્યા, તેથી લક્ષ્મીરામભાઈ ઘણા રાજી થયા.