૫૮૨ - ધનજીભાઈ તથા છોકરાઓને મંદવાડમાં દર્શન

0:000:00

ત્યાર પછી પોષ મહિનામાં ટાઢ વધુ પડવાથી નારાયણપુરવાળા ધનજીભાઈને શરદીનો મંદવાડ ઘણો થઈ ગયો ને ઓચિંતાના છેલ્લા મંદવાડ જેવાં ચિહ્ન જણાવા માંડ્યાં, તેથી ઘરમાંથી સહુએ મૂંઝાઈને વૃષપુર ખબર મોકલાવ્યા, એટલે બાપાશ્રી તુરત નારાયણપુર આવ્યા. તે વખતે ધનજીભાઈનો ખાટલો મંદિરવાળા ઘરમાં હતો ત્યાં બેસીને બાપાશ્રીએ મહારાજના મહિમાની વાતો કરવા માંડી. ભૂજના સંતોને પણ ધનજીભાઈના મંદવાડની ખબર હોવાથી એ વખતે ત્યાં સ્વામી મહાપુરુષદાસજી તથા ભક્તિપ્રિયદાસજી આદિ મોટા મોટા સંતો દર્શન દેવા આવ્યા. તે ટાણે હરિભક્તો ઘણા ભેળા થઈ જતાં ઓરડો બધો સંત-હરિભક્તોથી ભરાઈ ગયો. સૌ ઊભા હતા ને સંતો ‘આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ’ એ કીર્તનનાં ચારેય પદ બોલ્યા; કીર્તન પૂરું થતાં ધનજીભાઈનું હૃદય ભરાઈ આવ્યું ને બેઠા થવા માંડ્યા પણ બેઠું ન થવાતાં તેમના દીકરા રામજી તથા હરજીએ બેઠા કરી ઝાલી રાખ્યા. પછી ધનજીભાઈએ વચેટ દીકરા લાલજીને કહ્યું કે, તું કંકુ લાવ્ય, મારે બાપાશ્રી તથા સંતોની પૂજા કરવી છે. પછી તે કંકુ લાવ્યા, તે લઈ તેમણે સંતોને પોતાના હાથે ચાંદલા કરી ધોતિયાં ઓઢાડ્યાં ને બાપાશ્રીને ચાંદલો કરી પાઘડી બંધાવવા માંડી ત્યારે બાપાશ્રી કહે, ‘ધનજી! અત્યારે પાઘડીનું કાંઈ નહિ.’ આ વચન સાંભળી ધનજીભાઈ કહે ‘બાપા! આજ મને ના પડશો નહિ, મારા પર તો તમારે રાજી રહેવું ખપે!’ એમ કહી પાઘડી બંધાવવા માંડી ને બોલ્યા જે, ‘મારી આ છેલ્લી સેવા છે, તે તો દયા કરીને તમારે અંગીકાર કરવી જોઈએ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ધનજી, બચ્ચા! એમ કેમ બોલે છે! હજી તો આપણે સત્સંગનાં કેટલાંક મોટાં મોટાં કામ કરવાં છે.’ એવાં વચન સાંભળી ધનજીભાઈની આંખોમાં હેતનાં આંસુ આવી ગયાં ને સંતોને કહેવા લાગ્યા જે, ‘તમે મારી વતી બાપાશ્રીને કહો કે, હવે મને રાજી થઈને રજા આપે ને ફેરબદલી ન કરે, હવે તો મારી વૃદ્ધ અવસ્થા થઈ, તેથી આ કલેવરમાં રાખવા કરતાં મહારાજની મૂર્તિનું સુખ આપો તો ઠીક!’ ત્યારે સંતો કહે કે, ‘ધનજીભાઈ! તમે હિંમત રાખો, દિલગીર ન થાઓ. મોટા જે કરતા હશે તે ઠીક કરતા હશે, આપણે તો આવા મોટાને મન, કર્મ, વચને રાજી કરી બને તે સેવા કરવી. એ અહીં રાખે તોય રાજી રહેવું અને મહારાજ પાસે લઈ જાય તોય તૈયાર થઈ રહેવું.’ ત્યારે ધનજીભાઈ સંતોને કહેવા લાગ્યા જે, ‘મહારાજ! તમે પણ એ જ પક્ષમાં ભળ્યા. હવે તો જેમ મહારાજને ગમે તેમ ખરું.’ એમ કહીને સૂતા. પછી સંતોએ પાસે બેસી થોડી વાર મોટા મોટા સદ્‍ગુરુઓના મંદવાડની વાતો કરી, ધીરજ રાખવાની ભલામણ કરી સૌ મંદિરમાં ગયા. તે વખતે ધનજીભાઈએ તેમના દીકરાઓને કહીને રસોઈનો સામાન મોકલાવ્યો ને કહ્યું જે, ‘સંતોને પાસે રહી જમાડજો ને જાય ત્યારે ગાડું લઈને મૂકવા જજો.’ ત્યારે લાલજીભાઈ કહે, ‘બાપા! સંતો સિગરામ લઈ આવ્યા છે ને બળદને આપણી વાડીએ ચરો નાખ્યો છે.’ ત્યારે કહે, ‘ઠીક.’ પછી નાના દીકરા હરજીને પોતાની પાસે વાચનામૃત વાંચવાનું કહ્યું, તેથી એ વાંચવા મંડ્યા ને બાપાશ્રી પાસે બેઠા હતા તે એકચિત્તે સાંભળવા લાગ્યા ત્યાં ધનજીભાઈની બહેન અમરબાઈ આવ્યાં. તેમણે પ્રાર્થના કરી જે, ‘બાપા! ધનજીભાઈને મંદવાડ ઘણો છે અને કાંઈ ખવાતું નથી, તેથી શરીર સાવ લેવાઈ ગયું છે. આજ સવારે નાહવા સારુ ઊઠવા માંડ્યું, પણ ઉઠાણું નહિ; તેથી માંડ માંડ માંચીમાં બેસારી નવરાવ્યા. આજ તો તમે અહીં જમો ને એમને કાંઈક જમાડો તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સાજાનું ને માંદાનું જમવાનું એક ન હોય. એના સારુ સાબુદાણાની કાંજી કરી લાવો તો જમાડીએ.’ એમ કહેવાથી તે તુરત કાંજી કરીને લાવ્યાં. તે લઈ બાપાશ્રીએ માંચી પર બેસી પોતાને હાથે તેમને જમાડી. પછી પોતે રસોડામાં જમવા આવતા હતા ત્યાં ઘરમાં મોટા દીકરા રામજીભાઈનો દીકરો દેવરાજ તથા એક ગગી અને નાના દીકરા હરજીનો છોકરો માવજી, એ ત્રણેયને માતા નીકળેલાં તેથી તેમના પાસે ઘરનાં બાઈઓ સૌ ઉદાસ થઈને બેઠાં હતાં.

આ સર્વેમાં દેવરાજને માતાની વ્યાધિ ઘણી હોવાથી તેને ઓચિંતાનાં મોઢે ફીણ આવી જાય ને એ ટાણે આંખો સ્થિર થઈ જતાં બેભાન જેવું થઈ જાય, એવું દિવસ ને રાત વચ્ચે છ-સાત વાર થાય, તે કોઈ વાર થોડી વાર થાય ને કોઈ વાર તો અર્ધો કલાક ને કલાક જેટલું પણ રહે. આ બધી વાત કેસરબાઈ તથા અમરબાઈએ બાપાશ્રીને કરી, તેથી બાપાશ્રીએ ગુંજામાંથી પ્રસાદી કાઢી તેના મોઢામાં આપી ને સાબુદાણાની કાંજી મગાવી તેને પણ પોતાના હાથે જમાડી. પછી પોતે હાથપગ ધોઈ રસોડામાં આવીને થોડું જમ્યા ને બોલ્યા જે, ‘ઘરમાં મંદવાડ ઘણો છે ને મહારાજ આંટાફેરા કરે છે, તે શું થાશે એ કાંઈ કહેવાતું નથી, પણ એકાદ મુક્તને તો મહારાજ જરૂર તેડી જશે, એમ જણાય છે.’ એમ કહી મંદિરમાં ગયા ત્યાં સંતની પંક્તિ થઈ ત્યાં સુધી બેઠા ને સંતો જમી રહ્યા પછી વચનામૃતની કથા કરી, એ સર્વે ભૂજ ગયા ને બાપાશ્રી તેમને મળીને ધનજીભાઈને ઘેર આવ્યા.

ત્યાં વળી ભૂજથી સાંખ્યયોગી બાઈઓ પાર્વતીબાઈ તથા અંજારવાળાં મોંઘીબાઈ વગેરે ધનજીભાઈને માંદા સાંભળી જોવા આવેલાં તેમને ‘જય સ્વામિનારાયણ’ કરી મંદવાડના સમાચાર પૂછ્યા એટલે ધનજીભાઈ તેમને પગે લાગીને બોલ્યા જે, ‘તમે મને આવે વખતે દર્શન દેવા આવ્યાં તે બહુ સારું કર્યું. પણ બાપાશ્રીને મારી વતી કહેજો કે, ‘પ્રથમ બે વખત મારી ફેરબદલી કરી તેમ આ ફેરે ન કરે ને રાજી થઈને મને રજા આપે.’ ત્યારે પાર્વતીબાઈ કહે, ‘ધનજીભાઈ! બાપા જેમ ઠીક થતું હશે તેમ કરતા હશે. આપણે તેમને કાંઈ કહેવું નહિ. જેમ રાખે તેમ રાજી રહેવું. તમે તો જીવનપર્યંત બાપાશ્રીની અનુવૃત્તિ સાચવી છે; વળી સત્સંગની તથા મોટા મોટા સંતોની અને ધનાબાફઈ જેવાં મુક્તની ખૂબ સેવા કરી છે. હજી પણ મહારાજ તમને રાખે તો સેવા કર્યા કરજો.’ પછી પોતે એમ બોલ્યા જે, ‘ત્યારે તો થયું! મારે કાંઈ કહેવાનું ન રહ્યું. એ જેમ ફાવે તેમ કરે.’ પછી લાલજીભાઈ પાસેથી પચીસ કોરીઓ મગાવી તે બધાં બાઈઓને સાડલાની કરીને આપી ને કહ્યું જે, ‘રસોઈનો સામાન મંદિરમાં મોકલાવું છું, તે મહારાજને સારી રીતે જમાડજો.’ એમ કહી તેઓ મંદિર ગયા ત્યારે સીધું મોકલાવી જમાડ્યા ને સાંજના ગયા ત્યારે ભાડે કરીને ગાડું લાવેલ તેની કોરીઓ પણ અપાવી. બાપાશ્રી પણ એ વખતે તે બાઈઓને તથા ધનજીભાઈને ‘જય સ્વામિનારાયણ’ કરી વૃષપુર પધાર્યા.

એ જ રાત્રે નારાયણપુરવાળાં મોંઘીબાઈને એવું સ્વપ્ન આવ્યું કે, બાપાશ્રી નારાયણપુરમાં આવીને તેમને પૂછવા લાગ્યા જે, ‘ઘરમાં છોકરાંને તથા ધનજીને મંદવાડ ઘણો છે ને મહારાજ આંટાફેરા કરે છે તે હવે કેને મૂકશું?’ ત્યારે મોંઘીબાઈ કહે, ‘બાપા! રામજીને આ એક જ દીકરો છે, તેને મૂકો તો ઘર સૂનું થઈ રહે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘માવજીને મૂકશું?’ ત્યારે તે બાઈ કહે, ‘હરજીને પણ એક જ છે ને પ્રથમ તેનો નાનો ભાઈ હતો, તેને તો તમે તેડી ગયા છો!’ ત્યારે બાપાશ્રી કહે, ‘રામજીની ગગીને મૂકીએ તો કેમ?’ ત્યારે તે કહે, ‘જેમ આપની મરજી.’ ત્યાં તો બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. પછી એ મોંઘીબાઈ જાગ્યાં ત્યારે તેમને આ વાત ઘરમાં અમરબાઈ વગેરેને કરી; તેથી સૌએ જાણ્યું જે, ‘હવે બને તે ખરું. બાપાશ્રી અહીં આવશે ત્યારે પૂછી જોશું.’ પણ બીજે દિવસ વાટ જોઈ જોઈને સહુ થાક્યાં તોય બાપાશ્રી આવ્યા નહિ.

પછી રાતના નવ વાગ્યા ત્યારે દેવરાજ સૂતો હતો તે ઓચિંતાનો જાગીને તેના બાપને રાડો પાડી કહેવા લાગ્યો જે, ‘બાપા! એ બાપા! જુઓ તો ખરા. આ અબજીબાપો મારા દુ:ખને નડી(ડોક)માં ફાળિયું નાખીને લાકડીથી મારતા મારતા બજારમાં ઢસરડી જાય છે.’ ત્યારે રામજીભાઈ કહે, ‘દેવરાજ બચ્ચા! તું સૂઈ જા. બાપાની આપણા પર દયા છે. તેથી આપણી રક્ષા કરવા એ જે કરતા હશે તે ઠીક કરતા હશે.’ એવાં વચન સાંભળી તે સૂઈ ગયો ને એ વખતથી જાણે માતાનું કે મોઢે ફીણ આવવાનું દુ:ખ મટી જ ગયું હોય તેમ નિરાંત થઈ ગઈ. પણ પાછો એ રાતના એક વાગ્યે ઓચિંતાનો જાગીને તે જ રીતે રાડો પાડવા મંડ્યો જે, ‘એ બાપા! તમે અહીં આવો, કેમ સૂઈ રહ્યા છો? જુઓ તો ખરા! આ ફરી વાર અબજીબાપો આવ્યા. તે આપણી ગગીને લઈ જાય છે.’ આવાં વચન સાંભળીને રામજીભાઈ જાગી ગયા ને જાણ્યું જે, ‘આ આમ શું બોલે છે!’ પછી દીકરીના ઘોડિયા પાસે જઈને જુએ તો તેને મોઢે ફીણ આવી ગયેલાં, તે જોઈ તુરત ભોંય સૂવારીને ઘરમાંથી સર્વેને જગાડ્યાં. તે સૌ આવીને ધૂન્ય કરવા લાગ્યાં કે, એ જ વખતે તેણે દેહ મૂકી દીધો. પછી તેની દેહક્રિયા કરી સહુ નાહ્યા. ત્યાર પછી દિવસે દિવસે દેવરાજ તથા માવજી અને ધનજીભાઈ વગેરેને ઠીક થવા માંડ્યું, પણ બાપાશ્રી આવ્યા નહિ, અને માણસ તેડવા જાય તો કહે જે, ‘તમે જાઓ, હું મારી મેળાએ આવીશ.’

આ રીતે વાટ જોવરાવતાં ચોથે દિવસે પોતે છ હરિભક્તોને સાથે લઈને નારાયણપુર ગયા ત્યાં ધનજીભાઈના ઘરમાં સહુને ‘જય સ્વામિનારાયણ’ કરી ખરખરો કરતાં બોલ્યા જે, ‘આ સહુનું દુ:ખ એક ગગી લઈ ગઈ!’ પછી મોંઘીબાઈ પાસે બેઠેલાં તેને કહે કે, ‘બાઈ! તમે હવે રાજી થયાં ને?’ ત્યારે તે કહે, ‘બાપા! આપ જેમ કરો તેમ સદાય રાજી છીએ, પણ આ લોકમાં રહ્યા છીએ એટલે હર્ષશોક થઈ જાય ખરો!’ પછી પોતે એમ બોલ્યા જે, ‘આપણને જેમ મહારાજ રાખે તેમ રાજી રહેવું, પણ હર્ષશોક કરવો નહિ,’ – એમ કહી હરિભક્તો સાથે વાડીએ જઈને નાહી આવ્યા ને ઘેર આવી ઘણી વાર સૂતા, ત્યાં ઘરમાંથી ધનજીભાઈના દીકરાઓની વહુઓ તથા સાંખ્યયોગી બાઈઓએ મળી ત્રણચાર શાક ને શીરો, કંસાર તથા રોટલા, ખીચડી વગેરે નોખે નોખે ચૂલે તૈયાર કરી મહારાજને થાળ જમાડી રાખ્યો. પછી બાપાશ્રી જાગ્યા, ત્યારે અમરબાઈ તથા મોંઘીબાઈ કહે, ‘બાપા! આ ફેરે તમે ત્રણચાર દિવસ વાટ જોવરાવી છે તે બધાય દિવસના થાળ તૈયાર કર્યા છે, તે જમવા ઊઠો ને ધનજીભાઈને સાથે તેડવા આવો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! અમારી ક્યાં ના છે?’ એમ કહી ધનજીભાઈ તથા સાથે આવેલા હરિભક્તોને લઈ ઘરમાં આવ્યા ને પંક્તિ કરી ત્યાં કંસાર, શીરો તથા શાક, ખીચડી વગેરે જોઈને કહે, ‘આજ આવડું બધું શું કર્યું છે? એક રોટલા કરી નાખીએ એમાં બધાય રસ મહારાજ મૂકે!’ પછી રોટલા કરી રાખેલા તે પણ આગળ મૂક્યા, તે જોઈ પોતે રાજી થયા ને કહે, ‘આજ લાવો, તમને બધાયને હું પીરસું.’ એમ કહી સૌની થાળીમાં પીરસીને પોતે જમવા બેઠા. તે કંસાર ભેળો રોટલો ને ખીચડી ચોળે ને શાક જુદું જમે, એમ નવીન રીતે જમ્યા. પછી મંદિરવાળા ઘરમાં આવ્યા ત્યારે ધનજીભાઈ તથા તેમના દીકરાઓએ બાપાશ્રીને ભાલે કુંકુમના ચાંદલા કરી ફૂલના હાર પહેરાવ્યા ને દંડવત્ કરી મળ્યા ત્યારે બાપાશ્રીએ તે સહુના માથે હાથ મૂકી પ્રસન્નતા જણાવીને કહ્યું જે, ‘સૌ આવાં ને આવાં હેત સદાય રાખજો.’ એમ કહી હરિભક્તોએ સહિત પોતે સાંજના વૃષપુર પધાર્યા.