૨૨ - સમાધિમાં હોય ત્યારે

0:000:00

હવે આ મુક્તરાજ ધીરે ધીરે સમાધિદશામાં રહેવા લાગ્યા. આઠદસ દિવસે, ક્યારેક દિવસ આખો, વાડીએ હોય કે ઘેર હોય ત્યાં પાધરા સૂઈ જ જાય! એ સમાધિ કેવી? તો જાણે સુખે સૂતા હોય! થોડે થોડે ઘરમાં સહુને ખબર પડી ગયેલી, જેથી જયાં એમ થયું જણાય ત્યાં માથે લૂગડું ઓઢાડી દે, ખબર રાખે; જાગ્રત થાય ત્યારે કોઈ પૂછે તો સાધારણ વાત કરે જે, ‘હું તો જાણે અક્ષરધામમાં જતો રહું છું, મને ખબર રહેતી નથી, મહારાજ કરતા હોય તે ખરું! પાછું કેમ જાગી જવાય છે, તે પણ એમને ખબર!’

એક વખત આ મુક્તરાજ વાડીમાં કોસ હાંકતા હતા ને રામપુરથી વિશરામભાઈ આદિ હરિભક્તો તેમનાં દર્શન કરવા આવ્યા. પોતે સામું જોઈ રહ્યા હતા, તેથી સૌએ ‘જય સ્વામિનારાયણ’ કર્યા. પણ આ મુક્તરાજને ખબર નહિ, તેથી તે તો એમ ને એમ સામું જોઈ રહ્યા. વિશરામભાઈ આદિ બીજા હરિભક્તોને આશ્ચર્ય થયું, તેથી એ પણ સામું જોઈ રહ્યા. છેવટે પાસે જઈને ઊંચે સાદે ‘જય સ્વામિનારાયણ’ કહ્યા, ત્યારે સ્મૃતિ આવી ને ખબર પડી જે, હરિભક્ત રામપુરથી આવ્યા છે. પછી કોસ છોડી નાખીને બેઠા, ને મહારાજના મહિમાની થોડી વાર વાત કરી, ત્યાં જ સૂઈ રહ્યા. ઘણી વાર થઈ ત્યારે જાગ્યા ને સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી પાછા કોસ ચાલુ કર્યા. આ રીતે મુક્તરાજ હવે યોગસમાધિમાં રહેવા લાગ્યા, તેથી ઘણાં હરિભક્તોને ખબર પડતી ગઈ.