૫૦૦ - સંતોને ખરડા કરવાની આજ્ઞા તથા વૃષ્ટિ

0:000:00

હવે મૂળીના પાટોત્સવની વાતનું શું થયું? તો સદ્‍ગુરુઓ તથા મૂળીના સંતો ગુજરાતમાં ગયા પછી મોટા મોટા સંતો તથા હરિભક્તોએ મળી વિચાર કર્યો જે, ‘બાપાશ્રીએ વૃષપુરથી ચાલતી વખતે કહ્યું છે કે, સો વર્ષનો સમૈયો જરૂર કરજો, અમે આવશું, હિંમત રાખજો, મહારાજ સારું કરશે. આવા આશીર્વાદ તો મળ્યા છે, પણ આ વાત આપણે મોટા મોટા હરિભક્તોને ભેળા કરી જણાવી દેવી જોઈએ.’ એમ ધારી નિયમની એકાદશીએ સહુને મૂળીમાં બોલાવી જણાવી દીધું આથી સહુને હિંમત તો આવી પણ ખરડા કરવાની વાતમાં હરિભક્તોનો મત મળ્યો નહિ, તેનું કારણ એ વર્ષમાં વરસાદની તાણ બહુ હતી. ઘણા વિચાર પછી સૌએ મળી નક્કી કર્યું કે, ‘જન્માષ્ટમીના સમૈયા સુધીમાં જો વરસાદ સારો થઈ જાય તો વાંધો નહિ, નહિ તો પછી તે દિવસે મહારાજ સૂઝાડે તેમ કરવું.’ આ વાત પાછી સંતોએ બાપાશ્રીને કાગળમાં લખી જણાવી. ત્યારે પણ પોતે એમ જ લખ્યું જે, ‘કાંઈ ચિંતા કરશો નહિ, મહારાજ બધુંય સારું કરશે.’ આથી સંત-હરિભક્તો ઘણા રાજી થયા. પણ પાછું જન્માષ્ટમીના સમૈયા સુધી તો વરસાદનું નામ જ ન મળે. કોઈ ઠેકાણે થાય તોય થોડા થોડા છાંટા પડે. આથી પાછી એવી ને એવી મૂંઝવણ થતાં સમૈયા પહેલાં સંત-હરિભક્તો ભેળા થયા ને માંહોમાંહી નક્કી કર્યું કે, આ વાત બહુ બહાર ન પાડવી ને બાપાશ્રીને પુછાવી જોવું કે, હવે શું કરવું?’ પછી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કાગળમાં લખી જણાવ્યું જે, ‘આ દેશમાં વરસાદ મુદ્દલ નથી તેથી સાવ દુકાળ વર્ષ છે. આવા વખતમાં ખરડા ન થાય, માટે જો દયા કરીને વરસાદ કરો તો પાટોત્સવ કરવાની હિંમત આવે, નહિ તો દેશકાળ જોતાં એ વિચાર બંધ રહે તેવું જણાય છે.’ આ કાગળ પહોંચતાં જ બાપાશ્રીએ લખી જણાવ્યું જે, ‘તમે પાટોત્સવનો વિચાર કાયમ રાખજો ને ખરડા કરવા નીકળજો. વરસાદ ઘણો થશે ને વર્ષ સારું પાકશે.’ આવો પત્ર આવતાં સંતો હિંમતમાં આવી ગયા ને પ્રથમ વાંકાનેર જવા નીકળ્યા ત્યાં તો માર્ગમાં જ વરસાદ થવા માંડ્યો; પછી તો ગામોગામથી ને દેશોદેશથી વરસાદ થયાના સમાચાર સંભળાવા લાગ્યા, તેથી હરિભક્તોએ ઉમંગથી સારી રીતે સેવાઓ કરવા માંડી ને સંતો પણ ગામોગામ ફરવા લાગ્યા. આવી રીતે સંતોને દેશોદેશ ને ગામોગામ ફરી પાટોત્સવ નિમિત્તે પ્રયત્ન કરતા જોઈ, સામા પક્ષના માણસોને એ ઠીક ન લાગતાં તેમણે આચાર્યશ્રીને જુદી રીતે સમજાવવા માંડ્યું જે, ‘તમારા વિના આ લોકો આવાં મોટાં કામ કરે તે ઠીક નહિ. જો તમે આ વખતે ઢીલું મૂકશો તો તમારી સત્તા ને તમારા હક્કમાં આગળ જતાં તમને મોટો વાંધો આવશે.’ આવા આવા ઘણાક ઊલટા શબ્દો તેઓ તરફથી આચાર્યશ્રીને કાને પડતાં તેમણે આ પાટોત્સવ બંધ રહે તેવા પ્રયત્નો કરવા માંડ્યાં. સંતોને તો બાપાશ્રીના આશીર્વાદ-વચનનું બળ હતું જે, ‘પાટોત્સવ થશે.’ એટલે એ તો ગામોગામ હરિભક્તો પાસે ખરડા નિમિત્તે ફરતા જ હતા.