૯૯ - અમારે તો મહારાજની મૂર્તિ રાખે તેનું કામ

0:000:00

એક દિવસ ભાઈશ્રી ઠાકોરજીને જમાડી ઘેર બેઠા હતા. ત્યાં એક હરિભક્તે આવી પગે હાથ અડાડી ‘જય સ્વામિનારાયણ’ કરવા માંડ્યા, ત્યારે પોતે પગ સંકોડી લીધા. તેથી તેના મનમાં એમ થયું જે, ‘આજ મારામાં શી ભૂલ હશે તે ભાઈએ આમ કર્યું?’ ત્યાં તો પોતે પ્રસન્ન થઈને બોલ્યા જે, ‘તમે કુટુંબી થાઓ છો તે ભલે અડો; પણ અંતરમાં મહારાજ વિના બીજું કાંઈ રાખશો મા, તો અમે રાજી થઈશું, જો હૈયામાં બીજું ઘાલશો તો તમારું તમે જાણો. અમારે તો શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ ખપતું જ નથી. કોઈ મહિમા જાણે કે ન જાણે, રાજી થાય કે કુરાજી થાય, પણ અમારે મહારાજ વિના કોઈનું કામ નથી. બીજા તો જેવું જેને ખપતું હશે તેવું લેશે. તેમાં અમારે લેવાદેવા નથી. અમારે તો મહારાજની મૂર્તિ રાખે તેનું કામ. અમારા હશે તે તો મહારાજની મરજી પ્રમાણે ચાલશે.’ આમ વાત કરતા હતા ત્યાં રામપુરના હરિભક્તો ભૂજ જતા હતા તે દર્શને આવ્યા, તેની સાથે ચારપાંચ નાના હરિભક્તો હતા સૌએ દંડવત્ કરવા માંડ્યા ત્યારે ભાઈશ્રી તે સર્વેને મળ્યા. પછી તે હરિભક્તો હજારી ફૂલના હાર લાવ્યા હતા તે પહેરાવવા લાગ્યા, ત્યારે ભાઈશ્રીએ મુક્તરાજ ધનબા તથા દેવરાજભાઈ વગેરેના સમાચાર પૂછ્યા ને પ્રસન્નતા જણાવી. તે વખતે સાથે આવેલા નાના હરિભક્તો બોલ્યા જે, ‘ભાઈ! અમે આવવા નીકળ્યા ત્યારે બીજા હરિભક્ત પરદેશ કમાવા જતા હતા તે પણ સાથે નીકળ્યા. પછી અમને તેઓએ પૂછ્યું જે, ‘તમે ક્યાં જાઓ છો?’ ત્યારે અમે કહ્યું જે, ‘જેમ તમે કમાવા જાઓ છો તેમ અમે પણ ભાઈ પાસે કમાવા જઈએ છીએ,’ ત્યારે તે રાજી થયા ને તમને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા છે. પછી ભાઈશ્રીએ પ્રસન્નતા જણાવી ને કહ્યું જે, ‘નાના છે, પણ ઠીક બોલતાં આવડ્યું. કેમ કે ખરી કમાણી ને ખરું સુખ તો મહારાજ પાસે ને તેમના મુક્ત પાસે છે. બીજે આ લોકમાં ક્યાંય નથી. તોય જીવ સુખ લેવા ચારેકોર વલખાં મારે છે. પણ ક્યાંથી મળે? મસાણના લાડવામાં એલચીની ગંધ કેવી? તેમ બીજે તો નકરું દુઃખ જ છે. અખંડ ને અવિનાશી સુખ તો એક શ્રીજીમહારાજની મૂર્તિમાં છે. માટે આપણે તો એ મૂર્તિ સામું જોઈને સુખિયા રહેવું ને એ જ ખરી કમાણી જાણવી,’ એમ વાત કરી. પછી તે હરિભક્તો ભૂજ ગયા.