૧૮૦ - મૂર્તિઓનો સદાય પ્રત્યક્ષભાવ
આ મુક્તરાજ કાશીરામભાઈને અંગ્રેજી અભ્યાસ ઘણો હોવાથી પોતે પ્રોફેસરની જગ્યાએ હતા. તેમની નોકરી વડોદરામાં થયેલી તે પહેલાં ઘણો વખત મોરબીમાં રહેલા, પછી અમદાવાદમાં પણ રહ્યા હતા. પોતે નિયમધર્મમાં એવા ખબડદાર કે એમના સહવાસમાં જે આવે તેને એમના વર્તન પરથી સત્સંગનો ગુણ આવ્યા વિના રહેજ નહિ. તેમનો પગાર મોટો હતો, પણ પગાર મળે એટલે દસમો ભાગ નરનારાયણદેવને ઊમરે પ્રથમ મૂકી પછી બાકીના રૂપિયા ઘેર લઈ જતા ને એ ધર્માદા નિમિત્તે પતાસાં જેટલી પણ પ્રસાદી લેતા નહિ, જ્યારે જ્યારે એ ઘનશ્યામ મહારાજનાં દર્શન કરતા, ત્યારે તેને પ્રત્યક્ષ શ્રીજીમહારાજનાં દર્શન કરવા જેટલો આનંદ થતો, તેનું કારણ, એક વખત પોતે સંતો પાસે એવી માગણી કરેલી કે, ‘મારે ઘનશ્યામ મહારાજનાં અંગોઅંગ નીરખવાં છે, તે મને પાસે રહી દર્શન કરાવશો?’ ત્યારે સંતો કહે, ‘ભલે!’ પછી તો તે નાહી ચોખ્ખાં વસ્ત્રો પહેરી ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા ને નખશિખા પર્યંત સમગ્ર મૂર્તિનાં દર્શન કરતાં તિલ, ચિહ્ન નીરખતા હતા, ત્યાં મહારાજે જરા અંગ સંકોડ્યું. ત્યારથી તેમને એમ જ થઈ ગયું કે આ તો પ્રત્યક્ષ મહારાજ મૂર્તિરૂપે દર્શન દે છે, તેથી જ્યારે જ્યારે એ દર્શન કરતા ત્યારે તેમને એવો જ ભાવ રહેતો.
એક વખત પોતે મંદિરમાં દર્શન કરવા આવ્યા ત્યારે કોઈ ધર્મનિયમવાળા સાધુની દૈહિક ક્રિયા જોઈ પોતાને કાંઈક સંકલ્પ થઈ ગયો હશે. પછી એવો વિચાર કરતાં એ ઘેર ગયા, પણ તે રાત્રે તેમને આ ઘનશ્યામ મહારાજે પ્રત્યક્ષ દર્શન આપી ઠપકો આપ્યો ને કહ્યું જે, ‘તમે જેના સંકલ્પ કરતા હતા તે સાધુને અમારા વચનમાં કેટલો ખટકો છે તેની તમને ખબર છે? તમારે તો સૌને દિવ્ય જ જાણવા,’ એમ કહી અદૃશ્ય થઈ ગયા. પછી બીજે દિવસ પોતે મંદિરમાં આવી, એ સંતો પાસે માફી માગી દંડવત્ કરી તેમને રાજી કર્યા ને નાનામોટા સહુને દિવ્ય જાણવા લાગ્યા. આથી તેમને દિવ્યભાવ વધતો ગયો, પછી તો જ્યારે એ દર્શને આવે ત્યારે મંદિરના દરવાજેથી પાઘડી માથેથી ઉતારી હાથમાં રાખે ને બધેય ઠેકાણે દર્શન કરી જ્યારે પાછા દરવાજે જાય ત્યારે ચરણરજ માથે ચડાવી પાઘડી માથામાં મૂકતા. આવા નિર્માની ને મહિમાવાળા હતા.