૬૯ - દુર્બળ વ્યવહાર અને દિવ્યભાવ
અનાદિ મુક્તરાજ ભાઈશ્રી જ્યારે તીર્થયાત્રામાં સંઘ ભેળા ગયા ત્યારે પોતાની વાડીમાં બે સાથી રાખેલા, તે હરિભક્તો સારા હતા ને મહિમાવાળા હતા. તેથી બધું કામકાજ પોતાના ઘરનું જાણી કરતા, ઘરમાંથી દેવુબા તથા પુત્રી વાલબાઈ જેમ કહે તેમ એ કરે. પુત્ર કાનજીભાઈ તો પ્રથમથી જ સાદા અને ભોળા હોવાથી એ સૌ મળી ઘર તથા વાડીનું કામકાજ ચલાવતા. ભાઈશ્રીનું ખાતું વગેરે કુંવરજી પટેલને ત્યાં હતું, તે તો આ મુક્તરાજનો મહિમા જાણતા, વળી સંઘ જ્યારે અમદાવાદ હતો ત્યારે સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ તેમને કાનમાં એવા મંત્ર ભણાવેલા જે, ‘કુંવરજીભાઈ! દીકરા બે વધુ હોય તો ભાગ લે કે નહિ? આ તો અક્ષરધામમાં લઈ જાય તેવા છે. માટે માગે તે દેજો; ને આપે તે લેજો. કાંઈ રહી જશે તો તેને બદલે અમે અક્ષરધામમાં તમને મોટું ઇનામ અપાવશું.’ એવા મહિમાવચનથી તેમને તો એમ જ હતું કે, આપણે આ મોટી સેવા છે. તેથી કરજની કોઈ વાતે ચિંતા નહોતી. ભાઈશ્રી તો તીર્થયાત્રામાં જઈ આવ્યા પછી વાડીએ જાય, આવે, પણ ચીંધ્યું કામ કરે તેવા થઈ ગયા, પોતે વધુ તો ધ્યાનમાં ને ધ્યાનમાં રહેતા હોય તેમ જણાતા હોવાથી સૌને દિવ્યભાવ વધતો જતો, કામકાજ પોતાથી બને નહિ, તેમ ઘરમાં કોઈ કહે તેવું નહિ, કેમ કે બધાયને તેમનો મહિમા, પોતાને તો કર્તા શ્રીજીમહારાજ, તેથી ‘એ મહાપ્રભુ જે કરે તે ખરું.’ ભાઈશ્રી તો જે હરિભક્ત ગામડેથી આવે તેને ‘ચાલો ઠાકોર જમાડવા’ એમ કહી ઘેર લઈ જાય ને રોટલા, ખીચડી, શાક, છાશ જે હોય તે જમાડી દે. જ્યારે મંદિરમાં સંતો આવે ત્યારે સીધુંસામાન તૈયાર કરે, વ્યવહારમાં ઘણી દુર્બળતા હોવાથી ઘરમાં દેવુબા કે પુત્રી વાલબાઈ કોઈ વખત મૂંઝાય, કેમ કે ઘરમાં લોટ, ગોળ કે ઘી ન હોય ને સીધું લેવા આવે ત્યારે ઘરમાં કાંઈ નથી ને શું લેશે, એમ જાણી કોઈ બોલે નહિ. ત્યાં તો પોતાની મેળાએ ઘી, ગોળ, લોટ, ખીચડી વાસણમાંથી ભરીને ચાલતા થાય. દેવુબા કે વાલબાઈ પાછળથી જુએ તો વાસણમાં કાંઈ ન મળે. આવું જોઈને ઘરમાં પણ સૌને દિવ્યભાવ જણાતો ગયો.