૮ - મુક્તરાજની સાદાઈ અને સામર્થ્ય

0:000:00

માતાપિતા પણ એવી જ રીતે કૃતાર્થ બન્યાં હતાં. ટાણે-પ્રસંગે બહેનો તથા સગાંવહાલાંઓને ત્યાં આ મુક્તરાજ જાય ત્યારે ત્યાં પણ સૌને ગમે તેમ વર્તે, એ જોઈ સૌ પોતાનાં અહોભાગ્ય માનતા. પોતે તો અખંડ મૂર્તિમાં જ નિમગ્ન રહેતા હોવાથી બીજી કોઈ જાતની તેમને તાણ નહોતી, પણ આ લોકમાં શ્રીજીમહારાજે જે કામ સારુ રાખ્યા છે, તે કામ તુરત થાય તો ઠીક, એ વિચારથી પોતે પ્રત્યક્ષ નજરે જોયેલ હોય તેમ મહારાજના મહિમાની તથા લીલાચરિત્રની વાતો ધીરે ધીરે કરવા માંડી. કીર્તન, કથા-વાર્તા, દેવસેવા, સંતસેવા, ધ્યાન-ભજન આદિ કોઈમાં અજાણ્યા ન લાગે તેમ પોતે તદ્દન સાદા. ક્યારેક કોઈની વાડીએ કામે જાય, પોતાની વાડીમાં કોસ ખેડે. સંતો આવે ત્યારે આ મુક્તરાજને જોઈને મનની વૃત્તિઓ તણાય, પણ જયાં સુધી પોતાને સામર્થ્ય છુપાવીને વર્તવાનો ઠરાવ છે, ત્યાં સુધી કોણ જાણી શકે? કોઈ અનુભવી ને વૃદ્ધ સાધુ આવ્યા હોય ત્યારે તો પોતે બહુ હેત જણાવી દંડવત્ કરે, મળે, કામકાજ મૂકી તેમની પાસે બેસી રહે. ઘણી વાર અંતર્વૃત્તિ કરી બેઠા દેખે, ત્યારે સંતો એકાંતે લઈ જઈને પૂછે કે, ‘તમને બેઠા બેઠા ઊંઘ આવી જાય છે કે ધ્યાનમાં ઊતરી જાઓ છો?’ ત્યારે કોઈ વખત એમ કહે જે, ‘મને કાંઈ ખબર પડતી નથી.’ કોઈ વખત કહે, ’તમે જાણતા હો તે ખરું!’ ક્યારેક તો એમ કહે જે, ‘ઊંઘ કે ધ્યાન મહારાજ ન મળ્યા હોય ત્યાં સુધી થાય, પણ મહારાજ મળ્યા પછી શું કરવા કરવું પડે? પછી તો મૂર્તિ સામું જોઈ જ રહેવું. એમાં બધુંય આવી જાય.’ આવાં વચન સાંભળી સંતો ઘણા રાજી થાય, ને કાંઈ ને કાંઈ વાતનો પ્રસંગ કાઢી મહારાજનાં મહિમાની વાતો કરાવે, તથા કોઈ વાર ઠાકોરજીના પ્રસાદીહાર પહેરાવી રાજી કરે.

આવી મહાન સ્થિતિમાં વર્તતા ક્યારેક વળી મનુષ્યભાવ દેખાડે, ત્યારે માતા, પિતા તથા અન્ય પુરવાસી જનને સંકલ્પ પણ થાય. એક વખત દેવબાઈ વાડીએ હતાં ને પોતાને નાહવાની ઇચ્છા થઈ, ત્યારે પાધરો જ કૂવામાં ધૂબકો માર્યો. પાંચાભાઈ હાજર નહિ; દેવબાઈ જાણે આવડું પાણી ભર્યું છે તે બૂડી જશે તો હું શું કરીશ? ત્યાં તો બહાર નીકળી આવ્યા અને ફેર ધૂબકો માર્યો. દેવબાઈ કાંઠે ઊભાં ઊભાં ઉચાટ કરે ને કહે, ‘દીકરા! ધૂબકા ન મારે; બૂડી જઈએ,’ ત્યારે પોતે પાણીમાં રહ્યા થકા બોલે જે, ‘મા! હું નહિ બૂડું,’ તોય દેવબાઈને ઉચાટ મટે નહિ. એ તો જ્યારે બહાર નીકળી કોરાં લૂગડાં પહેરે ત્યારે નાહી રહ્યા જાણી શાંતિ પામે. પછી પાસે બેસી ભલામણ કરે જે, ‘દીકરા! કૂવામાં તો પાણી સીંચીને નાહીએ તો ઠીક. માંહી કાંઈક હોય, કાં ઊંડું પાણી હોય તો બૂડી જવાય.’ ત્યારે પોતે કહે, ‘મા! મને તરતાં આવડી ગયું છે, ને મહારાજને સંભારીને ધૂબકો દઉં છું, ત્યાં તો પાણીમાં સાધુ અને મહારાજનાં દર્શન થાય છે, તેથી બૂડવાની તો બીક જ લાગતી નથી.’ આવું સાંભળી દેવબાઈને શ્રીજીમહારાજે વચન આપેલ બરાબર યાદ આવી જાય.