૬૧૩ - બાપાશ્રી ભારાસર પધાર્યા
પછી સંતોને ભૂજમાં અન્નકૂટનાં દર્શન કરવા જવાની આજ્ઞા કરીને કહ્યું જે, ‘તમે ગામડાંમાં થઈને ભારાસર આવજો, અમે પણ ત્યાં આવશું.’ આથી સંતો અન્નકૂટનાં દર્શન કરી ભારાસર પહોંચ્યા હતા, ત્યાં બાપાશ્રી પધાર્યા તેથી ત્યાંના હરિભક્તો ઘણા રાજી થયા. ત્યાં બે દિવસ રહી હરિભક્તોને કથાવાર્તાથી સુખિયા કરતા પોતે સભામાં બહુ ચમત્કારી વાતો કરી.
એક દિવસ રાત્રે ત્યાંના ગાંગજી પટેલે આવીને કહ્યું જે, ‘બાપા, આ ફેરે તમે અમારા રંક ઉપર બહુ દયા કરીને અમને સુખિયા કરી કૃતાર્થ કર્યા.’ એ વખતે પોતે એમ બોલ્યા જે, ‘અમે પથરામાં ને ડુંગરામાં ઊંટની ગાડીઓમાં પછડાતા-પછડાતા જીવોના ઉદ્ધાર કરવા આવ્યા છીએ, નહિ તો શ્રીજીમહારાજ વિના અમારો બીજો કોણ નિયંતા છે, તે અમને અહીં લાવે?’ એમ કહીને મહારાજના મહિમાની તથા પોતાની સ્થિતિની વાત કરી. બીજે દિવસ સવારે આશાભાઈ પૂજા કરીને દર્શન કરવા આવ્યા ત્યારે તેમના ઉપર પ્રસન્નતા જણાવી માથે હાથ મૂકીને કહ્યું જે, ‘આ સાચો સેવક છે.’ પછી શામળભાઈની પ્રશંસા કરીને ચાલ્યા તે આગળ તળાવડીમાં નાહી નારાયણપુર પધાર્યા.