૩૪૩ - રતિલાલભાઈ પર પ્રસન્નતા
આ રીતે અલૌકિક પ્રતાપ જણાવતા બાપાશ્રીએ યજ્ઞ પ્રસંગે છેલ્લા દિવસોમાં આવેલા જામનગરના હરિભક્તોને પણ બહુ સુખ આપ્યું, તેથી એ સૌ રાજી રાજી થઈ ગયા ને સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજીનો ઉપકાર માનતા વિદાય થવાની રજા માગી. ત્યારે બાપાશ્રી એ સહુને મળ્યા ને કહે, ‘ભલે, સુખે જાઓ, પણ આ દિવ્ય સભા સંભારી રાખજો.’ એ વખતે રતિલાલભાઈ, જેને બાપાશ્રીએ કાગળ લખી તેડાવ્યા હતા, તેનો હાથ ઝાલીને કહ્યું, ‘માસ્તર! તમે તો હમણાં અહીં ખમી રહો. હજી સંતો રોકાવાના છે, એટલે તમને વધુ સમાસ થશે.’ આ વચનથી જૂનાગઢવાળા સદ્ગુરુ સ્વામી બાળમુકુંદદાસજીએ તેમને થોડા દિવસ પહેલાં રાજી થઈ કહ્યું હતું જે, ‘તમને મહારાજના મોટા મુક્ત મળશે ને સુખિયા થશો’, એ વાત બરાબર યાદ આવી. પછી તો પોતે ત્યાં જ રહીને દર્શન, સેવા-સમાગમનો લાભ લેવા લાગ્યા. બાપાશ્રીને સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજીએ પણ એમની વતી પ્રાર્થના કરેલ, તેથી એ વાત ધ્યાનમાં રાખી સુખ આપવા ધાર્યું હોય તેમ એક વખત સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી પોતાની પાસે વાતોના જૂના ખરડાની ચોપડી વાંચતા હતા, તે જોઈ પોતે કહ્યું, ‘સ્વામી! આ માસ્તરને એ ચોપડી આપો, એટલે એમાંથી તેને બધી વાતો સમજાય.’ આવી આજ્ઞા થતાં તેમને તે ચોપડી પહેલેથી વાંચવા માંડી, તેમાં મહારાજ ને મોટા મુક્તના મહિમાની વાતો નવીન નવીન આવતાં તેમને આનંદ થતો, પણ સભામાં બાપાશ્રી પાસે સંત-હરિભક્તો બેઠા હોય ને કથાવાર્તા થતી હોય, તેથી પોતાને એમ રહ્યા કરે જે, ‘આ વાંચવાનું તો વહેલામોડુંયે થાય, પણ આવી દિવ્ય સભાનાં દર્શન ને કથાવાર્તાનો લાભ પછી ક્યાંથી મળે?’ એમ જાણી એ પાસે આવી દર્શન કરે. ત્યારે બાપાશ્રી તેમને એમ કહે જે, ‘માસ્તર! તમે તો એ વાંચ્યા કરો, એમાંથી બધુંય સમજાશે ને ઘણું સુખ આવશે,’ આથી તેમણે એ વાતો સંપૂર્ણ વાંચી. પછી બાપાશ્રીએ તેમના માથે હાથ મૂકી બહુ રાજીપો જણાવ્યો.
વળી એક દિવસ સભામાં બાપાશ્રીને પ્રસન્ન થકા વાર્તા કરતા જોઈ તેમણે પ્રશ્ન પૂછ્યું? કે, ‘બાપા! અત્યારે શ્રીજીમહારાજ શું કરતા હશે?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આ ટાણે મહારાજ માણકીએ બેસી આશ્રિતજનને પોતાની મૂર્તિનું સુખ આપતા સત્સંગમાં ફરે છે.’ આ ઉત્તરથી તેમને એમ થઈ ગયું કે, ‘બાપાશ્રી તો અખંડ મહારાજ સામું જોઈ રહ્યા છે.’ પછી પાટડીના મુક્તરાજ નાગજીભાઈ દેશમાં જવા તૈયાર થયા, તેની સાથે તેમને ભૂજ થઈ જવાની રજા આપી, આશીર્વાદ આપતાં કહ્યું કે, ‘માસ્તર! હવે તમને અમારો જોગ બહુ થશે.’ આ વચનથી આનંદ પામતા તે ભૂજ ગયા ને ઠાકોરજી તથા સંતોના દર્શન કરી એક રાત રહ્યા, ત્યાં પણ મોટી સ્થિતિવાળા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને બાપાશ્રીને વિષે અત્યંત હેત જોઈ તેમને પણ એ પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘બ્રહ્મચારી મહારાજ! બાપાશ્રી આવા સમર્થ છે, એ વાતની મને ખબર જ નહિ, પણ હવે દયા કરો જે, મને એમનાં દર્શન-સેવાનો લાભ બહુ મળે,’ ત્યારે તેમણે પણ આશીર્વાદ આપી કહ્યું જે, ‘તમારા મનોરથ મહારાજ પૂરા કરશે.’ પછી એ જામનગર જવા પાછા ગાડામાર્ગે કુંભારિઆ ગયા. ત્યાં તો ત્યાંના હરિભક્તોના આગ્રહથી તેમને ત્યાં જ નિશાળમાં નોકરી થઈ, ત્યારે પોતે એમ જાણ્યું જે, ‘બાપા મને ‘માસ્તર!’ કહી કહીને બોલાવતા તે નામ સાર્થક કર્યું લાગે છે;’ પછી તો એ પ્રસંગે પ્રસંગે ઘણી વાર દર્શન, સેવા-સમાગમનો લાભ લેવા લાગ્યા.
હવે અનાદિ મુક્તરાજ બાપાશ્રી યજ્ઞના કામથી પરવાર્યા પછી બે-ત્રણ મહિના તો પોતે વૃષપુરમાં જ રહ્યા. ગામડેથી ક્યારેક સમાચાર આવે ને તેડાવે તો કહે, ‘હમણાં ખમો, પછી આવશું,’-એમ કરતા હિંડોળાના દિવસો આવ્યા, ત્યારે પોતે ભૂજ દર્શને ગયા, તેથી સંત-હરિભક્તો ઘણા રાજી થયા ને સુખપુરથી મહામુક્તરાજ દેવજીભાઈ આવેલા તે પણ બાપાશ્રીને આવ્યા જાણી હેતે સહિત બાથમાં ચાંપી મળ્યા ને એકબીજાના મહિમાની વાતો કરી સભામાં ઘણી વાર બેઠા. થોડી વાર પછી થાળ થયા ત્યારે ઠાકોરજીને જમાડી જરા વાર આસન કર્યું ને જાગીને મંદિરને કૂવે નાહ્યા. પાંચ વાગ્યાના સમયે હિંડોળામાં ઠાકોરજીને પધરાવ્યા ત્યારે બાપાશ્રી દર્શન કરવા મંદિરમાં આવ્યા ને દેવજીભાઈ સભામંડપમાં બેઠેલા, જે વખતે બાપાશ્રી દર્શન કરતા હતા, તે વખતે એમને એવાં દર્શન થયાં કે, જાણે મંદિર બધું તેજોમય જણાય; વચ્ચે હિંડોળો પણ એવો, તે હિંડોળામાં શ્રીજીમહારાજ સોનેરી વસ્ત્રોએ સહિત બેઠેલા; બાપાશ્રી પણ એ ઠેકાણે દર્શન કરતા દેખાય. વળી બેય સામસામા વાતો કરે ને મરક મરક હસે ને સભા સામું જોતા જાય. મુક્તરાજ દેવજીભાઈ તો આવાં દર્શનથી આનંદમાં ગરકાવ બની ગયા. પછી બાપાશ્રી જ્યારે સભામાં પધાર્યા ત્યારે પોતે આ વાત કરી, તે સાંભળી સંત-હરિભક્તોને ઘણું જ આશ્ચર્ય થયું.