૫૫૯ - પ્રસન્નતા અને આશીર્વાદ

0:000:00

એક દિવસ ભારાસરથી કેશરાજભાઈ તથા રામજીભાઈ બાપાશ્રી પાસે આવી પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘અમારે ચૈત્ર મહિનામાં ‘શિક્ષાપત્રીભાષ્ય’ ની કથા બેસારવાનો વિચાર છે ને ભૂજના સંતોને પૂછ્યું તો કહે, ‘ભલે બેસારો, પણ પહેલાં બાપાશ્રીને આ વાત જણાવો, કેમ કે રામપુરમાં મુક્તરાજ ધનબાના ટાણામાં એકબે નબળા મનુષ્ય આવી ગયા હતા તેને લઈને વિક્ષેપ થાય તેમ હતું, પણ મોટા મુક્તના પ્રતાપે કોઈનું કાંઈ ચાલ્યું નહિ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમારે એવા કોઈની બીક ન રાખવી. દેહાભિમાની ને ધર્મ વિનાના મનુષ્યનું આપણે શું કામ હતું! આપણે તો જીવના કલ્યાણ સારુ યજ્ઞ કરીએ છીએ, તેમાં જેને મોક્ષ જોઈતો હોય તે આવે. ભલે કથા-યજ્ઞ કરો ને સંત-હરિભક્તોને જમાડો, કાંઈ વિઘ્ન નહિ થાય.’ આવાં વચનથી તેઓ રાજી થયા ને કહ્યું જે, ‘તમારે પહેલાં આવીને બેસવું જોશે.’

ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! જ્યારે કહો ત્યારે અમે તૈયાર છીએ. કેશરાજભાઈ અને તમે તો અમારા જ છો, ‘એમ કહીને પછી એ બેયને ઘેર લઈ જઈને જમાડ્યાં, અને કથા માટે સામાન તૈયાર કરવાની ને ભૂજથી સંતોને વહેલા તેડી લાવવાની ભલામણ કરી. તે વખતે તેમણે પણ મૂળીના સંતોને ભેળા તેડી લાવવા કહ્યું, ત્યારે બાપાશ્રી કહે, ‘આ સંતોને અહીં આવ્યા એક મહિનો થઈ ગયો. તેથી એમ ને એમ તો હવે એમને નહિ રોકાય, કેમ કે મંદિરના વ્યવહાર એવા છે તે કોઈ કેમ બોલે ને કોઈ કેમ બોલે, પણ જો તમે ભૂજ જઈને ત્યાંના સંતોને કહો કે તમે અમારી વતી તાણ કરી રોકો તો એ રોકાશે.’ ત્યારે રામજીભાઈને એ ઠીક લાગ્યું. પછી બાપાશ્રીનું યજ્ઞમાં પધારવાનું નક્કી કરી એ પણ ભૂજ ગયા. પાછળથી બાપાશ્રીએ મૂળીના સંતોને આજ્ઞા કરીને કહ્યું જે, ‘તમે ભૂજ જાઓ, જો તમને ત્યાંના સંતો તાણ કરીને રોકે તો તમે ભારાસર આવજો.’ એ રીતે તેમને પણ વિદાય કર્યા.