૨૮૮ - મુક્તોના પરસ્પર પ્રેમ ને મેવાની પ્રસાદી
હવે મૂળીવાળા સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીને ભૂજના સમૈયામાં ગામડાંના હરિભક્તોએ પોતપોતાના ગામ તેડી જવાનો આગ્રહ કરવાથી તેમ જ બાપાશ્રીને પણ સ્વામીશ્રીએ વૃષપુર થઈને દેશમાં જવાનું વચન આપેલ હોવાથી પોતે થોડા દિવસ સંતોએ સહિત ગામડાંમાં ફરી વૃષપુર આવ્યા. એ વખતે બાપાશ્રી મંદિરની ઓશરીમાં હરિભક્તોએ સહિત સભા કરી બેઠા હતા, તે સ્વામીશ્રીને જોતાં જ ઊભા થઈ દંડવત્ કરવા લાગ્યા. એ જોઈ હરિભક્તો પણ વાંસે દંડવત્ કરે. એ સૌને ‘રાખો! રાખો!’ કહેતાં સ્વામી બાપાશ્રીને બહુ હેત જણાવી મળ્યા. પછી સ્વામીશ્રી આદિ સંતો હજી ઠાકોરજીનાં દર્શન કરતા હતા, ત્યાં તો હરિભક્તોએ સંતોનાં આસન તૈયાર કરી નાખ્યાં. બાપાશ્રી પણ તુરત જ ઘેર જઈ રસોઈનો સામાન મંદિરમાં પહોંચાડવા પોતાના પુત્રાદિકને કહી મંદિરમાં આવ્યા અને માર્ગના સમાચાર પૂછતાં મહારાજના સુખની વાતો કરવા માંડી. સ્વામીશ્રીએ પણ કેટલીક દિવ્ય ભાવની વાતો કરી. આમ બ્રહ્મયજ્ઞ ચાલતાં ઘણો સમય થયો ને હરિભક્તોથી મંદિર ઊભરાઈ ગયું. ત્યાં તો સંતોએ થાળ તૈયાર કરી ઠાકોરજીને જમાડ્યા. પછી પંક્તિ થઈ ત્યારે બાપાશ્રીએ સંતોને દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને તાણ કરી એક વાર વધુ પીરસાવ્યું. પછી પોતે ઘેર જઈ ઠાકોરજી જમાડી આવ્યા. વળી થોડી વાર કથાવાર્તા થઈ રહી એટલે સંતોને જરા વાર આરામ કરવાનું કહી પોતે ઘેર સંતોને પધરાવવા માટે તૈયારી કરતા ચંદન, કુંકુમ તથા ફૂલના હાર તૈયાર કરાવવા લાગ્યા. જ્યારે સંતો જાગ્યા ને નાહી લીધું ત્યારે પોતે સૌને ઘેર તેડી જઈ મેડા પર ઠાકોરજીના સિંહાસન પાસે પાથરી રાખેલ આસન પર બેસારી પુત્રાદિકે સહિત ચંદન ચર્ચી, કુંકુમના ચાંદલા કરી સૌને ફૂલના હાર પહેરાવ્યા. એ વખતે સંતો ‘આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ’ –એ કીર્તન બોલવા લાગ્યા અને પોતે સ્વામીશ્રીને મોટી ધાબળી ઓઢાડી, સંતોને ધોતિયાં ઓઢાડવા મંડ્યા. સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજી તો ધાબળી જોઈને કહે, ‘ભાઈ! આ તમે શું કર્યું?’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! આ તો અમારું સંભારણું.’ આવાં વચનથી સ્વામીશ્રી કહે, ‘તમારે આવડું શું કામ કરવું પડે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘આવા દિવ્ય મુક્ત ઘેર બેઠાં ક્યાંથી મળે! મને તો તમને જોઈને બહુ હેત આવે છે. જાણે આવા સંતને અર્થે તન, મન, ધન, બધુંય કુરબાન કરી નાખું.’ આવાં મહિમાનાં વચનો કહી, કરાંચીના હરિભક્તો લાલુભાઈ, હીરાભાઈ આદિ પોતાની સાથે બાપાશ્રી માટે દ્રાક્ષ, કાજુ આદિ મેવો લાવેલ હતા તેમાંથી પોતે સંતોને ખોબા ભરી ભરીને આપવા લાગ્યા ને પ્રસન્નતા જણાવી કહેતા આવે જે, ‘આ પ્રસાદી બહુ ચમત્કારી છે, આ તો મુક્તદ્વારે મહારાજ આપે છે, એવી અલૌકિક દિવ્ય વસ્તુ જાણજો.’ આવાં વચનથી પુરાણી ધર્મકિશોરદાસજીએ હેતવાળા સંત-હરિભક્તોને આપવા સારુ એ પ્રસાદી લૂગડામાં બાંધી રાખી; પછી સ્વામીશ્રી આદિ સંતો બાપાશ્રીને મળી મંદિરમાં આવ્યા ને રાત્રે કથાવાર્તા કરી સૌને રાજી કરી દીધા.
સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીએ બીજે દિવસે જવાનો ઠરાવ કરેલ હોવાથી રાત્રે સભામાં હરિભક્તોએ ચંદન-પુષ્પથી પૂજાઓ કરી, ધોતિયાં ઓઢાડવા માંડ્યા, એ વખતે બાપાશ્રીએ સૌને કહી દીધું જે, ‘આ સ્વામી આપણા સારું અહીં આવ્યા છે! નહિ તો આવડી મોટી અવસ્થાએ એમનાં દર્શન અહીં ઘેર બેઠાં ક્યાંથી થાય? આ તો સદાય મૂર્તિના સુખમાં કિલ્લોલ કરે છે, માટે સૌ રાજી કરી લેજો. આવો અવસર વારે વારે ન આવે. આજ તો કપિલાછઠ્ઠ આવી ગઈ.’ બાપાશ્રીનાં આવાં મહિમાવચનથી સંત-હરિભક્તો રાજી રાજી થઈ ગયા.