૧૪૧ - સંતોના આગ્રહથી મૂળીએ રહ્યા
મૂળીમાં સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજી તથા સ્વામી બાળકૃષ્ણદાસજી આદિ સંતોએ એક દિવસ રોકવા તાણ કરી, ત્યારે ભાઈશ્રીએ ઉતાવળ ઘણી કરી કહ્યું કે, ‘રામજીભાઈ બહુ માંદા છે, તેથી જવાની ઉતાવળ છે, તે વળતાં રોકાશું.’ ત્યારે સંતો કહે, ‘વળતાં રોકાશો તો બીજી વાર લાભ મળશે. પણ આ ટાણે તો રોકાઈ જાઓ એ જ ઠીક. સંતોને તાણ બહુ છે, તેથી સહુને રાજી કરો ને રામજીભાઈને શ્રીજીમહારાજ સારું કરશે.’ એવાં મોટા સંતનાં આશીર્વાદ-વચનથી ભાઈશ્રી આદિ ત્યાં રાત રહ્યા.
એ જ દિવસે સ્વામીશ્રીના આસને આ મુક્તરાજ બેઠા હતા ને વાતનો પ્રસંગ ચાલ્યો ત્યારે પોતે વાત કરી જે, ‘સ્વામી! તમારા જેવા સંતનાં દર્શન ક્યાંથી મળે! આ તો મહારાજ અક્ષરધામમાંથી પોતાનો દિવ્ય સાજ લાવ્યા, તેથી અગમ હતા તે સુગમ થયા છે. લાખોકરોડો જન્મનાં કર્મ આવા મોટા મુક્તના દર્શને નાશ પામી જાય, એવી વાત જીવને ક્યાંથી સમજાય? મહારાજ કહે છે કે, રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય, પણ જીવને મહિમા નહિ તેથી ખબર ન પડે. મહારાજનું સુખ તો બહુ જબરું છે, તે જો મહિમાએ સહિત ધ્યાન કરે, તો શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત ઝળઝળાટ તેજમાં દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય. મહાપ્રભુ સત્સંગમાં અખંડ બિરાજે છે. તેમના મુક્ત પણ ભેળા છે. જુઓને, તમ જેવા સંતના જોગમાં શું બાકી રહે! સર્વોપરી ભગવાન જે શ્રીજીમહારાજ ને આવા સર્વોપરી મુક્ત અનંતકોટિ બ્રહ્માંડમાં ખોળતાં ન મળે તે આજ સહેજે મળ્યા છે, એમ જાણે તો આઠે પહોર આનંદ આનંદ રહે,’ આવી રીતે તે દિવસ નાહતાં, જમતાં, સભામાં, આસને, જ્યાં કાંઈક વાતનો પ્રસંગ નીકળે ત્યાં આવાં જ વચનો બોલતા; તેથી સંતો રાજી રાજી થઈ ગયા. સ્વામી બાળકૃષ્ણદાસજીને તો આ અનાદિ મુક્તરાજને વિષે પ્રથમથી જ દિવ્યભાવ હતો; તેથી તેમને તો દર્શને જ આનંદ વર્તતો. આ રીતે સૌને રાજી કરી, બીજે દિવસ જવાનું કર્યું ત્યારે સંતો વળાવવા ચાલ્યા, પણ સ્વામી શ્વેતવૈકુંઠદાસજી કોઠારના કામમાં હોવાથી નીકળી શક્યા નહીં, તેથી તેમને બહુ પશ્ચાત્તાપ થયો, ત્યારે ભાઈશ્રી તેમને દર્શન દઈને મળ્યા. સ્વામી કહે, ‘ભાઈ! એકલા કેમ પાછા આવ્યા?’ ત્યારે કહે, ‘તમને તાણ રહી ગઈ છે એમ જાણી મળવા આવ્યા,’ એમ કહી અદૃશ્ય થઈ ગયા. એ રીતે મૂળીમાં અલૌકિક દિવ્યભાવ જણાવી સંઘે સહિત ભાઈશ્રી ગામ ઉપરદળ જવા નીકળ્યા.